માંગણી:વેરાવળના ત્રણ વોર્ડમાં પાણી ભરાવવાની સમસ્‍યાના ઉકેલ માટે મંજૂર થયેલી યોજનાનું કામ સત્‍વરે શરૂ કરાવવા કોંગી નગરસેવકોએ કરી માંગ

વેરાવળ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ત્રણેય વોર્ડમાં આ રીતે પાણી ભરાવવાની સમસ્‍યા છે - Divya Bhaskar
ત્રણેય વોર્ડમાં આ રીતે પાણી ભરાવવાની સમસ્‍યા છે
  • કોંગી નગરસેવકોએ વિપક્ષના નેતાની આગેવાનીમાં પાલીકા પ્રમુખ-ચીફ ઓફિસરને લેખીત રજૂઆત કરી
  • શહેરમાં ગંદકી અને વરસાદી પાણી ભરાવવાની સમસ્‍યાના નિકાલની કામગીરી તાત્‍કાલીક કરાવો અન્‍યથા આંદોલન કરવાની ધારાસભ્‍યએ ચિમકી ઉચ્‍ચારી

વેરાવળ શહેરના વોર્ડ નં.2,5 અને 6 માં પાણી ભરાવાની સમસ્‍યા ઉદ્દભવી હતી. જોકે આ સમસ્યાના ઉકેલ માટે મંજૂર થયેલી યોજનાની કામગીરી તાત્‍કાલીક શરૂ કરાવવા તથા ત્રણેય વોર્ડમાં મંજૂર થયેલા પ્રાથમીક સુવિધાના કામો તાત્‍કાલીક શરૂ કરવા અંગે વિપક્ષી નેતાની આગેવાનીમાં 11 જેટલા કોંગ્રેસના નગરસેવકોએ પાલીકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરી છે. તો સોમનાથના કોંગી ધારાસભ્‍યે વરસાદી પાણીના નિકાલ તથા ચૌતરફ ફેલાયેલી ગંદકી ત્‍વરીત દુર કરાવવા નહીં આવે તો પાલીકાને તાળાબંધી તથા રસ્‍તા રોકો આંદોલન કરવાની ચિમકી ઉચ્‍ચારી છે.

તાજેતરમાં કોંગ્રેસના નગરસેવકોની એક બેઠક પાલીકાના વિરોધ પક્ષના નેતા ગુલામખાનની હાજરીમાં સર્કીટ હાઉસ ખાતે મળી હતી. જેમાં કોગ્રેસના 13 પૈકી 11 નગરસેવકો હાજર રહ્યા હતા. બેઠકમાં કોંગી નગરસેવકોના વોર્ડમાં પ્રવર્તેલ સમસ્‍યાઓ અંગે ચર્ચાઓ થઇ હતી. બાદમાં કોંગી નગરસેવકોએ પાલીકા પ્રમુખ અને ચીફ ઓફિસરને ત્રણેય વોર્ડની સમસ્‍યારૂપી પ્રશ્નો અંગે લેખીત રજૂઆત કરી છે. જેમાં જણાવેલ કે, વર્ષોથી વોર્ડ નં.2, 5 અને 6 માં ઉપરવાસનું વરસાદી પાણી ફરી વળી દિવસો સુધી ભરાયેલુ રહે છે. જેના કારણે વોર્ડવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ત્રણેય વોર્ડમાં પાણીના નિકાલની કોઇ સુવિધા ન હોવાથી સમસ્‍યા વિકરાળ બની ચુકી છે. જે સમસ્‍યાના કાયમી ઉકેલ માટે વર્ષ 2019 માં અમૃતમ યોજનામાં ત્રણેય વોર્ડમાં સ્‍ટ્રોમ ડ્રેનેજ (ગટર) બનાવવાનું કામ મંજૂર થયું છે. જે કામગીરી હજુ શરૂ થઇ ન હોય જે તાત્‍કાલીક કરવા માંગણી કરી છે.

ત્રણેય વોર્ડમાં આ રીતે પાણી ભરાવવાની સમસ્‍યા છે
ત્રણેય વોર્ડમાં આ રીતે પાણી ભરાવવાની સમસ્‍યા છે

વધુમાં સોમનાથ ટોકીઝ પાસે રોડ ક્રોસ કરી પાણીની પાઇપ લાઇન નાંખવા, ત્રણેય વોર્ડમાં આવતા સોસાયટી વિસ્તારોમા બાકી રહેલી પાણીની લાઇનો નાખવા, નવો પાણીનો ટાંકો બનાવવા, રસ્‍તાઓ બનાવવા, હાઇમાસ્ટ ટાવર ફીટ કરવા સહિતના પ્રાથમીક સુવિધાના મંજૂર થઇ ગયેલા કામો તાત્‍કાલીક શરૂ કરવા અને મંજૂરી અર્થે બાકી રહેલા કામો તાત્‍કાલીક મંજૂર કરવા માટે માંગણી કરી છે.

સમસ્‍યાઓનો નિકાલ નહીં થાય તો તાળાબંધીની ધારાસભ્‍યની ચિમકી

વેરાવળ-સોમનાથ શહેરમાં અનેક સ્‍થળો અને સોસાયટીઓમાં ચોમાસાની સીઝનમાં વરસાદનું પાણી ભરાતુ હોય તેમજ શહેરમાં ગટરોની સફાઇ યોગ્‍ય રીતે ન થવાના લીધે લોકોને હાલાકી પડી રહી છે. જે સમસ્‍યાઓનું તાત્‍કાલીક ઘોરણે નિરાકરણ લાવવા સોમનાથના કોંગી ધારાસભ્‍યએ પાલીકા તંત્રને લેખીતમાં જાણ કરી છે. જો તાત્કાલીક સમસ્‍યાઓનો નિકાલ કરવામાં નહીં આવે તો પાલીકાને તાળાબંધી કરવા તથા રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...