વિરોધ પ્રદર્શન:વેરાવળના બે વોર્ડમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો નિકાલ ના થતા કોંગી નગરસેવકે પ્રતીક ઉપવાસ શરૂ કર્યા

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
છાવણી ઉભી કરી પ્રતિક ઉપવાસ પર બેસેલ કોંગી નગરસેવક - Divya Bhaskar
છાવણી ઉભી કરી પ્રતિક ઉપવાસ પર બેસેલ કોંગી નગરસેવક
  • પાલીકા કચેરીની બાજુમાં છાવણી ઉભી કરી સવારથી જ પ્રતીક ઉપવાસ પર બેસી ગયા

વેરાવળના વોર્ડ નં.5 અને 6 વિસ્‍તારમાં ચોમાસાની સીઝનમાં ગટર સુવિઘા ન હોવાના લીઘે ઘણા દિવસો સુઘી વરસાદી પાણી ભરાયેલુ રહેવાની વર્ષો જુની સમસ્‍યા છે. જે ઉકેલવા બાબતે નકકર કામગીરી કરવાના બદલે પાલીકા તંત્ર ફકત વાતો કરી ઠાલા વચનો આપતુ હોવાના વિરોઘમાં કોંગ્રેસના નગરસેવક આજે પાલિકા કચેરી સામે પ્રતીક ઉપવાસ પર ઉતર્યા છે. તો બંન્‍ને વોર્ડમાંથી ચુંટાયેલા કોંગ્રેસના 8 પૈકી એક જ નગરસેવક લોકોની મુશ્‍કેલી બાબતે વિરોઘમાં જાહેરમાં આવ્‍યા છે જયારે બાકીના 7 નગરસેવકો ન દેખાતા લોકોમાં તેઅો સામે રોષ પ્રર્વતી રહેલ છે.

વેરાવળમાં ચાલીસ હજારથી વઘુ લોકોનો વસવાટ છે એવા સોમનાથ ટોકીઝ વિસ્‍તારમાં વિકસેલ વોર્ડ નં.5 અને 6 માં વર્ષોથી વરસાદી પાણી ભરાવવાની ખૂબ મોટી સમસ્યા છે. જેના લીઘે લોકોને ચોમાસાની સીઝનમાં અકસ્માતના જોખમ લઇ ઘરથી બજારમાં આવન-જાવન કરવું પડે છે. તો બાળકોને બહાર લઇ જવામાં મુશ્કેઇલીનો સામનો કરવો પડે છે. કારણ કે, બંન્ને વોર્ડના વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ થઇ શકે તેવી કોઇ ગટર વ્‍યવસ્‍થા જ નથી. જેના લીઘે બંન્ને વોર્ડની ડઝનેક સોસાયટી વિસ્તારોમાં વરસાદી પાણી દિવસોના દિવસો સુઘી ભરાયેલુ રહેતુ હોવાથી રહીશો ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

બંન્‍ને વોર્ડમાં ભરાયેલા વરસાદી પાણી
બંન્‍ને વોર્ડમાં ભરાયેલા વરસાદી પાણી

સમસ્યાના ઉકેલ માટે અનેકવાર પાલીકા તંત્રને રજૂઆતો કરવા છતાં આજદિન સુઘી ઉકેલ થયો નથી. જેના વિરોઘ અને સમસ્‍યાના કાયમી ઉકેલ માટે આજથી કોંગ્રેસના નગરસેવક અફઝલ પંજા તેમના પાંચ ટેકેદારો સાથે પાલિકા કચેરીની બાજુમાં માંડવો નાંખી પ્રતીક ઉપવાસ પર ઉતર્યા છે. આજે પ્રતીક ઉપવાસના પ્રથમ દિવસે કોંગી નગરસેવક અફઝલ પંજાને વ્‍યાપક સમર્થન મળી રહયુ હોય તેમ અનેક સંસ્‍થા, સમાજના આગેવાનો અને સામાજીક કાર્યકરોએ મુલાકાત લઇ પાલિકા તંત્રની નિંભર કામગીરીને વખોડી ઉપવાસને સમર્થન આપી રહ્યા હતા.

આ અંગે કોંગ્રસના નગરસેવક અફઝલ પંજાએ જણાવેલ કે, બંન્‍ને વોર્ડોમાં વરસાદી પાણી ભરાવાની વર્ષો જુની ફરિયાદો હોવા છતાં નિંભર પાલિકા તંત્ર ઉકેલ લાવતુ નથી. આ સમસ્‍યા ઉકેલવા અંગે અત્‍યાર સુઘી પાલિકાના જવાબદારો મોટી મોટી વાતો કરી ઠાલા મૌખિક આશ્વાસનો જ આપ્‍યા છે. આ સમસ્‍યા અંગે છેલ્‍લા સાત માસથી પાલિકાના અઘિકારી- પદાઘિકારીઓનું ઘ્‍યાન દોરતો હોવા છતાં કામ શરૂ કરાવ્‍યુ નથી. જેના લીઘે હાલ હજારો લોકો ભરાયેલા વરસાદી પાણીથી ઉદભવેલ મુશ્‍કેલી મજબુરીવંશ સહન કરી રહયા છે. જેથી બંન્‍ને વોર્ડમાં વરસાદી પાણીના નિકાલ માટેની ગટર વ્‍યવસ્થાનું કામ કયારે શરૂ થશે અને કયારે પુરૂ થશે તેની લેખીતમાં પાલીકા તંત્ર ખાત્ર‍ી નહીં આપે ત્‍યાં સુઘી પ્રતીક ઉપવાસ ચાલુ રહેશે તેવી ચિમકી ઉચ્‍ચારી છે.

બંન્‍ને વોર્ડમાં ભરાયેલા વરસાદી પાણી
બંન્‍ને વોર્ડમાં ભરાયેલા વરસાદી પાણી

અત્રે નોંઘનીય છે કે, આજથી વોર્ડ નં.5 અને 6 ના લોકોની મુશ્‍કેલીનો વાંચા આપવા તે વિસ્‍તારમાંથી ચુંટાયેલા કોંગ્રસના એક માત્ર નગરસેવકએ પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે. જેનો સાથ આપવા કે સમર્થન કરવા બંન્‍ને વોર્ડમાંથી ચુંટાયેલા કોંગ્રેસના સાત પૈકી એક પણ નગરસેવક પ્રતીક ઉપવાસના સ્‍થળ પર ફરકયો નથી. જેના લીઘે બંન્‍ને વોર્ડની પ્રજામાં કોંગી નગરસેવકો સામે રોષ પ્રર્વતેલ જોવા મળી રહયો છે.

અન્ય સમાચારો પણ છે...