કોંગ્રેસની મુખ્યમંત્રીને રજૂઆત:જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખના પતિ સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યોનું અપમાન કરતા હોવાની ફરીયાદ

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય સભામાં કોઈ અનઅધિકૃત આગેવાન ન આવે તેની તકેદારી રાખવાની માંગ
  • ગ્રાન્ટ ફાળવણી મુદ્દે ભેદભાવ કરવામાં આવશે તો હાઇકોર્ટેમાં પીઆઇએલ કરવાની ચીમકી

જૂનાગઢ જિલ્લા પંચાયત અને જિલ્લાની તાલુકા પંચાયતમાં કોંગ્રેસના સભ્યોને ગ્રાન્ટ ફાળવણીમાં અન્યાય કરવામાં આવતો હોવાની જિલ્લા કોંગ્રેસે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. જિલ્લા પંચાયત પ્રમુખના પતિ પોતે પ્રમુખ હોય તેવો સામાન્ય સભામાં રૂઆબ દાખવી કોંગ્રેસના સભ્યોનું અપમાન કરતા હોવાની ફરીયાદરૂપી રજૂઆત કરી છે. આથી સામાન્ય સભામાં કોઈ અનઅધિકૃત આગેવાન ન આવે તેની તકેદારી રાખવામાં આવે એવી પણ કોંગ્રેસે માંગણી કરી છે.

જૂનાગઢ જિલ્લા પંચાયતની ગત તા.27 ડિસેમ્બરના રોજ સામાન્ય સભા મળી હતી. જેમાં સામાન્ય સભામાં ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓ હાજર રહી શકે તેના બદલે જિલ્લા પંચાયતના પ્રમુખના પતિ પોતે જ પ્રમુખ હોય તેમ બોર્ડમાં રજૂઆત કરતા જોવા મળ્યા હતા. તેમને કોઈ સત્તા ન હોવા છતાં "કોંગ્રેસના સભ્યોને એક રૂપિયો ગ્રાન્ટ આપવામાં નહિ આવે તેમની કોઈ વાત સાંભળવામાં નહિ આવે" એમ કહી કોંગ્રેસના સભ્યોનું અપમાન કર્યું હતું.

આ મામલે જિલ્લા કોંગ્રેસ સમિતિના વી.ટી. સીડાએ મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જૂનાગઢ જિલ્લા પંચાયત અને જિલ્લાની તાલુકા પંચાયતમાં કોંગ્રેસના સભ્યોને ગ્રાન્ટ ફાળવણીમાં અન્યાય કરવામાં આવતો હોવાની ફરિયાદ કરી છે. તેમજ હવે પછી સામાન્ય સભા મળે ત્યારે કોઈ અનધિકૃત આગેવાન સભામાં હાજર ન રહે તે અંગે તકેદારી રાખવા માંગ કરી હતી. ઉપરાંત આ તકેદારી રાખવાની જવાબદારી ડીડીઓની છે પરંતુ તેઓ પણ મૌન રહે છે એમ પણ તેમણે જણાવ્યું હતું. આ ગ્રાન્ટ ફાળવણી મુદ્દે ભેદભાવ કરવામાં આવશે તો જિલ્લા તેમજ તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યોએ હાઇકોર્ટેમાં પીઆઇએલ કરવાની અંતમાં ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...