જૂનાગઢમાં 18 અને 24 એપ્રિલના રોજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાનાર હોય તેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે,18 એપ્રિલના ગુજકેટ 2022ની પરીક્ષા યોજાશે. આ પરીક્ષા શહેરના 12 બિલ્ડીંગોના 154 બ્લોકમાં લેવાશે જેમાં 3,046 ઉમેદવારો પરીક્ષા આપશે. દરેક ઉમેદવારોએ પરીક્ષા સમયના 30 મિનીટ પહેલા પરીક્ષા સ્થળે આવી જવાનું રહેશે.
પરીક્ષા માટે વર્ગ 1ના અધિકારીની ઓબઝર્વર તરીકે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નિમણુંક કરાઇ છે.પરીક્ષા દરમિયાન સતત વિજપુરવઠો જળવાઇ રહે તે માટે પીજીવીસીએલને તેમજ ગામડેથી આવતા છાત્રો માટે યાતાયાતની પુરતી સુવિધા પૂરી પાડવા એસટી વિભાગને જાણ કરાઇ છે. દરમિયાન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બિન સચિવાલય કારકુન અને સચિવાલયના ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3ની પ્રાથમિક કસોટી 24 એપ્રિલના સવારે 11થી બપોરના 1 વાગ્યા સુધીમાં યોજાશે. જૂનાગઢ જિલ્લામાં 118 કેન્દ્રો પર 1226 બ્લોકમાં કુલ 36,754 ઉમેદવારો પરીક્ષા આપશે.
જૂનાગઢ જિલ્લાના 9 તાલુકામાં લેવાનાર પરીક્ષાના આયોજન માટે 1 ઝોન, 24 રૂટ, બનાવવામાં આવેલ છે. આ માટે સ્ટ્રોંગરૂમ કન્ટ્રોલર,આસિસ્ટન્ટ કો ઓર્ડિનેટર, 24 રૂટ સુપરવાઇઝર,118 મંડળના વર્ગ 1અને 2ના પ્રતિનીધી, 118 તકેદારી અધિકારી, 118 સ્થળ સંચાલક અને અન્ય સ્ટાફની નિમણુંક કરવામાં આવશે. આ માટે તા. 20 એપ્રિલ- બુધવારના, કલેકટર કચેરીના સભાખંડમાં સવારના 10:30 કલાકે આયોગના પ્રતિનિધીઓની, 12 વાગ્યે તકેદારી અધિકારીઓની અને 1:30 વાગ્યે સ્થળ સંચાલકોની મિટીંગ યોજાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.