વડાલ પાસે થયેલ અકસ્માતમાં મોતને ભેટેલા યુવાનના કેસમાં જૂનાગઢ કોર્ટે માત્ર 17 મહિનામાં જ ચૂકાદો આપી મૃતકના વારસદારોને 13,79,522નું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. આ અંગે મળતી વિગત મુજબ વડાલ ગામના સુનીલભાઇ જગજીવનભાઇ વઘેરા બસ સ્ટેન્ડ પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા.
ત્યારે જૂનાગઢ તરફથી આવતા કારના ચાલકે હડફેટે લેતા સુનીલભાઇનું મોત થયું હતું. બાદમાં મરનાર યુવાનના વારસદારોએ વકિલ કે.એલ. સાંચેલા દ્વારા વળતર અંગે જૂનાગઢ કોર્ટમાં દાવો કર્યો હતો. કેસ દરમિયાન વિમા કંપનીના વકિલે દલીલ કરી હતી કે, ગુજરનારના લગ્ન થયા ન હતા.
આમ, તે કુંવારા હતા અને સામાન્ય મજૂરીનું કામકાજ કરતા હતા.આવા અનેક પ્રકારના વાંધા રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, મરનારના વકિલ કે.એલ. સાંચેલાની ધારદાર દલીલો અને અન્ય કોર્ટના ચૂકાદાને ધ્યાને લઇ જૂનાગઢ કોર્ટે વિમા કંપનીના વકિલની દલીલોને ફગાવી દીધી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, મૃતક મજૂર હોય, કુંવારા હોય તો પણ વળતર ચૂકવવું પડે. આમ, કોર્ટે મૃતકના વારસદારોને 13,79,522 વ્યાજ સાથે વળતર રૂપે ચૂકવવા વિમા કંપનીને આદેશ કર્યો છે. આ કેસમાં મૃતકના વારસદારોને માત્ર 1 વર્ષ અને 5 મહિનામાં જ વકિલ કે.એલ. સાંચેલાએ વળતરની રકમ મંજૂર કરાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.