આયોજન:રવિવારે યાર્ડમાં આવતા ગૃહમંત્રી અમિત શાહ પ્રાકૃત્તિક ખેડૂતો સાથે ભોજન લેશે

જૂનાગઢ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી પીએમનું સ્વપ્ન સાકાર કરશે

જૂનાગઢમાં રવિવારે આવતા કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ પ્રાકૃત્તિક ખેતી કરતા ખેડૂતો સાથે ભોજન લેશે. આ અંગે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ચેરમેન કિરીટભાઇ પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન છે કે, દેશભરના ખેડૂતો પ્રાકૃત્તિક ખેતી તરફ વળે, તેમાં ગુજરાત અને જૂનાગઢ જિલ્લા પર વિશેષ ફોકસ છે. ત્યારે તેમનું સ્વપ્ન સાકાર કરવા ખેડૂત મિત્રોને પ્રોત્સાહિત કરવા કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ રવિવારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવશે. તેઓ યાર્ડના કિસાન ભવનનું લોકાર્પણ કરશે, પ્રાકૃતિક કૃષિ બજારનું ભૂમિપૂજન કરશે તેમજ પ્રાકૃતિક કૃષિ શિબીરને ખુલ્લી મુકી ઉપસ્થિત ખેડૂતોને સંબોધિત કરશે.

સાથે જિલ્લા સહકારી બેન્કના બિલ્ડીંગનું ભૂમિપૂજન પણ કરશે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન સાકાર કરશે તેવો મજબૂત આશાવાદ અમિતભાઇ શાહને છે. જેને પૂર્ણ કરવા જિલ્લાના ખેડૂતો પણ કમરકસી રહ્યા છે. ત્યારે તેઓ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે ભોજન પણ લેશે. સમગ્ર ગુજરાતનું સૌપ્રથમ એવું પ્રાકૃતિક કૃષિ બજાર વહેલામાં વહેલી તકે સાકાર થાય અને તેનો લાભ જિલ્લાના લોકોને મળતો થાય તે માટે યાર્ડના ચેરમેન કિરીટભાઇ પટેલ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...