વિરોધ:પેપર લીક મુદ્દે કલેકટર કચેરીએ હલ્લાબોલ, રસ્તો ચક્કાજામ કરનાર કોંગ્રેસ, NSUI પ્રમુખ સહિત 13ની અટકાયત કરાઇ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 કલાક બાદ છૂટકારો : પરીક્ષા રદ કરી નવી તારીખની કરાઇ માંગ

પેપર લીકેજ થવાની વારંવાર બનતી ઘટના છત્તાં કોઇ સામે પગલાં લેવામાં આવતા ન હોય આ મુદ્દે શહેર કોંગ્રેસ સમિતી અને એનએસયુઆઇ દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે રસ્તા રોકી હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. આ તકે સી ડિવીઝન પીએસઆઇ જે. જે. ગઢવી અને સ્ટાફે આવી શહેર કોંગ્રેસ સમિતીના પ્રમુખ અમિત પટેલ, એનએસયુઆઇ પ્રમુખ યુગ પુરોહિત સહિત 13ની સાંજના 4:30 વાગ્યે અટકાયત કરી હતી. બાદમાં એક કલાક બાદ તમામનો છૂટકારો કરાયો હતો. આ તકે અમિત પટેલે જણાવ્યું હતું કે, હેડક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયાનું સરકારે સ્વિકાર્યું છે.

અગાઉ પણ 2014માં જીપીએસસી ચિફ ઓફિસરની પરીક્ષાનું પેપર, 2015માં તલાટી મંત્રીની પરીક્ષાનું પેપર,2016માં જિલ્લા પંચાયત દ્વારા લેવાયેલ તલાટીની પરીક્ષાનું પેપર, 2018માં ટાટ, એલઆરડી,મુખ્ય સેવિકા, નાયબ ચિટનીસની પરીક્ષાનું પેપર,2019માં બિન સચિવાલય કારકુનની પરીક્ષાનું પેપર અને 2021માં હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું છે.

આમ, પેપર લીક થવાની ઘટના બનવા છત્તાં સરકાર દ્વારા પગલાં લેવામાં આવ્યા નથી પરિણામે હલ્લાબોલ કરી રસ્તા રોકો કાર્યક્રમ કરવાની ફરજ પડી છે. ત્યારે સરકાર પરીક્ષા રદ કરી જવાબદારો સામે પગલાં લે તેવી માંગ છે. આ તકે મનોજભાઇ જોષી, મનુભાઇ ધાધલ, કિશોરભાઇ હદવાણી, મનસુખભાઇ ડોબરીયા સહિતના અનેક અગ્રણીઓની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...