જૂનાગઢ જિલ્લામાં આગામી ચોમાસાની સિઝનના આગોતરા આયોજન માટે તંત્રના સંબંધિત અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં પ્રાંત અધિકારીઓને સાયકલોન સેન્ટર અને આશ્રય સ્થાનોની મુલાકાત લેવા સૂચના આપવામાં આવેલ તેમજ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કુદરતી વહેણ અને વોકળાઓની સફાઈ કરવા અંગે તથા તરવૈયાઓ, જેસીબી, બુલડોઝર સહિતના સાધનોની વર્તમાન યાદી રાખવા, ભુતકાળના અનુભવોને ધ્યાને લઇ તૈયારી કરવા, રેઇન ગેજ મશીનની ચકાસણી, નીચાણવાળા વિસ્તારોની વિશેષ કાળજી લેવા જિલ્લા કલેક્ટરએ અધિકારીઓને સુચના આપી તાકીદ કરી હતી.
આગામી જૂન માસથી ચોમાસાની સીઝન શરૂ થનાર હોય જેને લઈ ચોમાસાના વરસાદ, સંભવિત વાવાઝોડા સહિતની આપતિઓના આગોતરા આયોજન માટે કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર રચિત રાજના અધ્યક્ષ સ્થાને જુદા જુદા વિભાગના અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં કલેક્ટર રાજએ જિલ્લાના તમામ પુલ પર રેલીંગની આવશ્યકતા જણાવી, દરિયાકાંઠાના તેમજ વધુ અસરગ્રસ્ત બનતા દરિયાકાંઠાના વિસ્તારોમાં અગાઉના અનુભવોને ધ્યાને લઈ આગોતરું આયોજન કરવા તાકીદ કરી હતી. જૂનાગઢ કોર્પોરેશન તથા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા દરમ્યાન કોઇ મુશ્કેલી ના પડે તથા પાણીના કુદરતી વહેણ- વોકળાઓની આગોતરી સફાઇ કરાવી લેવા સહિતની બાબતોની કાળજી લઈ કામગીરી કરવા સુચના આપી હતી.
વધુમાં ભારે વરસાદમાં સિંચાઇના ડેમમાંથી પાણી છોડવાના સંજોગોમાં ગ્રામ્ય વિસ્તારના આગેવાનો મારફત ગ્રામજનો ને સાવચેત કરવા અસરકારક વ્યવસ્થાતંત્ર તૈયાર કરવા, ગ્રામ્ય વિસ્તારમાં તલાટીઓ કર્મચારીઓની હેડક્વાર્ટરમાં હાજરી, માછીમારોને ચેતવણી આપવી, પોર્ટ પર લેવાની તકેદારી, રાઉન્ડ ધ ક્લોક તાલુકા સ્તરે અધિકારીઓને હાજર રહેવા, સંબંધિત વિભાગના કંટ્રોલરૂમ કાર્યરત કરવા, અવિરત વીજ પુરવઠો રાખવા સહિતની બાબતો અંગે કલેક્ટર રાજએ જરૂરી માર્ગદર્શન સાથે સુચનાઓ આપી હતી. આ બેઠકમાં મ્યુન. કમિશનર આર.એમ. તન્ના, ડીડીઓ મીરાંત પરીખ, પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટી, અધિક કલેક્ટર બાંભણીયા સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.