તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય રદ:જૂનાગઢ જિલ્લામાં 28 રેલ્વે ફાટકોને બંધ કરવાની હિલચાલ સામે આંદોલન થવાની આશંકા, કલેક્ટરે એનઓસી રદ કરી

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૈકલ્પિક વ્યવસ્થા વગર ગ્રામીણ વિસ્તારોના મહત્વના રેલ્વે ફાટકો બંધ કરવા તંત્રએ મંજૂરી આપતા વિવાદ ઉભો થયો હતો
  • ફાટકો બંધ થવાથી ગ્રામીણ વિસ્તારોમાં રહેલા લોકોને ભારે મુશ્કેલી પડશે જે અંગે સાંસદ રાજેશ ચુડાસમાએ કલેકટરને રજુઆત કરતા એનઓસી રદ કરાઈ

જૂનાગઢ જિલ્લામાં આવેલા 28 રેલ્વે ફાટકો અચાનક જ બંધ કરવાની હિલચાલ સામે ગ્રામીણોમાં રોષ પ્રવત્યો હતો. આ મુદ્દે જન આંદોલન શરૂ કરવાની તજવીજ ચાલી રહેલ દરમ્યાન કલેકટરએ પોતે અગાઉ ફાટક બંધ કરવા બાબતે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કર્યા વગર આપેલ એનઓસી રદ કરી નાંખતા ગ્રામીણ વિસ્તારોમાં હાશકારાની લાગણી પ્રસરી હતી. આમ, જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં અવર જવર માટે જરૂરી ગણાતા રેલ્વે ફાટકો બંધ કરવા મુદ્દે જન આંદોલન થાય તે પહેલા જ સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા ગ્રામજનોની લાગણી કલેકટર સમક્ષ રજુઆતના સ્વરૂપે કરતા એનઓસી રદ કરવાનો થયેલ નિર્ણયને સર્વત્ર આવકાર મળી રહ્યો છે.

જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, બીલખા, વિસાવદર, માળીયાહાટીના, મેંદરડા તાલુકા વિસ્તારમાં આવેલ અનેક ફાટકો બંધ કરવા રેલવે વિભાગ દ્વારા જૂનાગઢ જિલ્લા કલેક્ટર પાસે એનઓસી (નો- ઓબ્જેક્શન સર્ટી) સાથેની મંજૂરી માંગવામાં આવી હતી. તાજેતરમાં કલેક્ટર દ્વારા 28 ફાટક બંધ કરવા માટે એનઓસી આપવામાં આવી હતી. આ અંગે વિવાદ ઉભો થયો હતો કે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર ફાટકો બંધ કરવાથી લોકોને ભારે હેરાનગતિ થશે.જેથી વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ આંદોલનના મંડાણ કર્યા હતા. જ્યારે જૂનાગઢના સાસંદ રાજેશ ચુડાસમાએ ગ્રામજનોની લાગણીને સમર્થન કરતી રજુઆત કલેક્ટરેને કરી હતી.

જિલ્લાના બીલખા, વિસાવદર, સતાધાર, કાસીયા નેસ તેમજ ભાડેર સાથે સંકળાયેલ 28 જેટલી જગ્યાએ ફાટકો બંધ થવાના નિર્ણયને લઈને ફાટકની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને એક ગામથી બીજે ગામ આવવા જવા પર તથા ખેડૂતોને પોતાના ખેતરે જવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે. જેથી આ ફાટકો બંધ કરવા પૂર્વે વૈકલ્પિક વ્યવસ્થા કરવા અને હાલ અપાયેલ એનઓસી રદ કરવા રજુઆત કરી હતી. તો બીજી તરફ વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાએ આ બાબતે અસરગ્રસ્ત ગામડાઓની મુલાકાત લઇ લોકોની સાથે લઈ આંદોલનનું એલાન કર્યું હતું. આજે શનિવારથી આંદોલનના મંડાણ થવાનાં હતા. લોકોની માગણી હતી કે તંત્રએ એનઓસી આપતાં પહેલા ઓવરબ્રીજ કે અંડરબ્રીજ અથવા સાઈડમાં રસ્તાઓ મુકવા જોઈએ. તેના બદલે આવી કોઈ વ્યવસ્થા કર્યા વગર અચાનક ફાટક બંધ થતા ભારે હેરાનગતિ સર્જાય તેમ હતી.

દરમ્યાન સાસંદ રાજેશ ચુડાસમા સહીતનાઓની રજુઆતને ધ્યાને લઇ અને ધારાસભ્યનું આંદોલન શરૂ થાય તે પહેલાં જ તંત્રએ ફાટક બંધ અંગેની એનઓસી રદ કરી દીધી હતી. હવે ફાટક બંધ કરવાની એનઓસી રદ થતા ગ્રામીણ વિસ્તારના લોકોમાં રાહતની લાગણી પ્રસરી છે.

અન્ય સમાચારો પણ છે...