એક્સક્લૂઝિવ:ઉનામાં વાવાઝોડામાં ઘર પડી ગયું, વિધવાએ બે પુત્ર સાથે ખૂણો પકડી રાત વિતાવી, અનાજ પલળી જતાં 18 કલાક અન્નનો દાણો મોઢામાં નાખ્યો નહિ

ઉનાએક વર્ષ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • વિધવા પાણીપૂરીની રેકડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે

તાઉ-તે વાવાઝોડું ગુજરાત પર આફત બનીને આવ્યું અને ઠેર ઠેર વિનાશ વેરતું ગયું છે. રાજ્યમાં સૌથી વધારે અસર ઉનામાં જોવા મળી રહી છે. ઉનામાં ઠેરે ઠેર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયાં છે તેમજ કાચાં મકાનો બાંધી રહેતા લોકોનાં ઘર પણ પડી ભાંગતાં ઉપર આકાશ અને નીચે ધરતી જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ઉનાના વિદ્યુતનગરમાં હુડકો સોસાયટીમાં રહેતાં વિધવાએ પોતાની આપવીતી દિવ્ય ભાસ્કરને કહી હતી. તેમણે જણાવ્યું હતું કે રાતે 170ની સ્પીડે પવન ફૂંકાતાં ઘર પડીભાંગ્યું હતું. આથી બે પુત્રો અને પોતાનો જીવ બચાવવા આખી રાત ખૂણામાં બેસી પસાર કરી હતી. અનાજ પલળી ગયું હોવાથી 18 કલાકથી અન્નનો દાણો પણ મોઢામાં નાખ્યો નથી.

જીવ બચાવવા હાંફળાફાંફળા બન્યા હતા
ઉનાના વિદ્યુતનગર વિસ્તારમાં હુડકો સોસાયટીમાં રહેતાં મનીષાબેન દીપકગિરી નામનાં વિધવાને સંતાનમાં બે પુત્ર છે. ગઈકાલે વાવાઝોડું ત્રાટક્યું ત્યારે પોતાનું ત્રણ રૂમનું મકાન ધરાશાયી થયું હતું. આથી તેઓ પોતાનો અને બંને પુત્રોનો જીવ બચાવવા માટે હાંફળાફાંફળા બન્યા હતા. ધરાશાયી થયેલાં મકાનનો એક ખૂણે ઊભાં રહી આખી રાત ત્રણેયે ભયના ઓથાર નીચે વિતાવી હતી. પવનની ગતિ એટલી હતી કે એકબીજાના ઘરે પણ જવાય એવું નહોતું.

વાવાઝોડાએ ઘરનું ઘર છીનવી લીધું.
વાવાઝોડાએ ઘરનું ઘર છીનવી લીધું.

ઘરવખરી નહીં, જીવ પહેલા બચાવ્યોઃ મનીષાબેન
મનીષાબેને દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાતે આઠ વાગ્યાના ભૂખ્યા પેટે અમે ઊભાં હતાં. વરસાદ બહુ જ વરસી રહ્યો હતો અને બહુ દોડાદોડી કરીએ તોપણ ક્યાંય જવાય તેવું નહોતું. પછી એકના એક પગે આખી રાત વિતાવી હતી. પવન એટલો હતો કે બાજુના ઘરે પણ જઇ શકાય તેમ નહોતું. નુકસાનીમાં એક રૂમ આખો પડી ગયો છે, બીજા રૂમનાં પતરાં ઊડી ગયાં છે તેમજ એક રૂમમાં સ્લેબ હતો એ પણ ધરાશાયી થઇ ગયો છે. કાલના ભૂખ્યા હતા, આજે જમ્યા છીએ. ગાદલાં, ગોદડાં અને અનાજ બધું પલળી ગયું છે. સામાન બચાવવા કરતાં જીવ પહેલા બચાવી લીધો હતો.

વિધવા બે પુત્ર સાથે બેઘર થયાં.
વિધવા બે પુત્ર સાથે બેઘર થયાં.

મનીષાબેન પતિનું અવસાન થતાં પાણીપૂરીનો ધંધો કરી ગુજરાન ચલાવે છે
મનીષાબેનના પતિ દીપકગિરીનું થોડાં વર્ષો પહેલાં અવસાન થયું હતું. પતિના અવસાન પછી મનીષાબેન પર બે બાળકોને મોટા કરવાની જવાબદારી આવી ગઇ હતી. આથી તેઓ કોઇ પાસે હાથ લાંબો કરવાને બદલે પાણીપૂરીની રેકડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. મકાન પડી જતાં પાણીપૂરીની રેકડી પણ ભાંગીને ભુક્કો થઇ ગઇ છે, આથી આજીવિકાનું સાધન પણ ગુમાવતાં મનીષાબેનની ઉપર આકાશ અને નીચે ધરતી જેવી સ્થિતિ થઇ છે.

ઘરવખરીને બદલે જીવ બચાવ્યો.
ઘરવખરીને બદલે જીવ બચાવ્યો.
અન્ય સમાચારો પણ છે...