તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘરાજાની રી-એન્ટ્રી:ગીર સોમનાથ જિલ્‍લાના તમામ તાલુકામાં સાર્વત્રીક વરસાદથી ઠંડક પ્રસરી, કોડીનારમાં સૌથી વધુ સવા ઇંચ વરસાદ

વેરાવળ25 દિવસ પહેલા
  • લાંબા સમયના વિરામ બાદ સમગ્ર જિલ્‍લામાં આજે સવારથી વરસાદી માહોલ જામ્યો
  • મેઘરાજાએ ફરી દસ્‍તક દેતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ

ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ છવાયાની સાથે મોટાભાગના વિસ્‍તારોમાં મેઘરાજાએ સાર્વત્રીક વરસાદી ઝાપટા રૂપી હેત વરસાવ્યું છે. લાંબા સમયના વિરામ બાદ ફરી મેઘરાજાએ દસ્‍તક દેતા છવાયેલા વરસાદી માહોલના પગલે ખેડુતોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ છે. આજે સવાર 6 વાગ્યાથી બપોરે 4 વાગ્‍યા સુધીમાં જિલ્‍લાના તમામ તાલુકામાં સાર્વત્રીક અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. જિલ્‍લામાં સૌથી વધુ કોડીનારમાં સવા ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે બાકીના તાલુકાઓની વાત કરીએ તો વેરાવળમાં 3 મીમી, સુત્રાપાડામાં 12 મીમી, તાલાલામાં 17 મીમી, ઉનામાં 18 મીમી અને ગીરગઢડામાં 5 મીમી વરસાદ વરસ્યો છે.

દોઢેક માસ અગાઉ તાઉ-તે વાવાઝોડુ આવ્યું તે સમયે ગીર સોમનાથ જિલ્‍લાના વેરાવળ, તાલાલા, સુત્રાપાડા, કોડીનાર, ઉના અને ગીરગઢડા પંથકમાં મેઘરાજાએ મહેરબાન થયાં હતા. ત્‍યારબાદ મેઘરાજાએ વિરામ લઇ લેતા સવા મહિનાથી અસહય બફારાના ઉકળાટના વાતાવરણથી જિલ્‍લાવાસીઓ અકળાઇ ગયા હતા.

બીજી તરફ વરસાદ વરસવાની આશાએ ખેડૂતોએ વાવણી કરી દીધી હતી. એવા સમયે સવા મહિનાથી મેઘરાજાએ વિરામ લઇ લીઘો હોવાથી વાવણી નિષ્‍ફળ જવાની ચિંતામાં ખેડૂતો મંઝવણભરી સ્‍થ‍િતિમાં મુકાય ગયા હતા અન કાગડોળે વરસાદની રાહ જોઇ રહ્યાં હતા. દરમિયાન હવામાન વિભાગે તા.11 જુલાઇથી સૌરાષ્‍ટ્રના જિલ્લાઓમાં વરસાદ આવશે તેવી આગાહી કરી હતી.

આજે સવારથી જ ગીર સોમનાથ જિલ્‍લાના તમામ તાલુકામાં મેઘરાજાએ એન્‍ટ્રી કરી છે. તમામ તાલુકામાં સવારથી જ સુર્યનારાયયણની ગેરહાજરીમાં વરસાદી માહોલ છવાયાની સાથે ઝરમર સાર્વત્રીક વરસાદી ઝાપટા વરસ્યાં હતાં છે. તો જિલ્‍લાના અનેક ગ્રામ્‍ય વિસ્‍તારોમાં મુશળાધાર વરસાદ પણ વરસ્યો છે.

વેરાવળ શહેર અને પંથકના ગામોમાં વ્‍હેલી સવારથી જ સુરજ દાદાની ગેરહાજરી વચ્‍ચે ઘટાટોપ વાદળા આકાશમાં બંધાઇ સતત ધીમી ઘારે વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. તો તાલાલા ગીરના પંથકમાં મેઘરાજાએ એન્‍ટ્રી કરી અડધો ઇંચ જેટલો વરસાદ વરસાવ્યો છે. જેના પગલે પંથકના ધાવા ગીર, માધુપુર, જસાધાર, જાબુંર સહિતના ગામોમાં સારો વરસાદ વરસ્‍યો છે. સુત્રાપાડા શહેર તથા તાલુકાના લોઢવા, પ્રશ્નાવાડા સહીતના ગામોમાં પણ અડઘો ઇંચ વરસાદ વરસ્‍યો છે. પ્રાચી તીર્થમાં મુશળાધાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.

કોડીનાર શહેરમાં બપોરે મુશળાધાર સવા ઇંચ જેટલો વરસાદ વરસી જતા રસ્‍તાઓ પર પાણીની નદીઓ વહેતી થઇ હતી. જ્યારે પંથકના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ઉના શહેર-પંથકમાં પોણો ઇંચ જેટલો વરસાદ વરસી જતા તાલુકાના કેસરીયા, સોનારી, કાજરડી, તડમાં ધીમી પણ ધીંગી ધીરે વરસાદ સવારથી વરસી રહ્યો છે. તો નજીકના પ્રવાસન સ્થળ દિવ અને ગીરગઢડા તાલુકામાં મેઘરાજા પધરામણી કરી ધીમી ધારે ઝાપટા રૂપી હેત વરસાવી રહ્યા છે. જિલ્‍લામાં સાર્વત્રીક ધીમી પણ ધીંગી ધારે મેઘરાજાએ સવારથી હેત વરસાવી રહ્યા હોવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે. જેના પગલે લોકોમાં ખુશીની લહેર પ્રસરી છે.

જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્‍લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં શરૂઆતના વરસાદ બાદ ખેડૂતોએ વાવણી કરી હતી. બાદમાં મેઘરાજાએ એક માસથી વધુ વિરામ લઇ લેતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. જ્યારે આજે સવારથી ફરી મેઘરાજાએ જિલ્‍લામાં દસ્‍તક દેતાં મગફળી, સોયાબીન જેવા પાકોને નવુ જીવન મળતા ખેડૂત વર્ગમાં ખુશીનો માહોલ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...