ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા તા.1 લી સપ્ટેમ્બરથી દરીયામાં માછીમારી કરવા જવાનો પરિપત્ર જાહેર કરાયો છે, તેમ છતાં ગીર સોમનાથ જિલ્લાના સમુદ્રમાં પરવાનગી વગર ગેરકાયદેસર રીતે ફીશીગ બોટો માછીમારી કરવા ગઇ હોવાનું ઘ્યાને આવતા કોસ્ટગાર્ડ અને મરીન પોલીસે તપાસ હાથ ઘરી હતી. જેમાં કોસ્ટગાર્ડએ 3 અને મરીન પોલીસએ 2 બોટોને દરીયામાંથી ઝડપી પાડી હતી. ઝડપેલી પાંચેય બોટોના લાયસન્સ, વોઇસ બુક સહિતના ડોકયુમેન્ટ કબ્જે કરી આગળની કાર્યવાહી કરવા ફીશરીઝ વિભાગને જાણ કરવામાં આવી છે.
રાજય સરકાર દ્વારા ચાલુ વર્ષે માછીમારોને એક માસ મોડુ તા.1 લી સપ્ટેમ્બરથી દરીયો ખેડી માછીમારી કરવા જવા આદેશ કરેલો છે. જેની સામે માછીમારોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે સરકારના આદેશની અવગણના કરી ગીર સોમનાથના સમુદ્રમાં વેરાવળ બંદરની અનેક ફિશિંગ બોટો ગેરકાયદેસર રીતે દરીયામાં માછીમારી કરવા ચાલી ગઇ હોવાની માહિતી તંત્ર સુધી પહોંચી હતી.
માહિતી મળતાં કોસ્ટગાર્ડ અને મરીન પોલીસએ દરીયામાં પેટ્રોલીંગમાં જઇ તપાસ હાથ ધરી હતી. જેમાં કોસ્ટગાર્ડે 3 અને મરીન પોલીસે 2 મળી કુલ 5 ફીશીગ બોટોને ગેરકાયદેસર રીતે દરીયામાં માછીમારી કરતી ઝડપી પાડી હતી. પાંચેય બોટના લાયસન્સ અને વોઇસ બુક કબ્જે કરી ફિશરીઝ વિભાગને જાણ કરવામાં આવી છે.
કાયદાની જોગવાઇ મુજબ કડક કાર્યવાહી થશે: ફીશરીઝ અધિકારી
આ મામલે ફીશરીઝ અધિકારી તુષાર પુરોહિતે જણાવ્યું હતું કે, રાજય સરકારના આદેશ મુજબ હજુ સુઘી વિભાગ દ્રારા કોઇને માછીમારી કરવા માટે ટોકન કે કોલ આપવામાં આવ્યા નથી. તેમ છતાં અમુક બોટો દરીયો ખેડવા ગઇ હોય જેને કોસ્ટગાર્ડ અને તંત્રએ ઝડપી લઇ અમોને જાણ કરી છે. ત્યારે પકડાયેલ ફીશીગ બોટોના માલીકો સામે કાર્યવાહી કરવા કમીટી બેઢક કરી નિયમ મુજબ દંડકીય સહિતના પગલા લેવા અંગે નિર્ણય કરશે.
સરકારના નિયમ મુજબ ગેરકાયદેસર માછીમારી કરતા પકડાયેલી બોટના માલીકો સામે રૂ.10થી 50 હજાર સુઘીનો દંડ ફટકારવા ઉપરાંત બે મહિના સુઘીના ડીઝલ કાર્ડની સબસીડી મળતી નથી. બે મહિના સુઘી માછીમારી કરવા ઉપર પ્રતિબંઘ ફરમાવવાની કાયદામાં જોગવાઇ છે. જે મુજબ પાંચેય બોટો સામે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
માછીમારોમાં નારાજગી વચ્ચે કાર્યવાહીથી રોષ ભભુકયો
નોંઘનીય છે કે, દર વર્ષે 1 ઓગષ્ટથી શરૂ થતી માછીમારીની સિઝન ચાલુ વર્ષે એક મહિનો મોડુ તા.1 લી સપ્ટેમ્બરથી શરૂ કરવાનો રાજય સરકારએ આદેશ કર્યો છે. જેની સામે માછીમાર સમાજમાં પણ નારાજગી પ્રર્વતેલ છે. આ આદેશ અંગે રાજય સરકાર ફેર વિચારણા કરી તા.15 ઓગષ્ટથી માછીમારીની સિઝન શરૂ કરવાની જાહેરાત કરે તેવી માછીમાર સમાજમાંથી માંગ પણ ઉઠી છે. એવા સમયે જ કોસ્ટગાર્ડ અને મરીન પોલીસની કડક કાર્યવાહીથી માછીમારોમાં રોષની લાગણી પ્રર્વતી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે સરકાર આ બાબતે શું કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.