સહકારી આગેવાનોનું સન્માન:સહકારી ક્ષેત્ર અને સરકાર સાથે મળીને કામ કરે તો સારા પરિણામ મળે, ગુજરાત તેનું ઉદાહરણ: સી.આર. પાટીલ

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનાબેન ચિખલીયા ફાઉન્ડેશન દ્વારા સહકારી આગેવાનોનું સન્માન
  • નેનો ટેકનોલોજીના કારણે 50 કિલોની ખાતરની બોરીના બદલે 500 એમએલની બોટલથી કામ થઇ જાય છે: પુરૂષોત્તમ રૂપાલા

જૂનાગઢમાં ભાવનાબેન ચિખલીયા ફાઉન્ડેશન દ્વારા સહકારી ક્ષેત્રના મહાનુભાવોના સન્માન સાથે ઉપલબ્ધિ અભિવાદન સમારોહ યોજાયો હતો. આ તકે સહકારી ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે સ્થાન પામેલા દિલીપભાઈ સંઘાણી, ડોલરભાઈ કોટેચા અને બીપી નભાઈ પટેલનું કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા અને નવસારી ના સાંસદ તથાપ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં ભાવનાબેન ચિખલીયા ફાઉન્ડેશનના ડો. ડી.પી.ચિખલીયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

સાથે જિલ્લાના સહકારી ક્ષેત્રના વરિષ્ઠ અગ્રણીઓ જેમાં 100વર્ષથી વધુ વયના પીઢ વડીલ પૂર્વ ધારાસભ્ય રત્નાબાપા ઠુંમર, ભીખાભાઈ ગજેરા, જેઠાભાઈ પાનેરા, લક્ષ્મણભાઈ યાદવ, જસાભાઇ બારડ, રતિભાઈ સાવલિયા, દેવજીભાઈ, ગોવિંદભાઈ સહિતના આગેવાનોને પણ અભિવાદિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં ગિરનાર ડોળીવાળાઓના જીવન પર આધારિત ડો.ડી.પી .ચીખલીયા લીખિત પુસ્તકનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. સાથે સી .આર. પાટીલની પુસ્તકોથી જ્ઞાનતુલા કરવામાં આવી હતી.

આ પુસ્તકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓના વાંચન માટે ડીસ્ટ્રીક લાઇબેરીને આપવામાં આવશે. આ તકે દિલીપભાઇ સંઘાણીએ જણાવ્યું હતું કે, દેશ ગામડાનો બનેલો છેે. ત્યારે ગામડા સમૃદ્ધ બનશેતો દેશ સમૃદ્ધ બનશે અને ગામડા સહકારી પ્રવૃત્તિ થકી જ સમૃદ્ધ થશે. આ કાર્યક્રમના ઉદ્ઘાટક કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈમોદીના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો છે.

મંડળીઓ પણ કોમ્પ્યુટરાઈઝડ થઈ રહી છે. સહકારી ક્ષેત્રમાં માત્ર વડીલો જ નહીં પરંતુ યુવાનોનું પણ યોગદાન મહત્વનું છે. દૂધ સહિત અન્ય ક્ષેત્રોમાં પણ સહકારી ક્ષેત્રમાં યુવાન જોડાય. ગુજરાતમાં 21 દૂધ સંઘો છે જેના 36 લાખ સભાસદો છે જેમાંથી 26 લાખ સભાસદો એક્ટિવ એટલે કે દૂધ ભરનારા છે જેનાથી દરરોજની 145 કરોડની આવક થાય છે.

સહકારી ક્ષેત્ર દ્વારા નેનો ટેકનોલોજીથી નવું યુરિયા ખાતર બનાવ્યું છે. જેથી 50 કિલોની ખાતરની બોરીના બદલે 500 એમએલની બોટલથી કામ પતી જાય છે. પરિણામે જે ખાતરની બોરી ખંભે ઉપાડીને લઇ જવી પડતી હતી તેને બદલે ખીસ્સામાં બોટલ લઇ જવાથી કામ થઇ જાય છે. વળી, ખાતરની 50 કિલોની બોરીમાં સરકાર 3,200 રૂપિયા સબસિડી આપે છે જેથી ખેડૂતોને માત્ર 268 રૂપિયા જ ભરવા પડે છે.

જો ખેડૂતો ખાતરની 50 કિલોની યુરિયાની થેલીના બદલે 500એમએલની બોટલનો ઉપયોગ કરે તો ભારત સરકારને 3,000નો ખંભો(ટેકો) આપ્યો ગણાશે અને વિદેશી હૂંડિયામણ પણ બચી જશે. આ પ્રસંગે નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટિલે જણાવ્યું હતું કે સરકાર અને સહકારી ક્ષેત્ર સાથે મળીને કામ કરે તો તેના સારા પરિણામ મળે છે, ગુજરાત જેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

ગુજરાતની ડેરીઓનું દૂધ ન પહોંચે ત્યાં સુધી દિલ્હી અને ગોવામાં ચા બનતી નથી. ગુજરાતની સહકાર ક્ષેત્રની આ તાકાત છે.સમગ્ર કાર્યક્રમના આયોજન અને ઉદ્દેશ અંગે સૌનું શાબ્દિક સ્વાગત ડો. ડી.પી. ચીખલીયાએ કર્યું હતું.

આ કાર્યક્રમમાં પશુપાલન રાજ્યમંત્રી દેવાભાઈ માલમ,સાંસદ વિનોદભાઈ ચાવડા, મેયર ગીતાબેન પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, સંગઠનના પદાધિકારી ધવલભાઈ દવે, ચંદ્રશેખર દવે, રઘુભાઇ હુબલ, પૂર્વધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ગીરીશભાઈ કોટેચા, વનરાજસિંહ રાયજાદા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.નરેન્દ્ર ગોટીયા, દિનેશભાઈ ખટારીયા સહિતના આગેવાનોની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...