તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાકીદ:"ખોટો લઇ ન જાય અને સાચો રહી ન જાય" તે તકેદારી સાથે સહાયની રકમ ચુકવવા CM રૂપાણીએ અધિકારીઓને સૂચના આપી

વેરાવળ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગીર સોમનાથના અધિકારીઓ સાથે વીસીના માધ્યમથી મળેલ બેઠક - Divya Bhaskar
ગીર સોમનાથના અધિકારીઓ સાથે વીસીના માધ્યમથી મળેલ બેઠક
  • અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ વીસીના માધ્યમથી સમીક્ષા બેઠક યોજી

ગીર સોમનાથ જિલ્લાના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર દ્વારા ચાલી રહેલ રાહત અને બચાવની કામગીરીની આજરોજ ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વર્ચ્યુઅલ માધ્યમથી સમીક્ષા બેઠક જિલ્લાના અધિકારીઓ સાથે યોજી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ ખોટો લઇ ન જાય અને સાચો રહી ન જાય તે તકેદારી સાથે સહાયની રકમ ચુકવવા તાકીદ કરતા કહેલ કે, અસરગ્રસ્તોને મળવાપાત્ર લાભ વહેલીતકે મળે તે અંગે સૂચના આપી હતી. તાઉ-તે વાવાઝોડાના લીધે ગીર સોમનાથ જિલ્લાના ઉના, ગીરગઢડા તાલુકામાં તમામ પ્રકારની જ્યારે તાલાલા તાલુકામાં બાગાયતી ખેતીના પાકો વધારે નુકસાની થઈ છે. ત્યારે લોકોની મુશ્કેલી દૂર કરી બધું પૂર્વવ્રત કરવા સંવેદનશીલ રાજ્ય સરકારે તમામ અસરગ્રસ્તોને નુકસાની સામે સહાય ચૂકવવાની જાહેરાત કરી છે. આ માટે જિલ્લામાં સર્વેની કામગીરી ચાલુ હોય જે પૂર્ણતાના આરે પહોંચી છે.

મુખ્યમંત્રી રૂપાણીએ ઉના પંથકની થોડા દિવસ પહેલા રૂબરૂ મુલાકાત કરી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. ત્યારથી લઈને આજદીન સુધીમાં સ્થાનીક તંત્રના જુદા જુદા વિભાગએ શું શું કામગીરી કરી અને રાહત અને સહાય ચુકવવાની કામગીરી ક્યાં પહોંચી છે તેનું અવલોકન કરવા આજે ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લા કલેકટર સહિતના વહીવટ તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આ વર્ચ્યુઅલ બેઠકમાં જિલ્લા કલેકટર અજય પ્રકાશે માહિતી રજૂ કરતા જણાવેલ કે, જિલ્લામાં 14 માનવ મૃત્યુના કિસ્સામાં વારસદારોને 56 લાખ, માનવ ઇજાના 39 લોકોને રૂ.10 લાખ, કેશડોલના 1,01,284 લાભાર્થીઓને રૂ.5,78,29,760 ની રકમ સહાય રૂપે ચૂકવવામાં આવી છે. ઉના શહેરમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે. જ્યારે ઉના અને ગીરગઢડા તાલુકાના 91 ગામોમાં હજુ અંધારપટ હોય જે ગામોમાં 5 જૂન સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત થઈ જશે. જિલ્લામાં ઘરવખરી સહાય ચૂકવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.

મુખ્યમંત્રી રૂપાણીએ અસરગ્રસ્તોને સહાયની ચુકવણીમાં કોઇ ખોટી વ્યક્તિ સહાય લઇ ન જાય અને સાચી વ્યક્તિ વંચિત ન રહી જાય તેવી તકેદારી અને વેરીફિકેશન સાથે કોઇ પણ દબાણને વશ થયા વિના આ કામગીરી કરવા જિલ્લા કલેકટરને સ્પષ્ટ તાકીદ કરી હતી. તેમણે ઘરવખરી સહાયની રકમ અસરગ્રસ્તોના બેંક ખાતામાં સીધી જ ડી.બી.ટી.થી જમા થાય તે સુનિશ્ચિત કરવા પણ અધિકારીને સૂચના આપી હતી. જ્યારે વિજ પુરવઠા બાબતે કહેલ કે, જિલ્લામાં બાકી રહેતા ગામો અને વિસ્તારોમાં ત્વરીત વીજપુરવઠો રિસ્ટોર થાય તે અંગેનું સંકલન વીજ કંપની સાથે કરવા જિલ્લા કલેકટરને સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...