જૂનાગઢમાં છેલ્લા 3 વર્ષથી સીટી બસ સેવા બંધ છે. એક સમયે શહેરની ચારેય દિશામાં દોડતી અને માત્ર 5 રૂપિયામાં સસ્તી મુસાફરી કરાવતી સીટી બસ સેવા 3 વર્ષથી બંધ હોવા છત્તાં તેને ચાલુ કરવામાં કેમ કોઇને રસ નથી?!! આ પ્રશ્ન તમામ શહેરીજનોને મુંઝવી રહ્યો છે. કોરોનાના કારણે 2020માં બંધ થયા બાદ સીટી બસ સેવા ચાલુ ન થતા મધ્યમ વર્ગિય પરિવારોની સસ્તી મુુસાફરીની સુવિધા છીનવાઇ ગઇ છે.
ત્યારે હવે સીટી બસ સેવા ચાલુ કરવા કોઇ આગળ આવશે કે નહિ? તેવો પ્રશ્ન પણ લોકોમાં ઉઠી રહ્યો છે. દરમિયાન આ અંગે સીટી બસ સેવાનું એક સમયે સંચાલન કરનાર શૈલેન્દ્રસિંહ સકસેનાએ જણાવ્યું હતું કે, શહેરમાં અમારી 10 સીટી બસ દોડતી હતી. આ બસ માત્ર 5 રૂપિયાનું ભાડું વસુલતી હતી. પરિણામે ખાસ કરીને મધ્યમ વર્ગિય પરિવારો માટે આ સેવા આશિર્વાદરૂપ હતી. અમારે સીટી બસના સંચાલન બદલ કોર્પોરેશનને મહિને 40,000 દેવાના થતા હતા.
દરમિયાન 2020માં કોરોના કારણે 3 મહિના બસ સેવા બંધ કરાઇ હતી. ત્યારે સ્ટાફના પગાર, મેન્ટેનન્સનો ખર્ચતો ભોગવ્યો હતો પરંતુ મહાનગરપાલિકાને ભાડું ચૂકવી શકાય તેમ ન હતું. આ માટે અમે મહાનગરપાલિકાના કમિશ્નર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર વગેરેને રજૂઆત કરી હતી કે, કોરોનાના કારણે છેલ્લા 3 માસથી સીટી બસ ચાલી નથી તો માસિક 40,000 લેખે 3 માસનું 1,20,000નું ભાડું માફ કરો. જોકે, મહાનગરપાલિકા સહમત ન થઇ અને ભાડું માફ ન કરતા અમે સીટી બસ સેવા બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.
અમારે 1 વર્ષનો કોન્ટ્રાક્ટ હજુ બાકી હતો. પરંતુ મનપાની બોડીએ સપોર્ટ ન આપતા અમારે આર્થિક સ્થિતીને કારણે સીટી બસ સેવા બંધ કરવી પડી છે. આમાં મહાનગરપાલિકાના કંઇક બેસીને રસ્તો કાઢી શકી હોત પરંતું જેતે સમયના અધિકારી અને પદાધિકારીના અહમના કારણે જૂનાગઢની જનતાની સસ્તી મુસાફરી કરાવતી સીટી બસ સેવાની સુવિધા છિનવાઇ છે.
અહિં બસ દોડતી હતી આઝાદ ચોકથી ટીંબાવાડી અને છેક વાડલા ફાટક સુધી, મજેવડી, દોલતપરા, સુખપુર, જોષીપરા, ખલીલપુર, ભવનાથ, પ્લાસવા સહિતના વિસ્તારોમાં સીટી બસ દોડતી હતી.
5ના બદલે 20 રૂ. ચૂકવવા પડે છે સીટી બસ સેવા માત્ર 5 રૂપિયા ભાડું લેતી હતી. રિક્ષામાં મુસાફરી કરવી પડે છે. રિક્ષાનું ભાડું રૂ. 20 છે. સીટી બસ સેવા બંધ થતા લોકોને 5ના બદલે 20 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે.
40નો સ્ટાફ બેરોજગાર બન્યો 10 સિટી બસ હતી જેમાં ડ્રાઇવર કન્ડકટર મળી 20 તેમજ અન્ય ટેક્નિકલ અને ઓફિસ સ્ટાફ મળી કુલ 40નો સ્ટાફ હતો. હાલ સીટી બસ સેવા બંધ થતા 10 બસ તો ભંગાર થઇ રહી છે, 40 લોકો પણ બેરોજગાર બન્યા છે. - શૈલેન્દ્રસિંહ સકસેના, સીટી બસ સંચાલક.
25 સીએનજી બસનું શું થયું? મહાનગરપાલિકામાં ભાજપની જીત બાદ જૂનાગઢ આવેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું હતું કે, મોસાળમાં ભોજન અને માં પિરસનાર છે. જૂનાગઢના વિકાસ માટે જેટલી જોઇએ તેટલી ગ્રાન્ટ માંગજો, રાજ્ય સરકાર આપશે. આવી સીએમની બાહેંધરી પછી પણ લોકોને વધારાની સુવિધા મળવી તો એકબાજુ રહી સીટી બસ સેવા ચાલુ હતી તે સુવિધા પણ છીનવાઇ ગઇ છે! આ ઉપરાંત 25 સીએનજી બસ મંગાવવાની વાત હતી તેનું શું થયું? તે બસ મંગાવી સીટી બસ સેવા ચાલુ કરવાની વાતો માત્ર વાતો જ રહી ગઇ છે. જૂ
નાગમાંથી જ અલગ જિલ્લો બનેલા પોરબંદરમાં કે જ્યાં નગરપાલિકા છે ત્યાં પણ સીટી બસ સેવા ચાલુુ કરવાની તૈયારી કરી દેવાઇ છે, જ્યારે અહી સીટી બસ સેવાના મામલે કોઇ મગનું નામ મરી પાડવા તૈયાર નથી, બોલો! > લલીત પણસારા, કોર્પોરેટર વોર્ડ નંબર 6.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.