તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આર્મ્સ એક્ટ હેઠળ ગુનો:કેશોદમાં જન્માષ્ટમીની શોભાયાત્રામાં હાથમાં પિસ્તોલ રાખી સીનસપાટા કર્યા, શહેર ભાજપ મહામંત્રી અને એક્સ આર્મીમેન સામે ગુનો નોંધાયો

કેશોદ23 દિવસ પહેલા
શોભાયાત્રામાં હાથમાં પીસ્‍ટલ લઇ ફોટા પડાવતા ભાજપના મહામંત્રી
  • જન્માષ્ટમીની શોભાયાત્રામાં જાહેરમાં પિસ્તોલ આકાશ તરફ ટાંકી ફોટા પડાવતો વીડિયો વાઈરલ થયો હતો
  • વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી કાર્યવાહી કરી

જૂનાગઢના કેશોદ શહેરમાં જન્‍માષ્‍ટમી પર્વે તંત્રની મંજૂરી વગર નિકળેલી શોભાયાત્રા બાબતે બે દિવસ પહેલા આયોજક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંઘાયા હતો. દરમિયાન સોશિયલ મીડિયામાં શોભાયાત્રાનો એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં એક શખ્‍સ હાથમાં પિસ્તોલ રાખી સીનસપાટા કરી ફોટો પડાવતો હોવાનું સામે આવ્યું હતું. જે અંગે પોલીસે તપાસ હાથ ઘરી શહેર ભાજપના મહામંત્રી અને એક્સ આર્મીમેન સામે આર્મ્‍સ એકટ હેઠળ ગુનો નોંઘી ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે.

પ્રાપ્‍ત વિગતોનુસાર કેશોદ શહેરમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો પરથી ભગવાન રણછોડરાયજીની શોભાયાત્રા કૃષ્ણ જન્મોત્સવ સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા દરમિયાન હાથમાં પિસ્તોલ લઈને આકાશ તરફ તાકતાં હોય એવો વીડિયો બે દિવસથી સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં કેશોદ પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ હતી. વાઈરલ વીડિયોમાં એક શખ્‍સ હાથમાં પિસ્તોલ જેવું હથીયાર લઇ ફોટા પડાવી સીન નાંખતો હોવાનું સામે આવ્યું હતું. જે અંગે પણ પોલીસે વઘુ તપાસ હાથ ઘરી હતી.

શોભાયાત્રામાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર માજી સૈનિક મહેન્દ્રભાઇ દયાતર હથીયાર લઈ આવ્યા હતા. તે પિસ્તોલ સમસ્‍ત બ્રહમસમાજના પ્રમુખ અને શહેર ભાજપના મહામંત્રી પ્રફુલભાઇ પંડ્યાએ કોઇપણ જાતની પરવાનગી વગર જાહેરમાં માણસોની ભીડ વચ્‍ચે પિસ્તોલનું નાળચું આકાશ તરફ ઉંચુ કરી ફોટા પડાવતા હોવાનું જાણવા મળ્યું હતું. જેના આઘારે ઇન્‍ચાર્જ પી.આઇ. એન.બી.ચૌહાણએ પ્રફુલભાઇ પંડ્યા અને એકસ આર્મીમેન મહેન્‍દ્રભાઇ દયાતર સામે આર્મ્‍સ એકટની કલમ 29 અને 30 મુજબ ગુનો નોંઘી તપાસ હાથ ઘરી છે.

અત્રે નોંઘનીય છે કે, જન્‍માષ્‍ટમી પર્વે તા.30 ના રોજ કેશોદ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટની પરવાનગી વગર કેશોદ શહેરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેને લઇ બે દિવસ પૂર્વે કેશોદ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન મેહુલભાઈ ગોંડલીયા વિરુદ્ધ જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ઘરી છે. દરમ્‍યાન શોભાયાત્રાનો વાઈરલ થયેલ વીડિયોના આઘારે પોલીસે વઘુ એક ગુનો નોંઘતા હાલ આ મામલો ટોક ઓફ ઘ ટાઉન બની ગયેલ છે.

અન્ય સમાચારો પણ છે...