સરકારની ભેદભાવ ભરી નિતીના વિરોધમાં પંચાયત તલાટી મંત્રીઓ 2 ઓગસ્ટથી હડતાળ પર ઉતર્યા છે. ત્યારે હજુ પણ કોઇ નિર્ણય ન આવતા હડતાળ જારી રખાઇ છેે. આ અંગે જૂનાગઢ જિલ્લા તલાટી કમ પંચાયત મંત્રી મંડળના પ્રમુખ જે.જે. ડાંગરે જણાવ્યું હતું કે, તલાટી મંત્રીમાં પંચાયત તલાટી કમ મંત્રી અને રેવન્યુ તલાટી એમ 2 વિભાગ છે. આમ,એક જ માંના 2 દિકરા સમાન 2 વિભાગ હોવા છત્તાં સરકાર દ્વારા ભારે ભેદભાવ ભરી નિતીઅપનાવાઇ છે. રેવન્યુ તલાટીને ગોળ અને પંચાયત તલાટી મંત્રીને ખોળ જેવી નિતી હોય 2 ઓગસ્ટથી હડતાળ પર ઉતરવાની નોબત આવી છે.
રેવન્યુ તલાટીને4,400નો ગ્રેડ પે અપાય છે. તેમણે મહેસુલી પ્રકરણની પ્રાથમિક તપાસ અહેવાલ તૈયાર કરવો, 135 -ડીની નોટિસની બજવણી કરવી, સમન્સની બજવણી કરવી, હદ નિશાન ચકાસણી કરવી તેમજ સરકારી પડતર જમીનની ચકાસણી એમ મુખ્ય 5 જ કામગીરી કરવાની હોય છે. તેમને 12 વર્ષે નાયબ મામલતદારમાં પ્રમોશન પણ મળે છે.
જ્યારે પંચાયત તલાટીને ચૂંટણીની, સમાજ સુરક્ષાની, દાખલા કાઢવાની, આપત્તિ વ્યવસ્થાપનની, પંચાયત મંત્રી તરીકેની, આરોગ્યની, આવાસ યોજનાની અને જન્મ મરણ રજીસ્ટ્રારની મળી 500થી વધુ પ્રકારની કામગીરી કરવી પડે છે. જ્યારે પગાર, પ્રમોશન, ભથ્થું વગેરેના લાભ મળતા નથી. ત્યારે આવી ભેદભાવ ભરી નિતીના વિરોધમાં હડતાળ પડાઇ છે. જ્યાં સુધી યોગ્ય નિવેડો નહિ આવે ત્યાં સુધી હડતાળ જારી રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.