જનતામાં આશ્ચર્ય સાથે આક્રોશ:ચક્કાજામ ન ગણકાર્યો અને મંત્રી માટે માર્ગ થઇ ગયો, જૂનાગઢમાં ટેક્ષ ભરનાર જનતાની નહિ પણ પ્રજાના સેવકની સેવા

જૂનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ શહેરમાં 5 સપ્ટેમ્બરના શિક્ષક દિનની ઉજવણીમાં રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઇ માલમ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કારમાં પસાર થનાર મંત્રીને કોઇ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર ખડેપગે થઇ ગયું હતું. એટલું જ નહિ મહાનગરપાલિકા દ્વારા 5 વિવિધ અધિકારીની નિમણુંક કરી તેને કામગીરી સોંપાઇ હતી. પરિણામે જનતામાં આશ્ચર્ય સાથે આક્રોશ પણ જોવા મળી રહ્યો હતો. જૂનાગઢ શહેરમાં ખાડાવાળા અને ધૂળીયા રસ્તાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ અંગે અનેક વખત મનપામાં રજૂઆત કરવા છત્તાં નિંભર તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.

પોલીસ બોલાવી પ્રજાના અવાજને દબાવી દેવાનો હિન પ્રયાસ
ટેક્ષ ભરનારી જનતા રસ્તા જેવી પ્રાથમિક સુવિધા માટે લડત કરે તો પોલીસ બોલાવી પ્રજાના અવાજને દબાવી દેવાનો હિન પ્રયાસ કરાય છે. જ્યારે બીજી તરફ પ્રજાના સેવક એવા મંત્રી કારમાં પસાર થવાના હોય તે રૂટ પર માત્ર મંત્રીની ગાડી ચાલી શકે તેટલો જ રોડ રાતોરાત બનાવી નાંખ્યો હતો. આમ, મંત્રી માટે માર્ગ થઇ ગયો હતો જ્યારે બાકીનો અડધો રોડ બનાવ્યો ન હતો! પરિણામે ટેક્ષ ભરનાર જનતાની નહિ પ્રજાના સેવકની સેવા માટે મનપા તંત્ર ખડેપગે થઇ જતા લોકોમાં ભારે આશ્ચર્ય સાથે રોષ પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આ મામલે લોકોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો.

મંત્રીને કારને બદલે રિક્ષામાં સફર કરાવવી જોઇએ: લોકો
​​​​​​​
લોકો કહી રહ્યા છે કે, મહાનગરપાલિકા તંત્ર એવું માને છે કે, મંત્રીઓને કોઇ તકલીફ પડવી ન જોઇએ. પ્રજાનું જે થવું હોય તે થાય. કેટલાકે તો એવું કહ્યું કે, જૂનાગઢના તમામ લોકોએ વિરોધ કરી મંત્રીના પ્રવાસનો રૂટ રિપેર કરવા ન દેવો જોઇએ. એટલું જ નહિ મંત્રીને કારને બદલે રિક્ષામાં સફર કરાવવી જોઇએ જેથી મંત્રીઓને પણ ખબર પડે કે પ્રજા કેવી યાતના ભોગવે છે. એકે તો એવું જણાવ્યું કે કોર્પોરેશન મંત્રીને માણસ અને પ્રજાને પશુ સમજે છે માટે મંત્રી આવે તો રોડ રિપેર થઇ જાય છે અને પ્રજા રજૂઆત કરી કરીને થાકે તો પણ કામ કરતા નથી.

અન્ય સમાચારો પણ છે...