રસી લીધાનું સર્ટિફિકેટ જરૂરી:જૂનાગઢમાં ફરવાનાં સ્થળે કોરોના રસીનું સર્ટીફિકેટ દેખાડો તો જ પ્રવેશ અપાશે

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બન્ને રસીના ડોઝ, 18થી ઉપરનાને પ્રથમ ડોઝનું સર્ટિ બતાવવું પડશે
  • રોપ-વે, સક્કરબાગ, બસ અને રેલ્વે સ્ટેશને પ્રવેશ માટે સર્ટિ જરૂરી

જૂનાગઢમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે જાહેર સ્થળોએ પ્રવેશ માટે કોરોના વેક્સિનનું સર્ટિ બતાવવું પડશે.જો સર્ટિ નહિ હોય તો પ્રવેશ અપાશે નહિ. આ અંગે મનપાના કમિશ્નર રાજેશ તન્નાએ જણાવ્યું હતું કે, ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થતા હજ્જારોની સંખ્યામાં ભાવિકો આવ્યા છે. તેમજ ભવનાથ સહિત હરવા ફરવાના સ્થળોએ પણ પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ત્યારે એકબીજાના સંપર્કમાં આવવાથી કોરોના સંક્રમણ ફેલાવાની ભિતી વ્યકત થઇ રહી છે.

ત્યારે આવું ન થાય તે માટે હરવા ફરવાના તમામ સ્થળોએ હવે કોરોના વેક્સિનના લીધેલા ડોઝનું સર્ટિ બતાવું પડશે. આ સર્ટિ હશે તો જ પ્રવેશ અપાશે બાકી પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. ખાસ કરીને મનપા કચેરી, સ્વિમીંગ પુલ, સ્પોર્ટસ કોમ્પ્લેકસ, મનપાના તમામ બાગબગીચા, ભવનાથ, રોપવે, વિલીંગ્ડન ડેમ સાઇટ, ઉપરકોટ, સક્કરબાગ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન તેમજ મનપા હદ વિસ્તારમાં આવેલ જાહેર પરિવહનના તમામ સ્થળોએ પ્રવેશ મેળવતા પહેલા તમામ નાગરિકો, પર્યટકો, શ્રદ્ધાળુઓ તેમજ પ્રવાસીઓએ કોરોના રસી લીધાનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે.

ત્યાર બાદ જ પ્રવેશ આપવાનો રહેશે. ત્યારે 18 વર્ષથી ઉપરની ઉંમરના તમામએ પ્રથમ ડોઝ લીધો ન હોય તેમજ બીજા ડોઝનો સમય થવા છત્તાં બીજો ડોઝ લીધો ન હોય તો તેમને પ્રવેશ આપવાનો રહેશે નહિ. આ આદેશની અમલવારી 15 નવેમ્બરથી કરવાની રહેશે. સ્થળ પર જ સર્ટિ ચેક કરી પછી પ્રવેશ આપવાનો રહેશે. આ માટે સર્ટિની મોબાઇલમાં કે હાર્ડ કોપી તેમજ આઇડેન્ટી કાર્ડ સાથે રાખવું પડશે.

અન્ય સમાચારો પણ છે...