ઐતિહાસિક અને ધાર્મિક નગરીની ઓળખ ધરાવતા જૂનાગઢ શહેરની ઓળખ જાણે બદલાઇ રહી હોય અને ક્રાઇમ નગરી બની રહી હોય તેમ ગુનાખોરી વધી છે. એક સમયે માત્ર દારૂની હેરાફેરી થતી હતી. હવે ખટારા મોઢે દારૂ ઉપરાંત હથિયારો, ગાંજા, ચરસથી લઇને મેફડ્રોન ડ્રગ્સની હેરાફેરી થઇ રહી છે!! આ ઉપરાંત ચોરી,હત્યા, લુંટ, મારામારીના બનાવો તો અલગ. ત્યારે કોના સાથથી ક્રાઇમનો વિકાસ થઇ રહ્યો છે? તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે.
દરમિયાન વધતી જતી ગુનાખોરી સામે જૂનાગઢ પોલીસ દ્વારા કાર્યવાહી થઇ રહી છે પરંતુ ગુનાખોરીના પ્રમાણમાં થતો વધારો ચિંતાજનક કહી શકાય છે. હાલ જૂનાગઢ પોલીસને સીસીટીવી કેમેરાના પ્રોજેક્ટ નેત્રમ દ્વારા અનેક ગુનાના ભેદ ખોલી નાંખવામાં સફળતા મળી રહી છે. આ શ્રેષ્ઠ કામગીરીના કારણે નેત્રમ શાખાના પીએસઆઇ પી.એચ. મશરૂને સતત ત્રીજી વખત શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્યના ડીજીપી આશિષ ભાટીયા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. આમ, જૂનાગઢ પોલીસની નેત્રમ શાખાના પીએસઆઇ પી.એચ. મશરૂએ એવોર્ડ મેળવવામાં હેટ્રીક ફટકારી છે.
આ કામગીરી 100 ટકાસારી કહી શકાય પરંતુ હજુ શહેરના અનેક સંવેદન શીલ વિસ્તારો છે કે જ્યાં અવાર નવાર નાની મોટી માથાકૂટો થતી રહે છે. પરંતુ આ સંવેદનશીલ વિસ્તારોમાં જ સીસીટીવી કેમેરા ન હોય ગુનાખોરોને મોકળું મેદાન મળી જાય છે. ત્યારે આવા વિસ્તારોમાં પણ સીસીટીવી કેમેરાની બાજ નજર હોય તો ગુનાખોરી પર ચોક્કસ અંકુશ આવી જાય તેમ છે.
ત્યારે આવા વિસ્તારોને પણ સીસીટીવી કેમેરામાં આવરી લેવાની તાતી જરૂરિયાત છે. દરમિયાન આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશભાઇ પણસારાએ જણાવ્યું હતું કે, શહેરમાં પોલીસની નેત્રમ શાખા દ્વારા સીસીટીવી કેમેરાથી સતત નિગરાની રખાઇ રહી છે જેના કારણે અનેક ગુના ઉકેલાયા છે.
ત્યારે આવનાર દિવસોમાં શહેરના સંવેદન શીલ વિસ્તારો તેમજ આવા વિસ્તારોની નાની ગલીઓને પણ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે જેથી ગુનાખોરી-ગુંડાગીરીનું પ્રમાણ અટકે અને ગુનો થયો હોય તો તેનો ભેદ પણ ઉકેલવામાં સરળતા રહે. આ માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરાશે અને તમામ સંવેદનશીલ વિસ્તારોને સીસીટીવી કેમેરાથી આવરી લેવાની તૈયારી છે. આ માટે અગાઉ એક કંપનીને કામગીરી સોંપાઇ હતી.
તેમણે ટાવર પણ ઉભા કર્યા હતા પરંતુ બાદમાં કોઇ કારણોસર કંપની જતી રહી છે. ત્યારે હવે ફરી આ માટે પ્રયાસ કરી શહેરને ગુનાખોરીથી મુક્ત કરવા બાકીના વિસ્તારોને પણ સીસીટીવી કેમેરાથી સજ્જ કરાશે.
નેત્રમ શાખાને જૂનાગઢ બજેટ સાથે જોડી દેવામાં આવે
પોલીસની નેત્રમ શાખા દ્વારા સીસીટીવી કેમેરાની કામગીરી શહેરના તમામ સંવેદન શીલ વિસ્તારમાં પણ થાય તે માટે વધુ નાણાંકીય ભંડોળની આવશ્યકતા રહે તે સ્વાભાવિક છે. ત્યારે નેત્રમ શાખાને જૂનાગઢ કોર્પોરેશનના બજેટમાં સમાવિષ્ટ કરી દેવાય તો ગ્રાન્ટ મળી શકે અને સીસીટીવી કેમેરાની કામગીરી તમામ વિસ્તારોમાં થઇ શકે. આ ઉપરાંત કોર્પોરેટરો પણ પોતાને ભાગે આવતી રકમ નેત્રમની સીસીટીવી કેમેરા લગાવવામાં વાપરી શકે તેવી જોગવાઇ થવી જોઇએ જેથી તમામ કોર્પોરેટર પોતાના વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવી શકે.
આ વિસ્તારોમાં પણ સીસીટીવી કેમેરા લગાવવા ખાસ જરૂરી
ખાસ કરીને સેજના ઓટાનો વિસ્તાર, લીમડા ચોક, જનતા ચોક કે જ્યાં બહારના લોકોની અવર જવર વધુ છે તેમજ ટ્રાન્સપોર્ટ ઓફિસો, બેન્કો, ફાયનાન્સીયલ કંપનીઓ, ઓનલાઇન કામ કરતા સ્ટેમ્પ વેન્ડર વગેરે ધંધાકીય સંકુલો આવેલા છે. ત્યારે અહિંયા સીસીટીવી કેમેરાની નિગરાનીની ખાસ જરૂર છે. - અશ્વિનભાઇ મણિયાર.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.