જુનાગઢ જિલ્લાના વંથલી ખાતે તાલુકાકક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનનું આયોજન થયું હતું. આ પ્રદર્શનમાં 300 જેટલા પશુપાલકો હાજર રહ્યાં હતા. આ પ્રદર્શનમાં પશુપાલકોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન, દૂધ ઉત્પાદન વધારવા અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સહિતના મુદ્દે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વંથલીના પટેલ સમાજ ખાતે આયોજિત આ શિબિરનો પ્રારંભ કરાવતા જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારીયાએ જણાવ્યું કે, ખેતીની સાથે વ્યવસાયિક ધોરણે પશુપાલન અપનાવવામાં આવે તો ખૂબ મોટા લાભો પ્રાપ્ત કરી શકાય છે. તેમજ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવાની સાથે પશુપાલન કરવામાં આવે તો તેના વિશેષ આર્થિક લાભો મેળવી શકાય છે. આમ, ખેતી અને પશુપાલન એકબીજાના પૂરક છે. જેને વ્યવસાયિક ધોરણે અપનાવવાથી ખેડૂતોની આવક બમણી થઈ શકે છે. આ શિબિરમાં, નાયબ પશુપાલન નિયામક ડૉ. વિરલ આહિર, મદદનીશ પશુ નિયામક ડૉ.ડી.ડી.પાનેરા, મદદનીશ પશુપાલન નિયામક ડો.એ.પી.ગજેરાએ પશુ સંવર્ધન, પોષણ, માવજત, રસીકરણ સહિત પશુ આરોગ્યના મુદ્દે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
આ સાથે વિઠ્ઠલ બજાણીયાએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સંદર્ભે ઊંડાણપૂર્વક જાણકારી આપી હતી. તેમજ સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ પ્રાસંગિક ઉદ્બોધન આપી ખેડૂતોને પશુપાલન અને પ્રાકૃતિક ખેતી અંગે માહિતગાર કર્યા હતા. આ તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનનું જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન દિનેશભાઇ ખટારીયા અને જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય મુકેશ કણસાગર, અગ્રણી ભાવેશ મેંદપરા, રમેશ ડાંગર, કાંતિ કાબા, દિનેશ સુવાગિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરને સફળ બનાવવા માટે ડો.ચોચા સહિત તાલુકાની પશુપાલન ટીમે જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.