કુદરતે જ્યા અપાર સૌંદર્ય વેર્યું છે એવા જૂનાગઢ જિલ્લામાં વન, વન્યજીવ સૃષ્ટિ, દરિયો, પર્વત બધું જ છે એવા જૂનાગઢ જિલ્લામાં ઉદ્યોગ એટલે કે રોજીરોટીની નવી દિશાઓ નહીં ખુલે તો અહીંના યુવાનોને રોજગારી માટે અન્ય ક્ષેત્રમાં જવું પડશે. એવું ન થાય તે માટે જૂનાગઢ જિલ્લાના ઇકોસેન્સેટિવ ઝોન ગણાતા વિસ્તારોમાં સરકાર દ્વારા કૃષિ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવે તો આવનારા સમયમાં સોરઠનું યુવાધન વતન છોડશે નહીં.
જૂનાગઢ જિલ્લો એક સમયે રાજ્યનો સૌથી મોટો જિલ્લો હતો. પણ રાજકીય સમીકરણો મુજબ આ જિલ્લાને સતત ભાંગવામાં આવ્યો. કદાચ એમ કહી શકાય કે વિકાસના નામે આ જિલ્લાને થાળી ભાંગીને વાટકા જેવો કરી નખાયો. હવે આ જિલ્લામાં સૌથી મોટો પ્રશ્ન તો રોજગારીનો છે. અહીં શિક્ષણ ક્ષેત્રે નવી તકો છે પણ એ એટલી રોજગારી આપી શકે નહીં. એ સ્થિતિમાં જૂનાગઢ જિલ્લામાં કૃષિ આધારિત ઉદ્યોગો શરુ કરવા અનિવાર્ય છે. કચ્છની જેમ જૂનાગઢમાં પણ કેટલાક ઉદ્યોગો માટે ટેક્સ મુક્તિ આપીને પણ પ્રોત્સાહન આપવું જોઈએ તેવી ચર્ચા તજજ્ઞોમાં થઇ રહી છે.
બાગાયત ખેતીના કારણે જૂનાગઢ જિલ્લામાં કેરી, રાવણા, ચીકુ, સીતાફળ ઉપરાંત જંગલોમાં થતા અમૃત સમાન ફળ જેવા કે આમળા, ફિંડલા, વિવિધ પ્રકારના બોર, નાળિયેર સહિત અનેક પ્રકારના ફળો અહીં વિપુલ પ્રમાણમાં પાકે છે. આ બાગાયત પાકને લોકો સુધી પહોંચાડવા માટે પ્રોસેસિંગ અને પેકેજીંગ યુનિટ જૂનાગઢમાં જરૂરી છે. એ ઉપરાંત બાગાયત પાકની બાયપ્રોડક્ટ પણ લોકોમાં ડિમાન્ડ ધરાવે છે. જેને ઉદ્યોગ તરીકે શરુ કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાને નવી દિશા મળી શકે. જોકે તેના માટે સરકાર દ્વારા એક અલગ ઝોન બનાવી કૃષિ ઉત્પાદન પ્રોસેસિંગ અને પેકેજિંગ યુનિટો સ્થાપવા માટે કોઈ યોજના બની તે જરૂરી છે.
દિલાવરનગરની હિજરતી જમીન ઉપયોગી
વંથલી નજીક દિલાવરનગર વિસ્તારમાં ખુબ મોટી જમીનો હિજરતી હોવાથી બંજર થઈને પડી છે. આ વિસ્તારમાં આવા પ્રકારના ગૃહ ઉદ્યોગો માટે શેડ ફાળવવામાં આવે તો લોકોને જગ્યાનો પ્રશ્ન ન રહે. અને બાગાયત વિસ્તારમાં આ જગ્યા હોવાથી ખેડૂતોને તેનું ઉત્પાદન અહીં પહોંચાડવું સહેલું પડે.
વિવિધ અથાણાં અને ફ્રુટચિપ્સ બનાવવાના ઉદ્યોગ માટે ઉજળી શક્યતા
જૂનાગઢમાં કેરીનો પાક વિપુલ પ્રમાણમાં થાય છે. કેરી એકમાત્ર ફ્રૂટ તરીકે નથી ખવાતી. તેમાંથી બનતા અથાણા વિશ્વમાં પ્રચલિત છે. આથી અથાણા બનાવવાના ઉદ્યોગમાં મહિલા ગ્રુપ એ ઝપલાવવું જોઈએ. એ ઉપરાંત ચીકુ ચીપ્સ અને રાવણા પલ્પ ઉપરાંત આમળાની અનેક વેરાઈટી માટે લોકો ઉત્સુક હોય છે. જેની બજારમાં ખુબ મોટી ડિમાન્ડ છે. આથી આવા ગૃહ ઉદ્યોગો માટે સરકારની પ્રોત્સાહક યોજનાઓ વિષે યુવાનો અને મહિલાઓને માર્ગદર્શન મળે તો જૂનાગઢમાં રોજગારીનો પ્રશ્ન હલ થઇ શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.