જૂનાગઢ શહેરમાં શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જ સરવડા વરસવા શરૂ થયા છે. જાણે મેઘરાજા શિવજી પર જળાભિષેક કરવા પધાર્યા હોય તેમ લાગી રહ્યું છે. દરમિયાન પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ સોમવારથી જ થયો છે અને તે સાથે જ વરસાદ વરસવાનું શરૂ થયું છે. શ્રાવણી સરવડા શરૂ થતા રોડ પર પાણી દોડવા લાાગ્યા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જ્યારે સોમવારના રોજ પડેલ 4 મીમી સાથે જૂનાગઢ શહેરનો સિઝનનો કુલ વરસાદ 12 ઇંચ થયો છે. જોકે હજુ ભારે વરસાદની ખેંચ હોય મેઘરાજા મનમૂકીને વરસી પડે અને ધરતીને જળ તરબોળ કરી દે તેવી ભોળાનાથને લોકો પ્રાર્થના કરી રહ્યા છે.
જૂનાગઢ શહેરમાં શ્રાવણના પ્રથમ સોમવારે વાતાવરણ વાદળછાયું બની ગયું હતું. બાદમાં બપોરના 12 વાગ્યા આસપાસ મેઘરાજાએ ઝાપટા સ્વરૂપે પધરામણી કરી હતી. જોરદાર વરસાદી ઝાપટા પડવાની સાથે જ શહેરના માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતા. અચાનક વરસાદી ઝાપટા પડવાનું શરૂ થતા અનેક લોકો વરસાદથી બચવા છાપરા શોધવા લાગ્યા હતા. જ્યારે મધુરમ બાયપાસ રોડ પર પડેલા ખાડાને બૂરી દેવાયો હતો પરંતુ લોટ, પાણીને લાકડા જેવું કામ થયું હોય માત્ર 4 એમએમ વરસાદમાં જ ખાડામાંથી કાંકરી નિકળી જતા માર્ગ પર પાણીના ખાબોચિયા ભરાયા હતા.
દરમિયાન હાલ શ્રાવણ માસમાં તો સરવડા જ વરસતા હોય છે. તેમ છત્તાં ભોળાનાથ કૃપા કરી ભરપૂર મેઘમહેર કરાવે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે. ગત વર્ષની સરખામણીમાં જૂનાગઢ જિલ્લામાં 51.62 ટકા અોછો વરસાદ છે. ગત વર્ષે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે કુલ 23.65 ઇંચ વરસાદ થયો હતો. જેની સામે ચાલુ વર્ષે જિલ્લામાં શ્રાવણ મહિનાના પહેલા દિવસે કુલ 12.68 ઇંચ વરસાદ થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.