અગ્નિવર્ષા:શનિવાર સુધી હિટવેવ, ગરમી 43 ડિગ્રી સુધી જશે; 3 દિવસ બાદ મહત્તમ તાપમાન 40થી 41 ડિગ્રી રહેશે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બળબળતા ઉનાળાની આકરી ગરમી: માર્ચના 10 દિવસ, એપ્રિલના અત્યાર સુધીના 13 દિવસ મહત્તમ તાપમાન 40 ડિગ્રી ઉપર
  • અત્યાર સુધીની સૌથી વધુ ગરમી 8 એપ્રિલે 43.5 ડિગ્રી રહી હતી

જૂનાગઢ શહેરમાં આકરી ગરમી પડી રહી છે. બળબળતા ઉનાળાની અંગ દઝાડતી ગરમીથી જનજીવન ભારે પ્રભાવિત થયું છે. આકાશમાંથી થતી અગન વર્ષાના કારણે લોકો આકુળ વ્યાકુળ બની ગયા છે. દરમિયાન હજુ પણ શનિવાર સુધી હિટવેવની આગાહી કરવામાં આવી છે. આ દિવસો દરમિયાન ગરમીનો પારો ફરી 43 ડિગ્રી સુધી જઇ શકે છે.

આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેરમાં આ વખતે ઉનાળાની વ્હેલી શરૂઆત થઇ છે. આ વખતે માર્ચ મહિનામાં 10 દિવસ સુધી ગરમીનો પારો 40 ડિગ્રીને પાર રહ્યો છે. જ્યારે એપ્રિલમાં અત્યાર સુધીના 13 દિવસમાં પારો 40 ડિગ્રીથી વધુ રહ્યો છે. આમાં સૌથી વધુ ગરમી 8 એપ્રિલે 43.5 ડિગ્રી રહેવા પામી હતી. દરમિયાન હજુ 3 દિવસ સુધી હિટવેવની આગાહી કરવામાં આવી રહી છે.

આમ, ગુરૂ, શુક્ર અને શનિવાર સુધી મહત્તમ તાપમાન વધીને 43 ડિગ્રી સુધી જવાની સંભાવના વ્યકત થઇ રહી છે. ત્યારે હજુ પણ આકરી ગરમીનો સામનો કરવા લોકોએ તૈયાર રહેવું પડશે. જોકે, 3 દિવસ બાદ ગરમીમાં 2 ડિગ્રી કરતા વધુ ઘટાડો થશે પરિણામે ગરમીનો પારો 3 દિવસ બાદ 40 થી 41 ડિગ્રી આસપાસ રહેશે જેથી આકરી ગરમીથી લોકોને આંશિક રાહત મળશે. દરમિયાન બુધવારે લઘુત્તમ 22.9, મહત્તમ 41.5 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 87 ટકા અને બપોર બાદ 18 ટકા રહ્યું હતું તેમજ પવનની ગતિ 5.2 કિમી પ્રતિ કલાકની રહી હતી.

માર્ચ અને એપ્રિલના 40 ડિગ્રીથી વધુ ગરમી વાળા દિવસો
માર્ચ

14 માર્ચ : 40.1 ડિગ્રી, 15 માર્ચ : 40 ડિગ્રી, 16 માર્ચ : 41 ડિગ્રી, 17 માર્ચ : 41.3 ડિગ્રી, 18 માર્ચ : 40.9 ડિગ્રી, 19 માર્ચ : 40 ડિગ્રી, 26 માર્ચ : 40 ડિગ્રી, 27 માર્ચ : 41.9 ડિગ્રી, 28 માર્ચ : 41 ડિગ્રી અને 29 માર્ચના 41.3 ડિગ્રી ગરમી રહી હતી.

એપ્રિલ
1 એપ્રિલ : 40.9 ડિગ્રી, 2 એપ્રિલ : 40.1 ડિગ્રી, 3 એપ્રિલ : 41 ડિગ્રી, 4 એપ્રિલ : 41.9 ડિગ્રી, 5 એપ્રિલ : 41.2 ડિગ્રી, 6 એપ્રિલ : 42.3 ડિગ્રી, 7 એપ્રિલ :43.2 ડિગ્રી, 8 એપ્રિલ : 43.5 ડિગ્રી, 9 એપ્રિલ : 42.2 ડિગ્રી, 10 એપ્રિલ : 40.6 ડિગ્રી, 11 એપ્રિલ : 40.2 ડિગ્રી, 12 એપ્રિલ : 40.6 ડિગ્રી અને 13 એપ્રિલ : 41.5 ડિગ્રી.

જંગલ અને તળાવ નજીકના વિસ્તારોમાં ધુમ્મસ રહેશે
આ દિવસોમાં સવારે ભેજનું પ્રમાણ વધારે રહેશે જેના કારણે સવારે ધુમ્મસની અસર વધી રહેશે. ખાસ કરીને જંગલ અને તળાવ નજીકના વિસ્તારોમાં ધુમ્મસની ચાદર જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...