પેટા ચૂંટણી:સોરઠમાં પેટા ચૂંટણી સંપન્ન, આવતીકાલે થશેમતગણતરી

જૂનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 નગરપાલિકા, 1 મહાનગરપાલિકાની પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન

જૂનાગઢ મહાનગરપાલિકા અને વિસાવદર, માણાવદર તેમજ વેરાવળ એમ 3 નગરપાલિકામાં ખાલી પડેલી જગ્યા પર રવિવારે પેટા ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં જૂનાગઢ મહાનગરપાલિકામાં 49.48 ટકા મતદાન થયું હતું. જ્યારે વિસાવદર નગરપાલિકામાં 52.63 ટકા, માણાવદર નગરપાલિકામાં 43.82 ટકા અને વેરાવળ નગરપાલિકામાં 46.69 ટકા મતદાન થયું હતું. દરમિયાન શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હોય તમામ ઉમેદવારના ભાવિ સિલ થઇ ગયા છે. હાલ તો તમામ પક્ષના ઉમેદવારો પોત પોતાની જીતના દાવા કરી રહ્યા છે. જોકે, મંગળવારે મત ગણતરી હાથ ધરાશે ત્યારે જાણવા મળશે કે મંગળ કોના માટે મંગળકારી છે અને કોના માટે અમંગળકારી?

વેરાવળમાં ભાજપ, કોંગ્રેસ વચ્ચે જંગ
વેરાવળ નગરપાલિકાની ગોવિંદપરા જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો છે. ભાજપમાંથી દેવાભાઇ નાથાભાઇ વાળા અને કોંગ્રેસમાંથી હરસુખભાઇ કાળાભાઇ મકવાણાએ ઉમેદવારી કરી છે. ગોવિંદપરા બેઠક પર વેરાવળ તાલુકાના 18 ગામોનો સમાવેશ થાય છે. 32 મતદાન મથકોમાં 27,165 મતદારો છે. દરમિયાન રવિવારે યોજાયેલ મતદાનમાં 7,449 પુરૂષ અને 5,024 મહિલા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ, 46.69 ટકા મતદાન થયું છે.

માણાવદરમાં 1683એ મતદાન કર્યું
માણાવદર નગરપાલિકામાં વોર્ડ નંબર 4ના સદસ્ય માધવજીભાઇ પંચારીયાનું અવસાન થતા પેટાચૂંટણી યોજાઇ હતી. અહિં ભાજપના અશ્વિનભાઇ મણવર, આપના ગોપાલભાઇ ચૌહાણ અને કોંગ્રેસના સુરેશભાઇ કાબા વચ્ચે જંગ છે. કુલ 3,841માં 1,683 મતદારોએ મતદાન કરતા મતદાનની ટકાવારી 43.82 ટકા રહી છે.

વિસાવદરમાં 52.63 ટકા મતદાન
વિસાવદર નગરપાલિકામાં વોર્ડ નંબર 1ની એક સીટ માટે ચૂંટણી યોજાઇ હતી. અહિં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટના ઉમેદવારોએ પેટાચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. કુલ 2,926માંથી 1,540 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ, કુલ 52.63 ટકા મતદાન થયું છે.

જૂનાગઢમાં 49.48 ટકા મતદાન
જૂનાગઢ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 8ના કોર્પોરેટર વિજયભાઇ વોરાનું અવસાન થતા પેટા ચૂંટણી આવી પડી હતી. આ ચૂંટણીમાં ભાજપાન અશ્વિનભાઇ ગોસ્વામી, કોંગ્રેસના રઝાકભાઇ હાલા અને એનસીપીમાંથી મહેબુબભાઇ વિધાએ ઉમેદવારી કરી હતી. કુલ 24 બુથમાં 9,559 પુરૂષ અને 9,314 સ્ત્રી અને અન્ય 2 મળી કુલ 18,875 મતદારો હતા. દરમિયાન રવિવારે થયેલ મતદાન પ્રક્રિયામાં કુલ 49.48 ટકા મતદાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...