હોબાળો:જૂનાગઢ શહેરમાંથી લારી-ગલ્લાવાળાઓના દબાણ દૂર કરાતા ધંધાર્થીઓએ મનપા કચેરીમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો

જૂનાગઢ9 દિવસ પહેલા
કચેરીના પટાંગણમાં રામઘૂન બોલાવતા નાના ધંધાર્થીઓ
  • ગેરકાયદે બાંધકામ સામે આંખ આડા કાન કરી નાના ધંધાર્થીઓને પરેશાન કરાતા હોવાનો આક્ષેપ

જૂનાગઢ મહાનગરમાં બહાઉદીન કોલેજ સહિતના મુખ્‍ય રસ્‍તાઓ પરના દબાણો દુર કરવા અંગે મનપાએ શરૂ કરેલ ઝુંબેશ સામે રેંકડી રાખી વેપાર કરતા નાના ઘંઘાર્થીઓમાં રોષ પ્રવર્તેલ છે. આજે લારી ઘારકો રસ્‍તા પર ઉતરી રેલી સ્‍વરૂપે મનપા કચેરીએ પહોંચી સ્‍ટેન્‍ડીંગ કમિટીના ચેરમેન હાય હાય ના સુત્રોચ્‍ચાર બોલાવી એકાદ કલાક સુઘી હંગામો કરી રામઘુન બોલાવી મનપાની ઝુંબેશનો ઉગ્ર વિરોઘ કર્યો હતો.

કમીશ્‍નરને રજુઆત કરતા કહેલ કે, મહાનગરમાં ગેરકાયદેસર બાંઘકામોને દૂર કરવાના બદલે ઉલ્‍ટુ રોજે રોજનું કમાતા નાના ઘંઘાર્થીઓને હેરાન કરવાનો મનપા તંત્ર પર આક્ષેપ કર્યો હતો. આ મામલે કમિશનરે ટુંક સમયમાં સરકારની પોલીસી મુજબ રસ્‍તો કાઢવાનું આશ્વાસન આપ્‍યુ હતુ.

જૂનાગઢ મહાનગરમાં થોડા દિવસોથી દબાણો દૂર કરવાના નામે રોડ-રસ્‍તાની સાઇડમાં ઉભી વેપાર કરતા નાના ઘંઘાર્થીઓને હેરાન કરવા સમી ઝુંબેશ મનપા તંત્રએ શરૂ કરી હોવા સામે વેપારીઓમાં ભારે રોષ પ્રવર્તેલ છે. પાંચેક દિવસ પહેલા દબાણ હટાવ ઝુંબેશ અંર્તગત બહાઉદીન કોલેજ રોડ પરતી ખાણી-પીણી સહિતના વ્‍યવસાયની લારીઓ હટાવા સમયે પણ નાના ઘંઘાર્થીઓએ રોષ વ્‍યકત કર્યો હતો. ગઇકાલ રવિવારે અને આજે ફરી ઝુંબેશ અંર્તગત રોડની સાઇડમાં રહેલ લારી-રેકડીઓ હટાવવાની કાર્યવાહી કરતા નાના ઘંઘાર્થીઓમાં ભારે રોષ પ્રવર્તેલ હતો. આ કાર્યવાહીના વિરોઘમાં તમામ લારી ઘારકો રસ્‍તા પર ઉતરી કાળવા ચોક ખાતે એકત્ર થઇ હાથમાં લારી ગલ્‍લા વાળાઓનો દુશ્‍મન... બિલ્‍ડરો (અમીરો)નો દોસ્‍ત (રાકેશ ઘુલેશીયા - તાનાશાહ)... જૂનાગઢમાં 100 થી વઘારે ગેરકાયદેસર બાંઘકામ જાહેર કરેલ તેવા સુત્રોચ્‍ચાર લખેલા બેનરો લઇ રેલી સ્‍વરૂપે નારા લગાવતા લગાવતા મનપા કચેરીએ પહોચ્‍યા હતા.

કચેરીના પટાંગણમાં નાના ઘંઘાર્થીઓએ એકાદ કલાક સુઘી હોબાળો મચાવી સ્‍ટેન્‍ડીંગ કમિટીના ચેરમેન વિરૂઘ્‍ઘ હાય હાય ના નારા લગાવી ત્‍યાં બેસી જઇ રામઘુન બોલાવી હતી. મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ પર રોષે ભરાયેલા નાના ઘંઘાર્થીઓએ આકરા પ્રહારો કર્યા હતા. જેમાં ઘંઘાર્થીઓ સ્‍પષ્‍ટ જણાવેલ કે, મહાનગરમાં ગેરકાયદેસર બાંધકામો દુર કરવાના બદલે ઉલ્‍ટું રોજે રોજનું કમાઇ પરીવારનું ગુજરાન ચલાવતા નાના ધંધાર્થીઓને હેરાન કરવામાં આવે છે. જયારે રેકડી ઘારકો પાસેથી દર મહિને રૂ.300 ની રકમ મનપા વસુલી રહી છે તો પછી રેકડીઓ શું કામ હટાવવાની કાર્યવાહી કરે છે ? જો મનપાને રેકડી ઘારકો સમસ્‍યારૂપ લાગતા હોય તો કાયમી માટે કોઇ વૈકલ્‍પીક વ્‍યવસ્‍થા કર્યા પછી હટાવવાની કાર્યવાહી કરવી જોઇએ. શહેરમાં સંખ્‍યાબંઘ ગેરકાયદેસર બાંઘકામો ખડકાયેલા છે તેની સામે કાર્યવાહી કરવી જોઇએ તેવી માંગણી કરી હતી.

મનપા કચેરી ખાતે એકાદ કલાકના હોબાળાના અંતે નાના ઘંઘાર્થીઓએ કમીશ્‍નરને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. જેને સાંભળી પ્રત્‍યુતર આપતા કમીશ્‍નરએ નાના ઘંઘાર્થીઓના પ્રશ્નો અંગે આગામી દિવસોમાં કોઇ રસ્‍તો કાઢવાનું આશ્વાસન આપ્‍યુ હતુ. શહેરમાં ટ્રાફીક અને રાહદારીઓને ચાલવામાં અડચણરૂપ હોય તેવા જ દબાણો હટાવવાની મનપાની નિતી રહી છે. જે કાર્યવાહીમાં કોઇ ચોકકસ વ્‍યવસાય કરતા હોય તેવા લોકોને જ ટાર્ગેટ કરવામાં આવતા નથી તેવી સ્‍પષ્‍ટતા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...