કેશોદ તાલુકાના ઇસરા ગામના તળાવમાંથી એક યુવતીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેને લઈ પોલીસે તપાસ હાથ ધરી આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પરિણીત પ્રેમીએ જ પ્રેમીકાની હત્યા કરીને લાશને પથ્થર સાથે બાંધી તળાવમાં ફેકી દીધી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપીને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે.
તળાવમાંથી લાશ મળી આવી હતી
કેશોદ તાલુકાના ઈસરા ગામના તળાવમાંથી એક યુવતીની લાશ મળી આવી હતી. જેને લઈ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ અને કેશોદ પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તળાવની જગ્યાની તપાસ કરતા પ્રાથમીક દ્રષ્ટિએ યુવતીની હત્યા કરી કમરના ભાગે દોરીથી પથ્થર બાંધી લાશને તળાવમાં નાંખી દીધાનું પોલીસને જાણવા મળ્યું હતું. ઇસરા ગામે તળાવની નજીકમાં આવેલા ખેતરે ખેડૂત માલ ઢોરને ઘાસચારો નાખવા જતા તળાવમાં લાશ તરતી દેખાય હતી. જેની જાણ નજરે જોનાર વ્યક્તિએ ગામના સરપંચને કરતા ગામના સરપંચે કેશોદ પોલીસને ઘટનાની જાણ કરી હતી. જેથી કેશોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી
કમરના ભાગે પથ્થર બાંધેલી હાલતમાં યુવતીની લાશ ત્રણ દિવસથી કોહવાયેલી લાશ હોવાનું એફએસએલ રિપોર્ટમાં બહાર આવ્યું હતું. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ તેમજ કેશોદ પોલીસ દ્વારા અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. મરણ જનાર યુવતી તેજલ ચુડાસમાના પરિવાર દ્વારા પોલીસને આ ઘટના બાબતે યુવતીની હત્યા થઈ હોવાનું કહેતા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. અંતે પોલીસને આ ઘટનાનો ભેદ ઉકેલવામાં સફળતા હાથ લાગી હતી.
તળાવમાં પથ્થર સાથે લાશને બાંધી ફેકી દીધી
પોલીસ તપાસમાં ખુલ્યું કે, પ્રેમ પ્રકરણમાં પરિણીત પ્રેમીએ હત્યા કરી હતી. તેજલબેન રમેશભાઇ ચુડાસમા નામની યુવતી સાથે પરિણીત યુવકનો પ્રેમ સંબંધના કારણે હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. તેજલબેન ચુડાસમાને પરણિત યુવક રાજુ સોલંકી સાથે પ્રેમ સબંધ હતો અને યુવતી યુવાનને પોતાની સાથે લગ્ન કરવા માટે દબાણ કરતી હતી. પરંતુ યુવક રાજુ સોલંકી પરિણીત હોય લગ્ન કરી શકે તેમ ન હોવાથી પોતે જ યુવતીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. જે બાદ ઇસરા ગામના તળાવમાં પથ્થર સાથે લાશને બાંધી ફેકી દીધી હોવાનું આરોપીએ કબૂલ્યું હતું. પોલીસે યુવતીના ભાઈ સાગર ચુડાસમાની ફરીયાદને આધારે પાડોદર ગામના રાજેશ ઉર્ફે રાજુ ગોપાલભાઈ સોલંકી વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.