અંતે મૃતદેહ હાથ લાગ્યો:જૂનાગઢમાં પાંચ દિવસથી ગુમ 15 વર્ષીય સગીરનો મૃતદેહ મળી આવ્યો, પરીવારમાં શોકનો માહોલ

જુનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • NDRFની ટીમે નરસિંહ મહેતા સરોવરમાં સર્ચ કરતા ગઈકાલે સાયકલ મળ્યા બાદ આજે મૃતદેહ મળ્યો

જૂનાગઢમાં રહેતો અને પાંચ દિવસથી ગુમ થયેલો 15 વર્ષના સગીરનો આજે મૃતદેહ મળી આવ્યો હતો. નરસિંહ મહેતા તળાવમાં એનડીઆરએફની ટીમ દ્વારા તપાસ હાથ ધરતા સગીરનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ થતા સ્થળ પર લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. આ મામલે સગીરનું આકસ્મિક મૃત્યુ થયુ છે કે કોઈ અન્ય કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસમાં અપહરણની ફરીયાદ નોંધાઈ હતી
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢમાં આવેલ જલારામ સોસાયટીના રિધ્ધી ટાવરમાં રહેતા દિપેશભાઇ જોષીનો પંદર વર્ષીય પુત્ર મનન પાંચ દિવસ પૂર્વે તા.9 ના રોજ સાંજના સમયે ઘરેથી સાયકલ લઇને નીકળી ગયા બાદ મોડે સુધી ઘરે પરત આવ્યો ન હતો. જેથી પરીવારજનો અને મિત્રોએ શોધખોળ હાથ ધરેલ પરંતુ મળી આવેલ ન હતો. એ સમયે તળાવ દરવાજા રોડ ઉપર આવેલ તળાવના કિનારેથી તેનો મોબાઈલ મળી આવેલ પરંતુ સાયલક અને મનન બંન્ને ગુમ હતા. જેથી આ મામલે વાલીઓએ અપહરણની પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

NDRFની ટીમને સર્ચમાં ગઈકાલે સાયકલ મળી હતીજેથી મનનની શોધખોળ માટે પોલીસે સીસીટીવી કેમેરા તપાસવાની શરૂઆત કરી હતી. તો બીજી તરફ શંકાનાં આધારે પોલીસે નરસિંહ મહેતા સરોવરમાં તપાસ કરાવાનું નક્કી કર્યુ હતુ. જેમાં ગઈકાલે મંગળવારના રોજ એનડીઆરએફની ટીમની મદદ લઈ બપોર બાદ નરસિંહ મહેતા તળાવમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં ટીમને સરોવરમાંથી મનનની સાયકલ મળી આવી હતી. જો કે મોડી સાંજ પડી જતા અંધારાના કારણે સર્ચ ઓપરેશન અટકાવી દેવાયુ હતું.

મૃત્યુનું કારણ જાણવા તપાસ હાથ ધરી
આજે સવારના ફરી NDRFની ટીમ દ્વારા સર્ચ હાથ ધરતા મનન જોષીનો મૃતદેહ સરોવરમાંથી મળી આવ્યો હતો. આમ પાંચ દિવસના ગુમ થયાની તપાસમાં મૃતદેહ મળી આવતા તેના પરીવારને જાણ કરવામાં આવતા પરીવારજનો ઉપર જાણે દુઃખનું આભ ફાટ્યું હોય તેવી કરુણાતિકા સર્જાઈ હતી. આ મામલે પોલીસે મનન જોષીના મૃત્યુનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...