વિવાદ:65 લાખના સ્ટ્રીટ લાઇટના ટેન્ડર સામે ભાજપના મહિલા કોર્પોરેટરનો વિરોધ

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજી કંપની નીચા ભાવે કામ કરવા તૈયાર, આ ચીલાચાલુ કંપની હોય

જૂનાગઢ મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતીની બેઠકમાં 65 લાખના સ્ટ્રીટ લાઇટના ટેન્ડર સામે ભાજપના જ મહિલા કોર્પોરેટરે વિરોધ કર્યો હતો. જોકે, તેમ છત્તાં સ્થાયી સમિતીએ બહુમતિના જોરે આ ટેન્ડરની દરખાસ્તને મંજૂરી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે ભાજપના જ એક મહિલા કોર્પોરેટરે નામ ન દેવાની શરતે જણાવ્યું હતું કે, શહેરમાં આવેલી સ્ટ્રીટ લાઇટોના પોલ પરથી ટ્યુબલાઇટ કાઢી ત્યાં એલઇડી લગાવવા માટેના ટેન્ડર મંગાવાયા હતા. આમાંથી એક કંપનીનું 65 લાખનું ટેન્ડર ગત સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થવાનું હતું.

જોકે, આ મામલે વિવાદ થયો હતો. કોંગ્રેસના કોર્પોરેટરે એવું કહીને વિરોધ કર્યો હતો કે, શહેરમાં એટલી બધી ટ્યુબલાઇટો છે ક્યાં કે જેના માટે 65 લાખનું ટેન્ડર કરવું પડે? ત્યાર બાદ ગત સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં આ ટેન્ડરની દરખાસ્તને પેન્ડીંગ રખાઇ હતી. જોકે, બુધવારે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં ફરી આ ટેન્ડરની દરખાસ્ત રજૂ થઇ જેને પાસ કરવા જણાવાયું. દરમિયાન મે આ ટેન્ડર સામે વિરોધ વ્યકત કર્યો હતો. કારણ કે, એકતો આ ચીલાચાલુ કંપની છે. આમાં ઉષા કે ક્રોમ્પટન જેવી પ્રખ્યાત કંપની નથી.

બીજું કે બીજી કંપની નીચા ભાવે કામ કરવા તૈયાર છે! તો પછી શા માટે આ જ કંપનીના ટેન્ડરની દરખાસ્તને મંજૂર કરવી?! જોકે, મારા વિરોધ છત્તાં સ્ટેન્ડીંગ કમિટીએ બહુમતિના જોરે આ ટેન્ડરની દરખાસ્તને મંજૂર કરી દીધી છે. સામાન્ય રીતે સ્ટેન્ડીંગ કમિટીની દરખાસ્ત સર્વાનુમતે પાસ થતી હોય છે. પરંતુ અહિં બહુમતિના જોરે દરખાસ્તને પાસ કરી દેવાઇ છે. અગાઉ શહેરમાં એલઇડી લગાવવાની દરખાસ્ત પણ બે વખત પેન્ડીંગ રખાઇ હતી અને બાદમાં કોઇપણ ફેરફાર વિના મંજૂર કરી દેવાઇ હતી. ત્યારે આમાં સમજવું શું?!

અન્ય સમાચારો પણ છે...