તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંતરિક રાજકારણ:વેરાવળ તાલુકા પંચાયતના પ્રમુખ સામે ભાજપના જ સભ્યએ ધમકી આપ્યાનો આક્ષેપ કર્યો, પ્રમુખે આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા

વેરાવળ3 મહિનો પહેલા
આ રોડ અને નાળાના કામને લઈ આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે..
  • ડાભોર પાસે નાળાના કામની ગુણવત્તાને લઈ આક્ષેપ-પ્રતિ આક્ષેપો થયા

શિસ્તબધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં સતાના મદમાં રહેલા અમુક નેતાઓને કારણે પક્ષને નીચું જોવા જેવું થાય છે. આવો જ એક કિસ્સો વેરાવળમાંથી સામે આવ્યો છે. જેમાં ભાજપ શાસિત વેરાવળ તાલુકા પંચાયતના પ્રમુખે રસ્તા અને નાળાના થયેલા નબળા કામને લઈને ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર ભાજપના જ તાલુકા પંચાયતના સભ્યને ધમકી આપી રહ્યાનો ઓડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. જેના પગલે સ્થાનિક કક્ષાએ ભાજપના વર્તુળમાં ચકચાર મચી છે. તો આ મામલે ભાજપના તા.પ.ના સભ્યએ કાર્યપાલક ઇજનેરને લેખિત પત્ર પાઠવી થઈ રહેલ કામની ગુણવત્તાની તપાસ કરી ભ્રષ્ટચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરતા રાજકારણ ગરમાયુ છે.

આ મામલે ભાજપના તા.પ.ના સભ્ય દેવરાજભાઈ રાઠોડએ કાર્યપાલક ઇજનેરને કરેલ લેખિત રજૂઆતમાં જણાવેલ કે, વેરાવળ તાલુકાના ડાભોર ગામે નજીકના છાત્રોડા ગામ અને ફોરટ્રેકને જોડતા રોડનું તથા તેમાં આવતા પુલિયાઓનું કામ રૂ.2.25 કરોડના ખર્ચે થઈ રહેલ છે. આ કામ મંડોરના સુભાષભાઈ પરમારને મળેલ જેઓએ પેટા કોન્ટ્રાક્ટરને કામ આપેલ છે. દરમ્યાન બે દિવસ પૂર્વે હું (સભ્ય) અને ડાભોર ગામના લોકો આ રોડ અને પુલીયાનું ચાલી રહેલ કામ જોવા ગયેલ હતા. ત્યારે કામ નબળી ગુણવતાવાળું જણાયેલ જેથી અમોએ પેટા કોન્ટ્રાક્ટરને કહેલ કે, ભાઈ સારૂ કામ કરો ત્યારે તેણે ઉશ્કેરાઈ જવાબ આપેલ કે કામ આવું જ થશે લોટ, પાણી ને લાકડા તમારે જે કરવું હોય તે કરી લ્યો.

દેવરાજભાઈ રાઠોડ, સભ્ય, વેરાવળ તાલુકા પંચાયત
દેવરાજભાઈ રાઠોડ, સભ્ય, વેરાવળ તાલુકા પંચાયત

તાલુકા પંચાયતના સભ્ય દેવરાજભાઈ રાઠોડે આ કામનું થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન કરાવી તપાસ કરવાની અને જવાબદારો સામે કાર્યવાહીની માગ કરી છે. ચોમાસા પહેલા આ કામ સારી ગુણવત્તાવાળું નહીં કરવામાં આવે તો ડાભોર ગામમાં વરસાદી પાણી ઘુસી જવાની ભીતિ પણ વ્યકત કરવામા આવી છે. અને જો આવું થશે તો સમસ્ત ગ્રામજનો ગાંધી ચીંધ્યા માર્ગે અનશન આંદોલન પર બેસવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

આ અંગે ભાજપના તા.પ.સભ્ય દેવરાજભાઈ રાઠોડએ ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સરમણભાઈ સોલંકી પર આક્ષેપ કરેલ કે, તા.15 મીની સાંજે પ્રમુખ સરમણભાઈ સોલંકીએ મને ફોન કરી ધમકી આપેલ કે તમે અને તમારા ભાઈ સમજી જજો બાકી માથાકૂટ થશે અને પછી બીજી ત્રીજી થશે અને કામ થશે એમ જ થશે.

સરમણભાઈ સોલંકી, પ્રમુખ, વેરાવળ તાલુકા પંચાયત
સરમણભાઈ સોલંકી, પ્રમુખ, વેરાવળ તાલુકા પંચાયત

તો બીજી તરફ તાલુકા પંચાયત ના પ્રમુખ સરમણભાઈ સોલંકી ના જણાવ્યા મુજબ આ કામ અન્ય એજન્સી કરી રહી છે અને તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે ગામ ના લોકો ની ફરિયાદ મળેલ કે દેવરાજ ભાઈ અમુક લોકો ને સાથે લઈ કામ માં અવરોધ ઉભો કરી અટકાવી રહ્યા છે. જેથી મેં તેમને ફોન કરેલ જેમાં કોઈ પ્રકાર ની ધમકી આપી નથી આ મુદ્દા ને ખોટી રીતે ઉપસાવવા માં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...