2017 કરતાં મોટો ઉલટફેર:સોરઠમાં કોંગ્રેસની 5 બેઠક ભાજપે ઝુંટવી 1 જાળવી : કોંગ્રેસે 6 ગુમાવી 1 જાળવી : આપની 1 થી એન્ટ્રી

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસમાં મત ગણતરી ચાલી રહી હતી. એ સમયે બહાર મેદાનમાં તમામ ઉમેદવારોનાં ટેકેદારોની ભીડ હતી. જૂનાગઢમાં ભાજપનાં સંજય કોરડીયાનું વિજય સરઘસ નિકળ્યું હતું. - Divya Bhaskar
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસમાં મત ગણતરી ચાલી રહી હતી. એ સમયે બહાર મેદાનમાં તમામ ઉમેદવારોનાં ટેકેદારોની ભીડ હતી. જૂનાગઢમાં ભાજપનાં સંજય કોરડીયાનું વિજય સરઘસ નિકળ્યું હતું.
  • મતદારોનાં મૌનને લીધે આ વખતે રાજકીય પક્ષો અવઢવમાં હતા જોકે સવારે 8 વાગ્યાથી લાગેલી લાઇનને લીધે નવા-જુની નક્કી હતી

સોરઠમાં ગુજરાત વિધાનસભાની 9 બેઠકો પૈકી 2017 માં કોંગ્રેસે કેશોદ સિવાય બધી અંકે કરી હતી. તેની સામે 2022 માં જૂનાગઢ જિલ્લાની 5 પૈકીની 3 બેઠક ભાજપ, 1 કોંગ્રેસ અને 1 આમ આદમી પાર્ટીને મળી છે. તો ગીર સોમનાથ જિલ્લાની 4 પૈકી 3 બેઠક ભાજપ અને 1 કોંગ્રેસના ફાળે ગઇ છે. 2017 કરતાં મોટો ઉલટફેર આ વખતે અહીં થયો છે.

જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ, વિસાવદર, માંગરોળ બેઠક કોંગ્રેસ પાસે હતી. 2017 માં માણાવદર કોંગ્રેસને મળ્યા બાદ 2019 માં જવાહરભાઇ ચાવડા ભાજપમાં જોડાતાં પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં તેમનો વિજય થતાં એ બેઠક ભાજપને મળી હતી. એકમાત્ર કેશોદ બેઠક પર ભાજપના દેવાભાઇ માલમ જીત્યા હતા. તેની સામે આ વખતે જૂનાગઢ, અને માંગરોળ બેઠક ભાજપે કોંગ્રેસ પાસેથી ઝૂંટવી લીધી છે. કેશોદની બેઠક જાળવી રાખી છે. માણાવદર બેઠક ભાજપે ગુમાવી છે. જ્યારે વિસાવદર બેઠક આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ પાસેથી ઝૂંટવી લીધી છે.

ગીર સોમનાથ જિલ્લામાં 2017 માં ઊના, કોડીનાર, તાલાલા અને સોમનાથ એમ ચારેય બેઠકો પર કોંગ્રેસ જીતી હતી. તેની સામે આ વખતે માત્ર સોમનાથ બેઠક કોંગ્રેસને મળી છે. બાકીની ત્રણેય ભાજપે જીતી લીધી છે.

પાંચ વિધાનસભામાં 8,814 લોકોએ નોટામાં મત નાંખ્યા, સૌથી વધુ 2,002 જૂનાગઢ બેઠક પર, ઓછા 1,568 માણાવદરમાં પડ્યા
જૂનાગઢ | જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભાની બેઠકની મતગણતરી હાથ ધરાઇ હતી. દરમિયાન 5 વિધાનસભામાં મળી કુલ 8,814 લોકોએ નોટામાં મત નાંખ્યા છે. ચૂંટણીમાં ઉભેલા ઉમેદવાર પૈકી કોઇપણ ઉમેદવાર પસંદ ન હોય તેવા લોકો મતદાનથી અળગા ન રહે અને મતદાન કરી શકે તે માટે નોટાનો ઓપ્શન અપાયો છે.

ત્યારે એકપણ ઉમેદવાર પસંદ ન પડ્યો ન હોય તેવા મતદાતા નોટામાં મત નાંખી શકે છે. દરમિયાન જૂનાગઢની 5 વિધાનસભા બેઠક પર કુલ 8,814 લોકોએ નોટાનો ઉપયોગ કર્યો છે. આમાં માણાવદર બેઠક પર 1,568, જૂનાગઢ બેઠક પર 2,002, વિસાવદરમાં 1,719, કેશોદમાં 1,760 અને માંગરોળમાં 1,765 લોકોએ નોટા પસંદ કરી નોટામાં મતદાન કર્યું છે. આમાં સૌથી વધુ નોટામાં મત જૂનાગઢ બેઠક પર 2,002 પડ્યા છે. જ્યારે સૌથી ઓછા નોટામાં મત માણાવદર બેઠક પર 1,568 પડ્યા છે.

પાંચ વિધાનસભામાં 1,199 મત રિજેક્ટ થયા, સૌથી વધુ 518 જૂનાગઢ બેઠકમાં, ઓછા 133 કેશોદમાં
જૂનાગઢ વિધાનસભાની 5 બેઠક પર યોજાયેલ ચૂંટણીની ગુરૂવારે મત ગણતરી હાથ ધરાઇ હતી. દરમિયાન યોગ્ય રીતે મતદાન થયું ન હોય મત જે તે પક્ષને ન જતા આવા કુલ 1,199 મતો મત ગણતરી દરમિયાન રિજેક્ટ થયા હતા. ચૂંટણીમાં યોગ્ય રીતે મતદાન ન થાય તો આવા મત રિજેક્ટ થતા હોય છે. ત્યારે જૂનાગઢ જિલ્લાની 5 બેઠક પર આવા 1,199 મતો રિજેક્ટ થયા હતા.

આમાં માણાવદર બેઠક પર 212 મત, જૂનાગઢ બેઠક પર 518 મત, વિસાવદર બેઠક પર 171 મત, કેશોદ બેઠક પર 133 મત અને માંગરોળ બેઠક પર 165 મત રિજેક્ટ થયા હતા.આમાં સૌથી વધુ 518 મત જૂનાગઢ બેઠક પર રિજેક્ટ થયા હતા જ્યારે સૌથી ઓછા 133 મત કેશોદ બેઠક પર રિજેક્ટ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...