કાર્યવાહી:જૂનાગઢ અને રાજકોટમાંથી બાઇક ચોરનાર ઝડપાયો

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નંબર પ્લેટ વગરના બાઇક અંગે પુછતા ભેદ ખુલ્યો
  • પોલીસે 2 બાઇક મળી 60,000નો મુદ્દામાલ કબ્જે કર્યો

જૂનાગઢ અને રાજકોટમાંથી બાઇકની ચોરી કરનાર શખ્સને જૂનાગઢ સી ડિવીઝન પોલીસે ઝડપી લઇ કુલ 60,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 15મી ઓગસ્ટની રાજ્ય કક્ષાની ઉજવણીને લઇ ચોરીના ગુનેગારોને ઝડપી લેવા ખાસ ઝુંબેશ હાથ ધરાઇ છે. દરમિયાન સી ડિવીઝન પીએસઆઇ જે. જે. ગઢવી અને સ્ટાફ ચેકીંગમાં હતા ત્યારે બાતમી મળી કે,દોલતપરા વિસ્તારમાં રહેતો અને વાહનોની ચોરી કરતો શખ્સ ઇલ્યાસ અબ્બાસભાઇ ઉનડ ચોરાઉ મોટર સાઇકલ સાથે પસાર થવાનો છે.

બાદમાં પસાર થતા આ શખ્સને અટકાવી નંબર પ્લેટ વગરના બાઇક અંગે પૂછપરછ કરતા આ બાઇક તેમણે રવિવારી બજાર સૂરજ ફન વર્લ્ડ પાસેથી ચોરી કર્યું હોવાનું કબુલ્યું હતું. આ ઉપરાંત વધુ એક બાઇક રાજકોટથી ચોર્યું હોવાની પણ કબુલાત આપી હતી. પોલીસે જીજે 11 બીએ 4967 નંબરનું બાઇક કિંમત રૂપિયા 25,000 અને જીજે 03 કેઆર 3123 નંબરનું બાઇક કિંમત રૂપિયા 35,000 મળી કુલ 60,000નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.