જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા ઝાંઝરડા રોડ પર આવેલા ખેતલિયા દાદાના મંદિરના મહંત રાજ ભારતીબાપુએ પોતાની જ પિસ્તોલથી જાતે ગોળી મારીને આત્મહત્યા કરી છે. મળતી માહિતી મુજબ, થોડા દિવસ અગાઉ રાજ ભારતીબાપુ દારૂ પીતા હોવાનો વીડિયો અને અન્ય કેટલાક ઓડિયો વાઇરલ થયા હતા, જેને લીધે આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક તબક્કે માહિતી મળી રહી છે.
જાતે જ ગોળી મારીને જીવન ટૂંકાવ્યું
રાજ ભારતીબાપુએ પોતાના ખડિયા ગામ સ્થિત વાડીમાં જાતે જ ગોળી મારીને જીવન ટૂંકાવ્યું છે. પોતાની લાઇસન્સવાળી પિસ્તોલથી લમણામાં ગોળી મારતાં લોહીલુહાણ હાલતમાં તેમને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે સારવાર મળે એ પૂર્વે જ તેમનું મોત થયું હતું. આ મામલે પોલીસે અત્યારે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
રાજ ભારતીબાપુએ કેમ કરી આત્મહત્યા?
મહત્ત્વનું છે કે રાજ ભારતીબાપુના થોડા દિવસ અગાઉ કેટલાક ઓડિયો વાયરલ થયા હતા. જેમાં બાપુ કેટલીક મહિલાને વોટ્સએપમાં વોઇસ મેસેજમાં પ્રેમભરી વાતો કરે છે. આ ઉપરાંત વાઇરલ થયેલા એક વીડિયોમાં તેઓ દારૂ પીતા નજરે પડે છે. જ્યારે સીગારેટ પીતાની એક તસવીર પણ સામે આવી હતી.. જેને લઇ સાધુ સંતો અને તેમના ભક્તોમાં તેમના પ્રત્યે ઘૃણાનો ભાવ જોવા મળ્યો હતો. જેના કારણે ડિપ્રેશનમાં આવીને આજે રાજભારતીબાપુએ આ પગલું ભર્યું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. હાલ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
એક બે દિવસમાં દુષ્કર્મ મામલે પોલીસ કેસ થવાનો હતો: ડો.જ્યોતિરનાથ મહારાજ
રાજ ભારતી બાપુના આપઘાતને મામલે વડોદરાના ડો.જ્યોતિરનાથ મહારાજે નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, જૂન મહિનામાં એક દીકરીએ મને કુકર્મ કર્યાની ફરિયાદ કરી હતી. રાજ ભારતી મુસ્લિમ ધર્મ છોડીને હિન્દૂ બન્યા હતા અને ગુરુના પ્રતાપે મોટી પ્રોપર્ટી વસાવી લીધી હતી. મેં પોતે રાજ ભારતીને પ્રત્યક્ષ ચેતવ્યા હતા. એક બે દિવસમાં દુષ્કર્મ મામલે પોલીસ કેસ પણ થવાનો હતો. એટલે આખરે કર્મની ચરમસીમા આવતા આપઘાત કરવો પડ્યો. દરેક સાધુ સંતોએ યમ, નિયમ અને સંયમથી રહેવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.