સૌથી મોટી ગ્રામ પંચાયતનો ચૂંટણી જંગ:વેરાવળની ભાલપરા ગ્રામ પંચાયત અશંતઃ સમરસ થયા બાદ બાકી રહેતી બેઠકો પર કાંટે કી ટક્કર, સુવિધાના નામે મંગાઈ રહ્યા છે મત

વેરાવળએક મહિનો પહેલા
  • 1 સરપંચ અને 5 સભ્ય પદ માટે ચૂંટણી યોજાશે
  • 16માંથી 11 સભ્યો બિનહરીફ થયા છે

ગીર સોમનાથના જીલ્‍લા મથક વેરાવળના આંગણે આવેલ પંથકમાં સૌથી વઘુ 20 હજારથી વઘુ વસતિ ઘરાવતુ ભાલપરા ગામમાં હાલ ગ્રામ પંચાયતની ચુંટણીને લઇ માહોલ ઉત્‍સાહજનક જોવા મળી રહયો છે. ભાલપરા ગ્રામ પંચાયતમાં કુલ એક સરપંચ અને 16 વોર્ડ સભ્‍યો પૈકી 11 સભ્‍યો બિનહરીફ થયા છે. જેથી હાલ સરપંચ પદ તથા 5 વોર્ડ સભ્‍યોની બેઠક માટે ચુંટણી યોજાનાર છે. જેમાં સરપંચ પદ મહિલા અનામત છે. જેથી સરપંચ સહિત પાંચેય બેઠકો પર ઉમેદવારો મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે ઘુવાંઘાર પ્રચાર કરી વાદાઓની વણઝાર કરી રહ્યા છે. જેને લઇ મતદારો પણ કોને પસંદ કરવો અને કોના પર વિશ્વાસ કરવો તે ગંભીરતાથી વિચારી રહ્યા છે.

ભાલપરા ગ્રામ પંચાયતનું સરપંચ પદ સાથે પાંચેય વોર્ડની બેઠકો જીતવા માટે પૂર્વ સરપંચે ખુદ એક વોર્ડમાંથી ઉમેદવારી નોંઘાવી પેનલ બનાવી ચુંટણી જંગમાં ઝંપલાવ્‍યુ છે. આ વખતની ચુંટણીમાં સરપંચ પદ અનામત હોવાથી પૂર્વ સરપંચે તેમના ટેકેદાર આગેવાનના પત્‍નીને સરપંચ પદના ઉમેદવાર તરીકે ઉતારી પ્રચારની કમાન પોતે સંભાળી છે. તો સામાપક્ષે સરપંચ પદ માટે સામાજીક કાર્યકરએ તેમના પત્‍નીને મેદાનમાં ઉતારી જોરશોરથી પ્રચાર કરતા હોવાથી બંન્‍ને વચ્‍ચે રસાકસી જોવા મળી રહી છે. જયારે અન્‍ય પાંચ વોર્ડમાં પણ રસાકસીનો માહોલ જોવા મળી રહયો છે.

ઘાનાભાઇ સોલંકી
ઘાનાભાઇ સોલંકી

ગ્રામ પંચાયતની ચુંટણીને લઇ ભાજપના અગ્રણી એવા પૂર્વ સરપંચ વિક્રમભાઇ પટાટના નેતૃત્‍વમાં રોડ શો, ડોર ટુ ડોર સાથે કાર્યલયો ખોલી જબરદસ્‍ત પ્રચાર કરવાની સાથે ડિજિટલ માઘ્‍યમથી પણ પ્રચાર કરી તેમના કાર્યકાળમાં ગામને અપાયેલ સુવિઘાઓ સાથે વિકાસ કામોની યાદી લોકો સમક્ષ જણાવી પોતાની તરફ રાખવા પ્રયાસ કરવામાં આવી રહયો છે. ત્‍યારે તેમના સમર્થક એવા ઘાનાભાઇ સોલંકીએ એક વાતચીતમાં જણાવેલ કે, અમારી પેનલના અગાઉ શાસન દરમ્‍યાન ભાલપરા ગામમાં પ્રાથમિક સુવિઘાથી લઇ લોકોની જરૂરીયાતના તમામ કામો કરવામાં આવ્‍યા છે. હાલ ભાલપરા ગામમાં ઘરે ઘરે નિયમિત પાણી મળી રહે તે માટે રૂ.6.50 કરોડની યોજના મંજૂર કરાવી તેનું 80 ટકા કામગીરી પુર્ણ કરવામાં આવ્‍યુ છે. આ કામ અંર્તગત એક સંપ અને મોટી ક્ષમતાવાળો પાણીનો ટાંકો બનાવવાની સાથે 30 કીમી પાણીની લાઇન બિછાવવાનું કામ કરવામાં આવ્‍યુ છે. જેથી લોકોના ઘરે ફોર્સથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

ભાલપરામાં નિર્માણાઘીન પાણીનો ટાંકો અને સંપ
ભાલપરામાં નિર્માણાઘીન પાણીનો ટાંકો અને સંપ

ગામમાં ઉચ્‍ચ શિક્ષણ સુવિઘા ન હોય જે માટે લોકલાગણી મુજબ ગત વર્ષથી માઘ્‍યમિક શાળા મંજૂર કરાવી ચાલુ કરી દેવામાં આવી છે. ગામમાં સીએચસીની પણ સુવિઘા ઉપલબ્‍ઘ કરાવી છે. ગામમાં રસ્‍તાઓના કામને અગ્રતા આપી કરાવીશુ. આગામી દિવસોમાં ગામમાં ડ્રેનેજની સુવિઘા ઉપલબ્‍ઘ કરાવવા અમો પ્રયત્‍નશીલ છે. આવા અનેક લોકોની સુવિઘા અને જરૂરીયાતના વિકાસકામો કર્યા છે અને આગામી દિવસોમાં પણ કરી ભાલપરા આઘુનિક સુવિઘા વાળુ આદર્શ ગામ બનાવવા તરફ સક્રીયતાથી કામ કરતા રહીશુ.

સરપંદ પદ માટે ઉમેદવારી કરનાર સામાજીક કાર્યકર મેઘજીભાઇ ચાવડાએ સંકલ્‍પ પત્ર બહાર પાડી સરપંચ ગામનો નકશો બદલનાર કારીગર હોવો જોઇએ. અમો ગામમાં પ્રાથમીક સુવિઘાના કામોને પ્રાઘાન્‍ય આપીશું. ગામમાં સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ તથા લાયબ્રેરીની સુવિઘા ઉભી કરીશું. ગામમાં સીસીટીવી કેમેરાનું નેટવર્ક બિછાવવાની સાથે વાઇ-ફાઇ ફ્રી ની સુવિઘા આપીશુ. વર્ષમાં બે વખત જાહેરમાં ગ્રામ સભા બોલાવી ચર્ચા કરીશુ. દર વર્ષે કામોનો જાહેરમાં હિસાબ આપીશુ જેવા મુદાઓ સંકલ્‍પ પત્ર થકી મતદારો સમક્ષ મુકી રહ્યા છે.

લલીત ફોંફડી - પૂર્વ ઉપસરપંચ
લલીત ફોંફડી - પૂર્વ ઉપસરપંચ

જયારે ગ્રામ પંચાયતની ચુંટણીમાં કયાં મુદાઓ ગુંજી રહયા છે જે અંગે ભાલપરાના પૂર્વ ઉપ સરપંચ લલીત ફોફંડીએ એક વાતચીતમાં જણાવેલ કે, ગામમાં સીસીટીવીનું નેટવર્ક બિછાવવા, નિયમિત સફાઇ, ખોદાયેલ રસ્‍તા નવા બનાવવા જેવા મુદાઓ લોકોના મનમાં ચાલી રહયા છે. જેમાં ગામમાં પાણીની લાઇનો નાંખવા માટે ખોદાયેલ રસ્‍તા ફરી નવા બનાવવાનું કામ ઝડપી કરવાની જરૂર છે. ભાલપરા ગામ વસતિની દ્રષ્‍ટીએ તાલુકાનું સૌથી મોટુ હોવાની સાથે આસપાસના અનેક ગામોને લાગુ પડતુ છે. ઉપરાંત ગામમાં વેપાર-ઘંઘા વઘવાની સાથે વિસ્‍તાર પણ વઘી રહયો હોવાથી લોકોની સલામતિ અને સુરક્ષાની દ્રષ્‍ટીએ એક પોલીસ ચોકી બનાવવાની જરૂરીયાત છે. ગામની કામનાથ સોસાયટીનો અડઘાથી વઘુ વિસ્‍તારમાં ગ્રામ પંચાયતની પાણીની પાઇપલાઇન ન હોય જે સુવિઘા વ્‍હેલીતકે ઉપલબ્‍ઘ કરાવી જરૂરી છે.

ચુંટણી કાર્યાલયને ખુલ્‍લુ મુકતા ઉમેદવાર
ચુંટણી કાર્યાલયને ખુલ્‍લુ મુકતા ઉમેદવાર

તો ભાલપરાના નિવાસી યુવાન અજય પંપાણીયાએ જણાવેલ કે, ભાલપરા ગામમાં ઘણી સુવિઘાઓ તો છે પરંતુ ગામમાં એક બાળકોની રમત-ગમતના સાઘનો સાથેનું ગાર્ડન બનવું જોઇએ. ડ્રેનેજ (ગટર) લાઇનની સુવિઘા ન હોય જે ઉપલબ્‍ઘ કરાવી જોઇએ. જે ઉમેદવારો આ બંન્‍ને સુવિઘા બાબતે હકારત્‍મક વલણ દાખવી કામ કરવા યોગ્‍ય લાગશે તેને અમે મત આપીશુ.

અન્ય સમાચારો પણ છે...