તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઈફેક્ટ:કારણ કે, કોરોના મૃત્યુનાં 35 % પર આર્થિક જવાબદારી હતી

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચાલુ વર્ષમાં કોરોના અને અન્ય બિમારીથી મોત થતાં પરિવાર વિખાયો

કોરોના શરૂ થયો ત્યારથી તેમાં કેટલા લોકોનો ખરેખર ભોગ લેવાયો એના સાચા આંકડા સરકારી તંત્ર બહાર નથી પાડતું. આમ છત્તાં એક યા બીજી રીતે એ વિગતોની માહિતી ટ્રેસ થઇ જ જાય છે. એ રીતે જોતાં જાન્યુઆરીથી લઇને 10 મે 2021 સુધીનો સમયગાળો એકલા જૂનાગઢ શહેરમાંજ ઉત્પાદક વયજૂથ ગણાય એવા લોકોને સૌથી વધુ ભરખી ગયો. જૂનાગઢમાં આ સમયગાળામાં કોરોના અને બીજી રીતે અંદાજે 3 હજારથી વધુ લોકોના મોત થયા. મૃત્યુ પામનારની સંખ્યામાં પુરૂષોનું પ્રમાણ વધુ છે. કુલ 1700 થી વધુ પુરૂષો અને 1300 થી વધુ મહિલાઓના મોત થયા છે.નામ ન આપવાની શરતે સુત્રો કહે છે કે, એકજ વયજૂથની દૃષ્ટિએ જોઇએ તો સૌથી વધુ મોત 70 વર્ષથી વધુ વયના 1141 લોકોના થયા છે.

જેમાં કોરોડના કરતાં અન્ય બિમારીઓ અને વૃદ્ધાવસ્થા વધુ કારણભૂત છે. આ ઉપરાંત ઘર-પરિવાર, કાર્યસ્થળે જેમની ભૂમિકા સૌથી વધુ અને નિર્ણયાત્મક હોય છે એ 35 થી 64 વર્ષ સુધીના 1256 લોકોનો પણ 1 જાન્યુ. 2021 થી 10 મે 2021 દરમ્યાન વધુ ભોગ લેવાયો છે. 755 પુરૂષ અને 511 મહિલાનો સમાવેશ થાય છે. આ સમયગાળામાં મૃત્યુ પામેલા કુલ લોકોમાં આ વયજૂથનું પ્રમાણ 35 ટકાથી વધુ છે. સ્વાભાવિકપણેજ આ વયજૂથના લોકોના મોત કોરોનાને લીધેજ વધુ થયા છે. સામાન્ય રીતે આ એવા વયજૂથનાં લોકો હોય છે જેમને પોતાના કાર્યસ્થળે ઓછામાં ઓછા 7 થી 10 વર્ષનો અનુભવ હોય છે. એ સ્થળે તેમની ઉત્પાદકતાની સીધી ખોટ પડી જાય.

તો સામાજીક દૃષ્ટિએ ઘર-પરિવાર અને સમાજના કામોમાં દોડાદોડી, નિર્ણય લેવાનો મામલો મોટાભાગે આ વયજૂથના લોકોને હસ્તક હોય. તેમના જવાથી એ પરિવારને સ્વજનની વિદાય સાથે વ્યવહાર સાચવવાની, આર્થિક દૃષ્ટિએ ભારે નુકસાની થવાનીજ. જો કમાનાર એકજ હોય તો તેની પાછળના લોકોને આર્થીક બેહાલીનો પણ સામનો કરવાનો આવેજ. એ વયજૂથમાં મહિલાનું મોત થાય એટલે એક ઘર સંભાળનાર ઓછું થઇ જાય. તેમના જીવનસાથીની માનસિક હાલત વધુ ખરાબ થતી હોય છે. જો બાળકો 5-7 વર્ષના હોય તો તેમને ઉછેરવાની જવાબદારી પિતા અથવા માતા પર આવી પડે. વિભક્ત કુટુંબ હોય તો ઘર ચલાવવાની જવાબદારી તો ખરીજ. આમ કોરોનાની બીજી લહેરે ઘણા ઘર, પરિવાર અને થોડા અંશે સમાજ વ્યવસ્થાને નુકસાન પહોંચાડ્યું છે.

નાની તકલીફોને અવોઇડ કરી હોય
મધ્યવયના લોકો સામાન્ય તકલીફ હોય તો તેના તરફ દુર્લક્ષ આપીને કામ ચાલુ રાખ્યું હોય. કારણકે, આ વયના લોકો વર્કોહોલિક વધુ હોય છે. જો મોટી ઉમરના હોય તો સામાન્ય તકલીફ થાય કે તરત ડોક્ટર પાસે આવી જાય એટલે તુરંત તેનું નિદાન અને સારવાર શરૂ થઇ જાય. જ્યારે મધ્યવયના લોકોએ નાની તકલીફોને નજરઅંદાજ કરી હોય એટલે તકલીફ વધી જાય. અને રોગ વધુ ડેવલપ થઇ જાય. > ડો. ચિંતન યાદવ, એમડી ફિઝીશ્યન

15 થી 34 વર્ષના વયજૂથમાં પુરૂષોના મોતનો તફાવત વધુ
2021 માં 15 થી 34 વર્ષના વયજૂથમાં 139 લોકોના મોત થયા છે. જેમાં અન્ય કારણો અથવા બિમારી અને કોરોનાનો પણ સમાવેશ થાય છે. આ વયજૂથમાં 95 પુરૂષ અને 44 મહિલાના મોત થયા છે.
114 બાળકો મોતને ભેટ્યા
વર્ષ 2021 માં નવજાતથી લઇને 1 વર્ષની વય સુધીના 114 બાળકો મોતને ભેટ્યા છે. જ્યારે 1 થી 4 વર્ષની વયના 7 અને 5 થી 14 વર્ષની વયજૂથમાં 9 બાળકોના મોત થયા છે. જોકે, બાળકોમાં કોરોનાથી બહુ મોત નથી થયા. પણ અન્ય બિમારી કે કારણોથી મોત થયા છે.

અન્ય સમાચારો પણ છે...