પ્રવાસન ધામ જૂનાગઢના તળાવો બનશે રળિયામણા:ગરવા ગઢ ગિરનારના દરવાજા પાસેના વાઘેશ્વરી તળાવના બ્યુટીફિકેશનનું કામ રૂ.15 કરોડના ખર્ચે થશે

જુનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સહેલાણીઓમાં લોકપ્રિય એવા રળિયામણા ‘‘વિલિન્ગડન ડેમ’’નું પણ થશે રૂ.૧૮ કરોડમાં બ્યુટિફિકેશન મુખ્યમંત્રીશ્રી દ્વારા આદ્ય કવિ નરસૈયાની ભૂમિ જૂનાગઢમાં ‘‘નરસિંહ મહેતા સરોવર’’ના અદ્યતન વિકાસ માટે રૂ. ર૮.૮૩ કરોડની સ્પેશ્યલ ગ્રાન્ટ..

પ્રવાસન ધામ જૂનાગઢના તળાવો રળિયામણા અને સોહામણા બનશે. ગરવા ગઢ ગિરનારના દરવાજા પાસેના ‘‘વાઘેશ્વરી તળાવ’’ના બ્યુટીફિકેશન- નવીનીકરણનું કામ અંદાજે રૂ. ૧૫ કરોડના ખર્ચે કરાશે. જેથી ગિરનાર- ભવનાથ આવનારા યાત્રિકો- સહેલાણીઓને આકર્ષક પર્યટન સ્થળની ભેટ મળશે. સહેલાણીઓમાં લોકપ્રિય એવા રળિયામણા ‘‘વિલિગન્ટન ડેમ’’નું પણ અંદાજે રૂ.૧૮ કરોડમાં બ્યુટિફિકેશન થશે. તેમજ મુખ્યમંત્રીશ્રી દ્વારા આદ્ય કવિ નરસૈયાની ભૂમિ જૂનાગઢમાં ‘‘નરસિંહ મહેતા સરોવર’’ના અદ્યતન વિકાસ માટે રૂ. ર૮.૮૩ કરોડની સ્પેશ્યલ ગ્રાન્ટ ફાળવાતા આ અર્બન લેકનું નજરાણું પણ લોકોને મળશે.

ગરવા ગઢ ગિરનાર દરવાજા પાસેના ‘‘વાઘેશ્વરી તળાવ’’ના બ્યુટીફિકેશન- નવીનીકરણનું કામ રૂ. ૧૮ કરોડના ખર્ચે જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા અમૃત સરોવર યોજના હેઠળ કરવામાં આવશે. જેથી ગિરનાર- ભવનાથ આવનારા યાત્રીકો- સહેલાણીઓને એક આકર્ષક પર્યટન સ્થળની ભેટ મળશે. વાઘેશ્વરી તળાવની આસપાસ પાળ- બાઉન્ડ્રી, લેન્ડસ્કેપીંગ ગાર્ડન, સીટીંગ એરેજમેન્ટ સહિતની વ્યવસ્થાઓ ઉભી કરાશે. જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ દેશના દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવર બની રહયા છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ આ માટેનું કામ થઇ રહયુ છે. તાજેતરમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આદ્ય કવિ નરસૈયાની ભૂમિ જૂનાગઢ મહાનગરમાં નરસિંહ મહેતા સરોવરના અદ્યતન વિકાસ માટે રૂ. ર૮.૮૩ કરોડની સ્પેશ્યલ ગ્રાન્ટ પણ ફાળવી છે. કુલ ૪૮.૩ર કરોડ રૂપિયાના ખર્ચે નરસિંહ મહેતા સરોવરના ૯.૯ હેક્ટર વિસ્તારનો વિકાસ થશે. જેમાં તળાવને ફરતે રીંગરોડ, એમ્બેસમેન્ટ, પ્રોટેકશન વોલ, પ્રોમિનાડ, વોક વે, એમ્નીટીઝ બ્લોક, પાર્કિંગ, પ્રવેશ દ્વાર, બોટીંગ ડોક, ઘાટ, ગાર્ડન, ટ્રી-પ્લાન્ટેશન, લાઇટ પોલ્સ, પક્ષીઓના આકર્ષણ અર્થે આઇલેન્ડ ઉભા કરાશે. નરસિંહ મહેતા તળાવના બ્યુટીફિકેશન અંગેનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે.

આ તમામ તળાવના બ્યુટિફિકેશનની કામગીરી મેયર ગીતાબેન પરમાર, મ્યુ.કમિશનર રાજેશ તન્ના, ડે.મેયર ગિરિશભાઇ કોટેચા, સ્ટેન્ડીંગ ચેરમેન હરેશભાઇ પરસાણા, શાસક પક્ષ નેતા કિરિટ ભીંભાના માર્ગદર્શન હેઠળ થઇ રહી છે.જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા અમૃત સરોવર સ્કીમ હેઠળ બીજા તબકકાના શહેરના વોટર બોડીને ડેવલપમેન્ટ કરવા અર્થે વિઝન પ્લાન ઓફ વોટર બોડીસની કામગીરી તજજ્ઞોને સોંપવામાં આવી છે. જેમાં દાતાર તળાવ, નરસિંહ મહેતા તળાવ અને વિલિન્ગડન ડેમનો સમાવેશ થાય છે. વિલિન્ગડન ડેમનો રૂ.૧૮ કરોડનો ડ્રાફટ પ્લાન તૈયાર કરાયો છે. જેને ટૂંક સમયમાં આખરી ઓપ ઓપ અપાશે. તેમ જૂનાગઢ મહાનગરપાલિકાના વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઇજનેરશ્રી અલ્પેશ ચાવડાએ જણાવ્યુ હતું. ..

વાઘેશ્વરી તળાવના ડેવલપમેન્ટ માટે એસ્ટીમેશન અંદાજીત રૂ.૧૫ કરોડ છે. તળાવને અમૃત ૨.૦ના સ્વેપ -૨ના પ્લાનમાં સ્ટેટ વોટર એકશન પ્લાન પસંદગી કરવામાં આવી છે. હાલ સર્વે ડીપીઆરની કામગીરી પ્રગતિમાં છે. જે પૂર્ણ થયે અમૃત સરોવર સ્કીમ હેઠળ ફંડ ફાળવ્યાથી ટેંડરિંગની પ્રક્રિયા હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...