પાડાના વાંકે પખાલીને ડામ:જુનાગઢના લોકોમાં ચર્ચા કે, બીયુ સર્ટિફિકેટમાં તોડ ન થાય તો બિલ્ડીંગ સીલ?!!, શાસકોનું ભેદી મૌન

જૂનાગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
જુનાગઢ મહાનગરપાલિકા- ફાઇલ તસવીર - Divya Bhaskar
જુનાગઢ મહાનગરપાલિકા- ફાઇલ તસવીર
  • બાંધકામ મંજૂરી આપ્યા બાદ તે મુજબનું કામ થયું છે કે નહિ તે ચેક ન કરનાર મનાપાના અધિકારી હવે સિલ મારવા નિકળ્યા છે
  • બિલ્ડર અને મનપાની મિલીભગતનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે,

વર્ષો સુધી કુંભકર્ણી નિંદ્રામાં પોઢલું મહાનગરપાલિકાનું તંત્ર હવે રાતોરાત જાગી બીયુ સર્ટિ મામલે ધોકો પછાડી રહ્યું છે.અનેક બિલ્ડીંગોને સિલ મારી રોફ જમાવી રહ્યું છે. જોકે, લોકોમાં થતી ચર્ચા મુજબ તોડ ન થાય તો બિલ્ડીંગ સિલ કરી દેવાય છે! બાકી બધું ધમધોકાર ચાલે છે.

સૌથી વધુ મહત્વની વાત એ છે કે બીયુ સર્ટિ મામલે બિલ્ડીંગ સિલ થવાની કાર્યવાહી એ પાડાના વાંકે પખાલીને ડામ જેવી છે. કારણ કે, નિયમ મુજબ બાંધકામ થયું કે નહિ તે જોવાની જવાબદારી મનાપાના અધિકારીની છે. બીયુ સર્ટિ ઇશ્યુ કરવાની જવાબદારી મહાનગરપાલિકાની છે. જો કોઇ બિલ્ડીંગને મહાનગરપાલિકાએ બીયુ સર્ટિ ઇશ્યુ કર્યું ન હોય તો તેને વપરાશ કરવાની છૂટ કઇ રીતે મળે છે? કોઇ બાંધકામ કાલે બન્યું હોય અને આજે ઉપયોગમાં આવ્યું હોય તો મહાનગરપાલિકા અંધારામાં રહ્યું હોય તેમ માની શકાય. પરંતુ જે બિલ્ડીંગો વર્ષોથી ઉપયોગમાં છે ત્યાં કોઇ દી નહી અને છેક હવે બીયુ સર્ટિ મામલે કડક કાર્યવાહી કરવી તે જણાવે છે કે દાળમાં કંઇક કાળું છે.

હાલ તો સોશ્યલ મિડીયામાં પણ જોરશોરથી ચર્ચા ચાલી રહી છે કે બીયુ સર્ટિ એટલે તોડ ન થાય તો બિલ્ડીંગ સિલ મારવાની કાર્યવાહી! આ ઉપરાંત ખાસ કરીને બીયુ સર્ટિના મામલામાં ખરેખર જવાબદાર મહાનગરપાલિકાના અધિકારી અને બાંધકામ કરનાર જે તે બિલ્ડર છે. બન્નેની મિલીભગતનો શિકાર નિર્દોષ લોકો બની રહ્યા છે.

જ્યારે સૌથી વધુ મહત્વની બાબત એ છે કે,શાસકો આ મામલે ભેદી મૌન સેવી રહ્યા છે. શહેરના અનેક બાંધકામો છે ત્યાં બીયુ સર્ટિ માંગવા જવાની હિંમત નથી. ત્યારે માત્રને માત્ર પોતાની કામગીરી બતાવવા અને તોડ કરવા નાના લોકોને હેરાન કરવાની વૃત્તિથી શહેરીજનોમાં ભારે રોષ જોવા મળે છે.

કેટલી સરકારી કચેરી, કોર્પોરેટરના બાંધકામોમાં બીયુ સર્ટિ છે?
શહેરમાં કેટલી સરકારી કચેરીઓ તેમજ કોર્પોરેટરના બાંધકામમાં બીયુ સર્ટિ છે અને કેટલામાં નથી તેની પણ વિગતો જાહેર કરવી જોઇએ અને જો બીયુ સર્ટિ ન હોય તો ત્યાં પણ સિલ મારવાની હિંમત કોર્પોરેશને દાખવવી જોઇએ.

કાયદાની અમલવારી કરવી હોય તો 260(2)માં કરે
હાલ મહાનગરપાલિકા તંત્ર દ્વારા એવું કહેવાઇ રહ્યું છે કે કોર્ટનો આદેશ છે કે બીયુ સર્ટિ ન હોય તો બાંધકામ સિલ કરવું. બરોબર છે, પરંતુ કોર્ટે તો એમ પણ કહ્યું છે કે, 260(2)ની નોટીસ આપી હોય તેવા બાંધકામ દૂર કરવા. ત્યાં કેમ કોર્ટના આદેશનું પાલન નથી થતું? શહેરમાં સંખ્યાબંધ ગેરકાયદેસર બાંધકામો છે તેની સામે કેમ કોઇ કાર્યવાહી થતી નથી? - કિરીટ સંઘવી, સિનીયર એડવોકેટ.

આકારણી વખતે કેમ ધ્યાને નથી આવતું?
દરેક બાંધકામની સમયાંતરે આકારણી થાય છે. જો ફેરફાર હોય તો હાઉસ ટેક્ષ વધારી દેવાય છે ત્યારે ધ્યાને નથી આવતું? વર્ષો સુધી બિલ્ડીંગનો હાઉસ ટેક્ષ ઉઘરાવો છો, મિલ્કતનું વેંચાણ થાય ત્યારે ટ્રાન્સફર કરી ફી વસુલી લીધી ત્યારે બીયુ સર્ટિ યાદ નથી આવતું?

બીયુની જેમ આરયુ સર્ટિ યોજના અમલમાં લાવો
તોડની નિતી માટે હાલ મનપાના અધિકારીએ બીયુ સર્ટિની બબાલ ઉભી કરી છે. ત્યારે કોર્પોરેશન દ્વારા બનેલા રોડ પણ વાહન ચલાવવા માટે લાયક છે કે નહિ તે અંગેનું આરયુ સર્ટિ(રોડ યુટિલીટી સર્ટિફિકેટ)ની યોજના પણ અમલમાં લાવવા માટે પ્રજાએ જાગૃત થવું જોઇએ. રોડ વાહન ચલાવવા યોગ્ય હોય તેનું આરયુ સર્ટિ મળે તે પછી જ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરવું જોઇએ. જે બિલ્ડીંગ 15 કે 20 વર્ષથી ઉભું છે તેને હવે બીયુ સર્ટિના મામલે ડરાવી સિલ મારી દેવાનું કેટલે અંશે વ્યાજબી છે? આ ભ્રષ્ટાચારના ભોરીંગ સામે જાગવાનો સમય પાકી ગયો છે.- અમૃતભાઇ દેસાઇ,બીજેપી પૂર્વ નગર સેવક.

કોર્પોરેશન - બિલ્ડર આ રીતે જવાબદાર છે?
શહેરમાં એવા અનેક બિલ્ડીંગો છે જેનું બિલ્ડરે બીયુ સર્ટિ વિના વેંચાણ કરી દીધું છે પરિણામે દુકાન, મકાન લેનાર હેરાન થાય છે.આમાં કોર્પોરેશન અને બિલ્ડર જવાબદાર છે.કોર્પોરેશનના અધિકારીની ફરજ છે કે બાંધકામની મંજૂરી આપ્યા બાદ 1 વર્ષમાં કામ પુરૂં થવું જોઇએ. અધિકારીએ તપાસ કરવી જોઇએ કે 1 વર્ષમાં બાંધકામ થયું છે કે નહિ? કેટલું થયું છે, કેવું થયું છે. સમય મર્યાદામાં બાંધકામ ન થયુું હોય સમય મર્યાદા વધારવા અરજી આવી છે કે નહિ? ત્યાર બાદ બીયુ સર્ટિ મંગાયું છેકે નહિ?જો ન મંગાયું હોય તો તુરત જ ઉપયોગમાં આવતું અટકાવવું જોઇએ. ત્યારે આવી બેદરકારી દાખવનાર અધિકારી સામે કેમ પગલાં નહિ? જયારે બિલ્ડરની ફરજ છે કે, નિયમ મુજબ બાંધકામ કરે અને બીયુ સર્ટિ મેળવે. પરંતુ મહાનગરપાલિકાના અધિકારી ચેક કરતા નથી અને બિલ્ડર બાંધકામ પૂરી કરી પધરાવી દે છે. આમ, બન્નેની મિલીભગતમાં નિર્દોષ લોકો ફસાઇ જાય છે.

કમિશ્નર, ટીપીઓનું સૂચક મૌન
બીયુની બબાલ બાદ કમિશ્નર અને ટીપીઓએ સૂચક મૌન સેવી લીધું છે. શહેરમાં કેટલા બિલ્ડીંગો છે, કેટલામાં બીયુ સર્ટિ છે, કેટલામાં નથી, તમામ કોર્પોરેટરોના તેમજ સરકારી કચેરીના બાંધકામોમાં બીયુ સર્ટિ છે કે નહિ? મનપાના હસ્તકના બાંધકામ વાળા સંવાદ કોમ્પ્લેક્સમાં બીયુ સર્ટિ છે કે નહિ? આ તમામ અણિયારા પ્રશ્નેે કમિશ્નર રાજેશ તન્ના અને ટીપીઓએ સૂચક મૌન સેવી જવાબ ન દેવાનું ઉચિત માન્યું હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે ટીપીઓ રાઠોડ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતા પણ વધુ બીજી હોય તેમ 3 દિવસથી કોન્ટેક કરવા છત્તાં બીયુ સર્ટિ મામલે કરેલી કામગીરીની વિગતો આપવામાં સંતાકૂકડીની રમત રમે છે. ફોન ઉપાડતા નથી અને મોબાઇલમાં ઓનલાઇન રહેલા ટીપીઓ મોબાઇલમાં વિગતો માંગતા કંઇક છૂપાવવા માંગતા હોય તેમ મેસેજ જોયા પછી તુરત ઓન લાઇનમાંથી ઓફ લાઇન થઇ જાય છે.

અન્ય સમાચારો પણ છે...