તૈયારી શરૂ:સંસદમાં ખાનગીકરણનો ખરડો પસાર થશે સાથે જ બેંકો હડતાળ પાડશે

જૂનાગઢ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેંકોના ખાનગીકરણના વિરોધમાં લડત માટે તૈયારી શરૂ

સરકાર શિયાળુ સત્રમાં બેંક ખાનગીકરણનો ખરડો લાવવાની તૈયારી કરી રહી છે ત્યારે બેંકોના ખાનગીકરણના વિરોધમાં લાંબી લડત માટે બેંક કર્મીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરાઇ છે. આ અંગે ગુજરાત બેંક વર્કસ યુનીયનના મહામંત્રી કે.પી. અંતાણીએ જણાવ્યું છેકે, જે દિવસે બેંક ખાનગીકરણનો ખરડો સંસદમાં રજૂ થશે તેની સાથે જ બેંક કર્મચારીઓ વિજળીક હડતાળ પાડી લાંબી લડત માટે મેદાનમાં ઉતરશે. બેંકોના ખાનગીકરણથી ગ્રાહકોને જ વધુ નુકસાન થવાનું છે. કારણકે, ખાનગીકરણ થયા બાદ બેંક ચાર્જમાં તોતીંગ વધારો થશે.

પરિણામે સામાન્ય અને ગરીબ પરિવારના લોકો માટે બેંકના દરવાજા બંધ થઇ જશે. બેંકો દર વર્ષે એક લાખ નવી ભરતી કરે છે. તે બંધ થઇ જતાં બેરોજગારી વધશે. દરમિયાન સરકારે અત્યાર સુધીમાં મોટાભાગના ઉદ્યોગ ગૃહોને કે જેમણે બેંક ધીરાણ ચૂકતે કરેલ નથી તેમને 70થી 95 ટકા સુધીની રકમની ધીરાણની ચૂકવણીમાં રાહત આપી છે. ત્યારે બેંકના ધીરાણ પુરા ભરેલ નથી તેવા ઉદ્યોગ ગૃહોને બેંકનો કારોબાર સોંપવો તે બીલાડીને દૂધના રખોપા સોંપવા જેવી વાત છે. આ માટે બેંક કર્મચારીઓ અત્યાર સુધીમાં 40 હડતાળ પાડી છે. હજુ 29 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી રાજ્યમાં ધરણા કરી ખાનગીકરણનો વિરોધ કરાશે.

અન્ય સમાચારો પણ છે...