તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામું:જૂનાગઢમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ; ઉલ્લંઘન કરનાર સામે જાહેર ન્યુસન્સ કરવા અંગે કાર્યવાહી હાથ ધરાશે

જૂનાગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • શહેરના નદી, તળાવ, વોંકળા, ખુલ્લા મેદાનો, રસ્તા પર જમા થતો પ્લાસ્ટિકનો કચરો પડકાર રૂપ, સળગાવ્યા બાદ વધતું પ્રદૂષણ

જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નર રાજેશ તન્નાએ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ અંગે તેમણે જાહેરનામું બહાર પાડ્યું છે. ખાસ કરીને જૂનાગઢ શહેરમાં નદી, તળાવ, વોકળા, ખુલ્લા મેદાનો, સ્તાઓ ઉપર ચોક્કસ પ્રકારના પ્લાસ્ટિકનો કચરો પડકારરૂપ બન્યો છે. લોકો ઝાડ,પાન કે વનસ્પતિના સૂકા ભીના કચરા સાથે આ પ્લાસ્ટિકને પણ સળગાવી રહ્યા છે પરિણામે હવામાં પ્રદૂષણ ફેલાઇ રહ્યું છે.

ત્યારે પ્લાસ્ટિકના અમર્યાદિત ઉપયોગથી અનેક સમસ્યાઓનું નિર્માણ થતું હોય આ સમસ્યાના નિકાલ માટે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવી દેતું જાહેરનામું બહાર પાડી દેવાયું છે. જો આ જાહેરનામાનો ઉલ્લંઘન થશે તો આવા લોકો સામે પ્લાસ્ટિક બાયોલોઝની જોગવાઇઓ હેઠળ જાહેર ન્યુસન્સ કરવા બદલ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ખાસ કરીને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022 સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત કરવાની સૂચના અપાઇ છે તે મુજબ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સિંગલ પ્લાસ્ટિકના વપરાશથી થતી મુશ્કેલી
પ્લાસ્ટિકનો નાશ થઇ શક્તો નથી, પ્લાસ્ટિકની અસર થયા બાદ પર્યાવરણને મૂળ સ્થિતીમાં લાવી શકાતું નથી, જમીન સપાટી પરના જળસ્ત્રોતમાં પ્રકાર તેમજ હવાની અવર જવરમાં અવરોધરરૂપ બને છે, મનપાના ગટર, વરસાદી નાળામાં વહેતા પાણીને રોકી લે છે, તેને બાળવાથી હવા પ્રદૂષિત થાય છે, હવામાં દુર્ગન્ધ ફેલાય છે, પ્લાસ્ટિક સળગવાથી નીકળતા ડાયોક્સિન અને ફ્યુરોન વાયુ હવામાં ભળતા વાયુ પ્રદૂષણના કારણે લોકોના સ્વાસ્થ્યને હાનિ કરે છે, રંગીન પ્લાસ્ટિકની થેલીમાં અપાતા ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્યને નુકસાન કરે છે, ખેતી કામમાં અવરોધ કરવા સાથે ભૂગર્ભ જળના સ્ત્રોતોને નવ પલ્લવિત કરવામાં અડચણરૂપ બને છે, ખાદ્ય પદાર્થ વાળી પ્લાસ્ટિકની બેગ આરોગવાથી ગાય સહિતના પશુના મોત થાય છે.

જાહેરનામું બહાર પડ્યું, અમલવારી કેવી રહેશે?
અગાઉ પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો હતો. જ્યારે જાહેરનામું બહાર પડે ત્યારે થોડો સમય કામગીરી થાય છે બાદમાં સ્થિતી જૈસે થે રહે છે. ત્યારેઆ વખતે જાહેરનામાની અમલવારી કેવી થાય છે તે જોવું રહ્યું.

કોને પ્રતિબંધનું પાલન કરવાનું રહેશે?
જૂનાગઢની તમામ સરકારી કચેરીઓ, સરકારી કાર્યક્રમો, તમામ સહકારી તેમજ ખાનગી સંસ્થાઓ, તમામા કોમર્શિયલ એરીયા, સામાજિક પ્રવૃત્તિઓમાં, કેટરીંગ સર્વિસ તેમજ તમામ વોર્ડમાં આવેલ જાહેરજગ્યાએ સિંગલ પ્લાસ્ટિકના વપરાશ પર મૂકાયેલા પ્રતિબંધનું પાલન કરવાનું રહેશે.

કેટરીંગ, નાસ્તાના ધંધાર્થી માટે વિકલ્પ શું?
ખાસ કરીને નાસ્તાના વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીઓ થર્મોકોલની ડિશ, વાટકા, પ્લાસ્ટિકની ચમચી, ગ્લાસ, કપ વગેરેનો ઉપયોગ કરતા હોય છે. જ્યારે કેટરીંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ઠંડા પીણા, પાણી માટે પ્લાસ્ટિકના ગ્લાસનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે હવે તેના પર પ્રતિબંધ મૂકાયો છે તેનાથી આ ધંધાર્થીને મુશ્કેલી પડશે. ત્યારે પ્લાસ્ટિક અને થર્મોકોલનો વિકલ્પ શું રહેશે તે પણ જોવું રહ્યું.

આ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકાયો
સર્વે પ્રકારની પ્લાસ્ટિકની કેરીબેગ, પ્લાસ્ટિકના ફુલ અને ફુલદાની, ખાણીપીણીમાં વપરાતા પ્લાસ્ટિક, થર્મોકોલના થાળી, વાટકા, ચમચી, ગ્લાસ, કપ, 200એમએલ સુધીની પ્લાસ્ટિકની પાણી અને ઠંડાપીણાની બોટલો, પ્લાસ્ટિકના ઝંડા, પ્લાસ્ટિકના ફોલ્ડર્સ તેમજ પેકીંગ માટે વપરાતું પ્લાસ્ટિક, થર્મો પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.

મેન્યુફેકચર પર પ્રતિબંધ લગાડો ને
માત્ર જૂનાગઢમાં જ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવાયો છે, જ્યારે રાજકોટ, અમદાવાદ, સુરતમાં પ્રતિંબધ મૂકાયો નથી. ખાસ કરીને મેન્યુફેકચર પર પ્રતિબંધ મૂકવો જોઇએ. જો માલ હશે જ નહિ તો વેંચાશે ક્યાંથી? ગુજરાતમાં પ્લાસ્ટિક બનાવવાના 7,000 કારખાના છે ત્યાં પ્રતિબંધ નથી! જૂનાગઢમાં હાલ 17 થીવધુ વેપારી છે જે મહિને 7 થી 8 લાખનું ટર્ન ઓવર કરે છે. જોકે, હાલ તો કોરોનાના કારણે ધંધા ઠપ્પ છે. ત્યાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ કરાશે તો અમારી રોજગારીનું શું? હાલ દરેક વેપારી પાસે 4 થી 5 લાખનો માલ પડ્યો છે તેનું શું કરવું ? આ મામલે કમિશ્નરને રજૂઆત કરવામાં આવશે. > સુરેશભાઇ રાજા, પ્રમુખ પ્લાસ્ટિક એસોસિએશન.

અન્ય સમાચારો પણ છે...