એજ્યુકેશન:જૂનાગઢની બહાઉદીન વિજ્ઞાન કૉલેજ ગણિત વિષયનો વિદ્યાર્થી ગુજરાતમાં પ્રથમ

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત ગણિત મંડળ સંચાલિત પ્રોફેસર "એ.આર.રાવ" ફાઉન્ડેશન દ્વારા રાજ્ય કક્ષાએ યોજાઈ હતી સ્પર્ધા

ગુજરાત ગણિત મંડળ સંચાલિત પ્રોફેસર એ. આર. રાવ ફાઉન્ડેશન દ્વારા રાજ્ય કક્ષાની "પ્રો. એ.આર. રાવ મેથેમેટિક્સ સ્પર્ધા" તૃતીય વર્ષ બી.એસ.સી. (મેથેમેટિક્સ) ના વિદ્યાર્થીઓ માટે પ્રતિ વર્ષ યોજવામાં આવે છે. આ વર્ષે આયોજિત સ્પર્ધાના પ્રસિદ્ધ થયેલા પરિણામ મુજબ સમગ્ર ગુજરાત રાજ્યમાં બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ જૂનાગઢનો વિદ્યાર્થી હેમાણી તુષાર સતીશકુમાર પ્રથમ નંબરે આવેલ છે. સાથે આજ કોલેજના વિદ્યાર્થીઓ બુદ્ધરાણી પ્રેરણા તેમજ જેઠવા આશા આ સ્પર્ધામાં સર્ટિફિકેટ માટે લાયક થયેલ છે. અત્રે નોંધનીય છે કે ગુજરાત રાજ્યની પ્રસિદ્ધ અને અવ્વલ ગણાતી કોલેજો જેવી કે એમ. જી. સાયન્સકોલેજ - અમદાવાદ, સેન્ટ ઝેવિયર્સ કોલેજ - અમદાવાદ , પીટી સાયન્સ કોલેજ - સુરત વગેરે કોલેજોના ગણિતશાસ્ત્રના ફાઇનલ વર્ષના કુલ 255 તેજસ્વી વિદ્યાર્થીઓ પૈકી બહાઉદીન વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થી હેમાણી તુષારે પ્રથમ ક્રમ મેળવ્યો છે.

વધુ ગૌરવપ્રદ બાબત એ છે કે પ્રોફેસર એ. આર. રાવ જેઓ શતાયુ ગણિતશાસ્ત્રી તરીકે ભારતભરમાં પ્રખ્યાત હતા. તેઓ બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના ગણિતના પ્રાધ્યાપક હતા અને 33 વર્ષ પોતાના જીવનની શ્રેષ્ઠ બાજી અત્રે ગણિતશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જૂનાગઢ ખાતે પૂર્ણ કરી, ડો. વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અમદાવાદની સ્થાપના કરી હતી. અહિં ભારતની સૌપ્રથમ એવી ગણિત વિષયની લેબોરેટરી બનાવેલ છે.

આ ગણિતશાસ્ત્રીના માનમાં ગુજરાત રાજ્ય ગણિત મંડળે પ્રો. એ. આર. રાવ ફાઉન્ડેશન ની રચના કરેલ છે, જેમાં વિવિધ શૈક્ષણિક પ્રકલ્પો યોજાય છે તેમાંની એક સ્પર્ધા પ્રો. એ. આર. રાવ ગણિત સ્પર્ધા છે. જૂનાગઢ સાથે જોડાયેલી આ પ્રતિભા અને બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજમાં તેઓના શૈક્ષણિક સંસ્મરણો છે. તેમના નામની સ્પર્ધામાં બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજનો વિદ્યાર્થી ગુજરાત રાજ્યમાં પ્રથમ આવેલ છે તે ગૌરવની ઘટના છે. આ માટે કોલેજના પ્રિન્સિપાલ ડો. આર. પી. ભટ્ટ, ગણિતશાસ્ત્ર વિભાગના તમામ પ્રાધ્યાપકો અને સમગ્ર કોલેજ પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે, તેમ કોલેજના આચાર્ય ડો. આર.પી. ભટ્ટે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...