જૂના અને હઠીલા રોગમાં તત્કાલ અને ઉત્તમ સારવાર આયુર્વેદમાં ઉપલબ્ધ છે. ત્યારે આ બાબતની પ્રેકટીકલ તથા પ્રદર્શન દ્વારા માહિતી મળે તે માટે આગામી તા.12 જાન્યુઆરી- ગુરૂવારના જૂનાગઢના ભૂતનાથ મંદિર પાસેની દોમડીયા વાડીમાં સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી આયુષ મેળાનું આયોજન કરેલ છે. આ અંગે ડો. મહેશ વારાએ જણાવ્યું હતું કે, નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા આયોજીત આયુષ મેળામાં આયુર્વેદ દ્વારા થતી જૂના હઠીલા રોગોમાં પંચકર્મની ચિકીત્સાનું પ્રેકટીકલ નિદર્શન તથા પંચકર્મનો કયાં અને કેવી રીતે ઉપયોગ થાય તે બાબતની જાણકારી આપવામાં આવશે.
સાથોસાથ સાંધાના રોગ, પગની એડીના દુ:ખાવા, સાઇટીકા જેવા રોગોમાં અગ્નિકર્મ પદ્વતિથી તાત્કાલીક સારવાર અને ચામડીના જૂના રોગોમાં જળો દ્વારા સારવારને પ્રેકટીકલ તથા થિયરી દ્વારા સમજાવાનું આયોજન કરવામાં આવેલ છે. તદુપરાંત પેટના રોગ, સાંધાના રોગ,ચામડીના રોગ, શ્વાસ, એલર્જી રોગ, સ્ત્રીરોગ, બાળરોગ જેવા તમામ રોગોમાં વિનામૂલ્યે નિદાન અને સારવાર આપવામાં આવશે. કુપોષિત બાળકો અને હિમોગ્લોબીન (લોહી)ની ટકાવારી ઓછી રહેતી હોય તેવી બહેનો માટે ખાસ અલગથી ઓપીડી અને કુપોષણ સંબંધિત આયુર્વેદ દવાઓનું વિનામૂલ્યે વિતરણ પણ કરવામાં આવશે.
વડિલ સીનીયર સીટીઝનના લાભાર્થે આ કેમ્પમાં ખાસ જીરીયાટ્રીક ઓપીડી અલગથી રાખવામાં આવેલ છે. સમાજમાં આયુષ (આયુર્વેદ, યોગ, યુનાની, સિધ્ધ અને હોમિયોપથી) પ્રત્યે લોક જાગૃતિ કેળવાય અને આયુષ અંગે પ્રજાજનોને જરૂરી માહિતિ મળી રહે તે હેતુથી આ મેળાની અંદર પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે.
આયુષ મેળા દરમિયાન આરોગ્યલક્ષી વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવેલ છે જેમાં ભાગ લેનાર તમામને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવશે. આયુર્વેદ વિશે માહિતગાર થવા તથા આયુર્વેદના મહત્વને સમજાવતા આયુષ મેળાના નિદાન સારવાર કેમ્પ, પ્રદર્શન અને સ્પર્ધામાં ઉપસ્થિત રહેવા આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા તમામ જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.