ઋતુચક્ર:જમીનમાં કુદરતી કાર્બનના નિર્માણ માટે "પાનખર' ઋતુ કુદરતી વરદાન

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જંગલમાં પાનખર ઋતુજ આજે પણ કુદરતી કાર્બનને જાળવી શકી છે

આજે સમગ્ર જૂનાગઢ જિલ્લો પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રે ચર્ચાનું કારણ બન્યો છે. ગઈકાલે કૃષિ યુનિવર્સીટીના પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, જમીનમાં કુદરતી કાર્બનની માત્રામાં થયેલો અસામાન્ય ઘટાડો ચિંતાનો વિષય છે. ત્યારે આ સ્થિતિમાં માટે માત્ર આપણી વૃત્તિ જ જવાબદાર છે. નહીં તો કુદરતે ઋતુચક્રનું જે નિર્માણ કર્યું છે. તેને ચાલવા દઈએ તો આજે પણ ધરતીમાં કુદરતી કાર્બન ઘટે નહીં. ગાય આધારિત ખેતીના ક્ષેત્રે વિશ્વના નકશામાં જૂનાગઢ જિલ્લાના એક નાનકડા ગામડાને પ્રચલિત કરનાર અને આ ક્ષેત્રે જેને હાલતી ચાલતી યુનિવર્સીટી ગણવામાં આવે છે.

તેવા મહેનતુ ખેડૂત પરસોતમભાઈ સીદપરાએ આ અંગે જણાવ્યું હતું કે, માણસે કુદરતના ચક્રને ફેરવી નાખ્યા તેનું આ પરિણામ છે. નહિ તો પાનખર ઋતુ એ ધરતીમાં કુદરતી કાર્બન વધારનારી ઋતુ છે. કારણકે, વૃક્ષ ઉપરથી ખરતા પાંદડા તેની આજુબાજુમાં ખરે છે અથવા તો આજુબાજુમાં પથરાઇ જાય છે. જેનાથી જમીન ઉપર એક લહેર બને છે. જેને આચ્છાદન કહેવાય છે. જેના કારણે જમીનમાં ભેજ જળવાઇ રહે છે. કારણકે, આ લહેર ઉપર સૂર્યપ્રકાશ રોકાઇ જાય છે. અને તે જમીનમાં ભેજને બાળી શકતો નથી. પાનખર ઋતુમાં વૃક્ષને આરામ મળે એ માટે તેના તમામ પર્ણ ખરી જાય. જેથી વૃક્ષને પોતાની ઉર્જા બચાવવાનો સમય મળે.

એ ઉપરાંત ખરી ગયેલા પર્ણ જમીન ઉપર એક લહેર બનાવે છે. જેના કારણે માટીને સૂર્ય પ્રકાશથી બચાવે છે અને ભેજ જળવાઇ રહેવાના કારણે ત્યાં ફરીથી કુદરતી કાર્બનની માત્રા વધે, જીવસૃષ્ટિ ફરીથી કાર્યરત થઇ જાય છે. આ કુદરતી પ્રક્રિયા એટલી મજબૂત છે કે, તેનાથી જમીનમાં રહેતી જીવસૃષ્ટિ કે જે માત્ર વનસ્પતિ માટેજ નહીં, સમગ્ર માનવજાત માટે નવસર્જન કરતી રહે છે. માણસ સિવાય પૃથ્વી ઉપરની તમામ જીવસૃષ્ટિ કુદરતની આ પ્રક્રિયાને દર્શનના ભાવથી જુએ છે. પ્રકૃતિ જીવ માત્રને ખોરાક આપે છે. પક્ષીઓ માટે ફળ, ચણ અને તેને જોઈતા તમામ ખોરાક જેવા કે નાના કીટકો વગેરે આપે છે.

પ્રાણીઓ માટે પણ આવી જ વ્યવસ્થાઓ ગોઠવાયેલી છે. આ બધું માનવજાત માટે પણ હતું જેને આધુનિકતાના નામે બરબાદ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે જમીનમાં કુદરતી કાર્બનની માત્ર 2.5 ટકાથી ઘટીને 0.03 ટકા સુધી પહોંચી ગઈ છે.કુદરતનું સર્જન કેવું હોય તેના ઉપર એક દ્રષ્ટિ કરો તો સમજાશે કે કેવી ગોઠવણ છે આ બધી. જેમકે, જંગલમાં ઉગતા વૃક્ષ વનસ્પતિના બીજ પક્ષીઓ આરોગે, તેનું પાચન કરે પછી જ્યાં જ્યાં ચરકે ત્યાં ત્યાં આ વનસ્પતિઓ ઉગી નીકળે. પણ માણસ જાતે બધું "હાઈબ્રીડ" કર્યું તેમાં પતનની શરૂઆત થઇ જેને રોકવાની જવાબદારી પણ માણસનીજ છે.

પક્ષીની હગાર વાટે નીકળતું બીજ ખેતરના શેઢે લીમડા, પીપળા, વડ ઉગાડે
કુદરતની વ્યવસ્થા વૈજ્ઞાનિકો કરતાં પણ અદ્ભુત છે. પીપળો, વડલો અને લીમડો એક મોટા વૃક્ષ છે. તેનું વાવેતર થઇ શકતું નથી. જો તેના બધા બીજ ઉગી નીકળે તો બીજી વનસ્પતિ માટે જગ્યા ન બચે. પણ કુદરતે આ વૃક્ષના વાવેતર માટે આશ્ચર્યચકિત કરી દેનારી વ્યવસ્થા ગોઠવી છે. જેમાં આ વૃક્ષના ફળ પક્ષી ખાય પછી તેના પેટમાં થતી પ્રક્રિયાઓમાંથી બીજ પસાર થાય અને હગાર વાટે એનું રોપણ થાય ખેતરના શેઢેે. આ વૃક્ષઓ ઉગી નીકળતા એ પણ પક્ષીઓની કરામત હતી. પક્ષીઓ આવી જગ્યાઓ ઉપર જ હગાર કરે જેથી ખેતીની જમીનને રક્ષણ મળે અને ખેતરના શેઢા ઉપર વૃક્ષ લહેરાતા થાય.

અન્ય સમાચારો પણ છે...