તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રથમ દિવસે ખુશખુશાલ ચહેરે બાળકો સ્કૂલે પહોંચ્યા:શહેરમાં 64 ટકા, ગ્રામ્યમાં 70 % વિદ્યાર્થીઓની હાજરી

જૂનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાંબા સમય બાદ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓની સ્કૂલ ખૂલી
  • વાલીઓની સંમતિ જરૂરી હોઇ જૂનાગઢ જિલ્લાભરમાં 45 વાલીઓએ બાળકોને શાળાએ મોકલવા માટે સંમતિપત્ર આપ્યા

લાંબા સમય સુધી બંધ રહ્યા બાદ આખરે ધોરણ 6 થી 8ની શાળાના દ્વાર 2 સપ્ટેમ્બરથી ખુલવા પામ્યા છે. દરમિયાન પ્રથમ દિવસે ખુશખુશાલ ચહેરે બાળકો સ્કૂલે પહોંચ્યા હતા. આ અંગે ડીઇઓ આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, જૂનાગઢ સિટીમાં 64 ટકા અને ગ્રામ્યમાં 70 ટકા જેવી હાજરી જોવા મળી હતી. જ્યારે સ્કૂલે મોકલવા માટે વાલીઓના સંમતિપત્ર જરૂરી હોય માત્ર 45 ટકા વિદ્યાર્થીઓના વાલીઓએ જ પોતાના સંતાનોને સ્કૂલે મોકલવા માટે સંમતિપત્ર આપ્યા હતા. જૂનાગઢ જિલ્લામાં ધોરણ 6 થી 8ની સ્કૂલોનો 2 સપ્ટેમ્બરથી પ્રારંભ કરવામાં આવ્યો છે.

દરમિયાન સ્કૂલના પ્રારંભ સાથે કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરાવાયું હતું. વિદ્યાર્થીઓનેે માસ્ક ફરજીયાત તેમજ થર્મલ ગનથી ટેમ્પ્રેચર માપન સાથે વર્ગખંડમાં પ્રવેશ અપાયો હતો. જ્યારે વર્ગખંડમાં પણ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરાવાયું હતું. દરમિયાન સ્કૂલ શરૂ થઇ હતી પરંતુ કોરોના ગાઇડ લાઇન મુજબ સમૂહ પ્રાર્થના બોલાવાની મનાઇ હોય પ્રાર્થના સિવાય જ સીધો પ્રવેશ અપાયો હતો. જૂનાગઢ જિલ્લામાં કુલ 58,965 છાત્રો નોંધાયા છે જેમાંથી 45 ટકા છાત્રોના વાલીઓએ જ બાળકને શાળાએ મોકલવા માટે સમંતિપત્ર આપ્યા હતા.

જૂનાગઢ શહેરમાં પ્રથમ દિવસે 64 ટકા જેવી હાજરી જોવા મળી હતી જ્યારે ગ્રામ્યમાં 70 ટકા કરતા વધારે છાત્રોની હાજરી જોવા મળી હતી. દરમિયાન સ્કૂલે પહોચેલા તમામ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. કારણ કે લાંબા સમય પછી સ્કૂલે જતા અનેક મિત્રોને પણ મળવાનું થયું હતું તેમજ ટિચર સાથે પણ મળવાનું થયું હતું.

છાત્રો રાહ જોઇને બેઠા હતા
અનેક છાત્રો સ્કૂલ શરૂ થવાની રાહ જોઇને બેઠા હતા કે ક્યારે શાળા શરૂ થાય? કારણ કે, છાત્રોને ઓનલાઇન કરતા ઓફ લાઇન એટલે કે પ્રત્યક્ષ શિક્ષણમાં વધુ રસ પડતો હોય છે. પ્રત્યક્ષ શિક્ષણમાં સરસ રીતે સમજી શકાય છે. ન સમજાય તો ફરી શિક્ષકને પૂછી શકે છે.

પ્રથમ દિવસ હતો, હવે સંખ્યા વધશે
ગુરૂવારે શાળાનો પ્રથમ દિવસ હતો માટે હાજરી ઓછી હતી. હવે જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ પ્રત્યક્ષ શિક્ષણ લેનાર છાત્રોની સંખ્યામાં પણ વધારો થશે.

બાળકોને સ્કૂલે મૂકવા જવાનું મુશ્કેલ
અનેક પરિવારો એવા હતા કે જે, ખાનગી સ્કૂલ વાનમાં પોતાના બાળકોને સ્કૂલે મોકલતા હતા. હજુ ખાનગી વાન શરૂ થઇ નથી. પરિણામે અનેક વાલીઓને પોતાના બાળકોને સ્કૂલે મુકવા તેમજ લેવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

લાંબા સમય પછી વિદ્યાર્થીઓની સાયકલો દેખાઇ
અનેક વિદ્યાર્થીઓ સાઇકલ લઇને સ્કૂલે આવતા હોય છે. ત્યારે અત્યાર સુધી સ્કૂલ બંધ હોય આવા છાત્રો નજરે પડતા ન હતા. હવે સ્કૂલ શરૂ થતા વ્હેલી સવારે વિવિધ સ્કૂલ યુનિફોર્મમાં સજ્જ અનેક છાત્રો, મિત્ર સર્કલ સાથે સાઇકલ લઇને જતા નજરે પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...