તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવલેણ હુમલો:બિલખામાં જમીન વિવાદમાં સમાધાન ના કરતા વેપારીની હત્યાનો પ્રયાસ, ત્રણ શખ્સોએ ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કરી એક રાઉન્ડ ફાયરીંગ કર્યું

જૂનાગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ દુકાનમાં બેસેલ વેપારી પર હુમલો થયેલ - Divya Bhaskar
આ દુકાનમાં બેસેલ વેપારી પર હુમલો થયેલ
  • પોલીસે હુમલાખોરોનું પગેરું દબાવવા તપાસ શરૂ કરી

જૂનાગઢ જિલ્લાના બિલખામાં ગત મોડી સાંજે ખોળ કપાસીયાના વેપારી પર કાળા કલરની કારમાં આવેલા ત્રણ શખ્સોએ હુમલો કરીને કાર ચડાવી એક રાઉન્ડ ફાયરીંગ કરી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં ફાયરીંગ થયાના પગલે પોલીસ અધિકારીઓ દોડી આવી આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરીને હુમલાખોરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. વેપારીની ફરીયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢના બિલખામાં ફાટક પાસે ખોળ કપાસિયાની દુકાન ધરાવતા લક્કી ઉર્ફે ભીમ રાઠોડ નામનો યુવાન દુકાને હતો ત્યારે એક કાળા કલરની કારમાં આવેલા યુવરાજ અને શિવરાજ સહીતના ત્રણ શખ્સોએ બેઝબોલના ધોકા વડે તેના પર હુમલો કર્યો હતો અને હુમલાથી બચવા લક્કી દુકાનની બહાર નીકળીને બહાર ભાગવા લાગેલ ત્યારે તેના પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કરીને હુમલાખોરો નાસી ગયેલા હતા.

આ ઘટના મામલે બિલખામાં સરાજાહેર ફાયરીંગ થયાનો ગણગણાટ ઉઠયાની વાત પોલીસ સુધી પહોંચતા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા એસઓજીની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે આસપાસના વિસાવદર, મેંદરડા સહીતના વિસ્તારોમાં નાકાબંધી કરીને કાળા કલરની કારને પકડવા ટીમો દોડાવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં લક્કીના પિતાને નામે જમીન હતી જેમાં 30 વીઘા જમીન મામલે ડખ્ખો ચાલતો હતો જેને લઈને તેના પર હત્યાના પ્રયાસ કરાયો હોવાનું સામે આવ્યું છે.

પોલીસમાં મોડીરાત્રે લક્કી ઉર્ફે ભીમ રાઠોડએ બીલખાના જ યુવરાજ અશોકભાઇ ગોવાળીયા, શીવરાજ ઉર્ફે શીવો નાજભાઇ જેબલીયા તથા એક અજાણ્યો દાઢી વાળો માણસ સામે પોલીસે ફરીયાદ નોંધાવી છે. જેમાં જણાવેલ કે, ફરીયાદી લક્કી રાઠોડને તેના ભાઇ સાથે બાપ દાદાની જમીનનો વાંધો ચાલતો હોય જે વાંધા અંગે આરોપીઓ અવાર નવાર ધાક ધમકી આપી બળજબરીથી સમાધાન કરાવવા માંગતો હોય પરંતુ તે વાતમાં સહમત નહી થતો હોવાથી આરોપી યુવરાજએ તેના સાગરીતો સાથે ગઈકાલે મોડીસાંજે કાળા કલરની કારમાં દુકાને જઈ લક્કી અને તેના ભાઈ મીલનને ભુંડી ગાળો કાઢી મારામારી અને એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું.

આ રસ્તા પર વેપારી પર કાર ચડાવવાનો પ્રયાસ થયેલ
આ રસ્તા પર વેપારી પર કાર ચડાવવાનો પ્રયાસ થયેલ

પોલીસે ઉપરોક્ત વિગતોના આધારે યુવરાજ અશોકભાઇ ગોવાળીયા, શીવરાજ ઉર્ફે શીવો નાજભાઇ જેબલીયા તથા એક અજાણ્યો દાઢી વાળો માણસ સામે આઇપીસી કલમ-307, 325, 323, 504, 506, 114 તથા આર્મ્સ એકટ કલમ 25(1)બી.એ. 28, 29 તથા જી.પી.એ. ક. 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ બીલખા પીએસઆઈ એમ.જી.ધામીએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...