વંથલીમાં વ્યાજખોરોનો આતંક:માસિક 15 % વ્યાજ લઇ જમીન અને મકાન હડપવાનો કારસો

જૂનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયેલ વંથલીના યુવાને કરી પોલીસમાં ફરિયાદ

ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે વ્યાજખોરો અને વ્યાજખોરીને અંકુશમાં લેવા અને લોકોમાં જાગૃતિ ફેલાવવા અભિયાન શરૂ કર્યું છે. ગતરોજ વંથલી પોલીસ દ્વારા વ્યાજખોરો પર લગામ લગાવવા અને લોકોમાં જાગૃતિ ફેલાવવા શિબિરનું આયોજન કર્યું હતું. આ શિબિર પૂર્ણ થતા જ વંથલીના 44 વર્ષિય સાહીદ યુસુફ ભાઈ પટેલે વંથલી પોલીસમાં પોતાની આપવીતી જણાવતા વંથલી પોલીસે 5 આરોપી વિરુદ્ધ આઈ.પી.સી. ની કલમ 386, 506(2),114 તેમજ ગુજરાત નાણા ધિરધાર કરનારા બાબત અધિનિયમની કલમ 5, 33, 40, 42(એ),42(ડી) મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

વિગત એવી છે કે વંથલીમાં પોતાના પરિવાર સાથે વસવાટ કરતા અને સેલ્સમેનનો ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા સાહીદભાઈએ કેશોદના લખન ચાવડા તેમજ કામિલ જેઠવા પાસેથી રૂા.1,60,000 વ્યાજે લીધા હતા જેનું 15 ટકા માસિક જેટલું ઊંચું વ્યાજ પેટે રૂા. 22,500 તેમજ મૂળ રકમની બળજબરી પૂર્વક માંગણી કરી ફરિયાદી પાસેથી સહીવાળા કોરા 6 ચેક તેમજ એક 32,000નો ચેક લખાવી લીધેલ હતો. તેમજ આ ફરિયાદીએ જૂનાગઢના મેહુરભાઇ ગોગનભાઈ પાસેથી માસિક 10 ટકા લેખે રૂા. 2.5 લાખ લીધેલ જેનું 25,000 માસિક વ્યાજ વસુલાતું હતું.

તેમજ જૂનાગઢનાં ભરત ખેતાણી અને વંથલીના પ્રકાશ ટાંક પાસેથી રૂા. 2 લાખ વ્યાજે લીધેલ હતા જેનું આ બંને વ્યાજખોરો દ્વારા 10 ટકા વ્યાજ લેખે રૂા.20,000 વસુલતા હતા. આમ વ્યાજનાં ચક્રવ્યૂહમાં ફસાયેલ સાહિદે વંથલી પોલીસમાં આ 5 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ લખાવી હતી. ત્યારે આ કિસ્સો સામાન્ય પ્રજા માટે લાલબત્તી સમાન બની ગયો છે.

શું છે કાયદામાં જોગવાઇ?
ગુજરાત સરકારે 2011 માં પસાર કરાયેલ મૂળ કાયદાની કલમ 21 પ્રમાણે નાણા ધિરધાર કરનારે એકદમ યોગ્ય રીતે અને રોજેરોજની વિગતો સાથે હિસાબ રાખવા ફરજીયાત હતા. કેશબુક, લેજર, ગીરવે મુકેલી વસ્તુઓ કે સંપતિની વિગતો તથા ઉછીના નાણા લેનાર લોકોનું રજીસ્ટર રાખવું ફરજીયાત બનાવાયા હતા. કલમ 22 મુજબ ધિરધાર કરનારે વ્યાજ સહીત ચૂકવાયેલી તથા બાકી રહેલી રકમની વિગતો વર્ષ પૂર્ણ થયે તેના 30 દિવસની અંદર નાણા વ્યાજે લેનારને આપવી ફરજીયાત હતી.

આ કાયદાની કલમ 43 મુજબ આ જોગવાઈઓનું પાલન નહિ કરવા બદલ એક વર્ષ સુધીની જેલની સજા તેમજ 10 હજાર રૂપિયા સુધીની દંડની પણ જોગવાઈ હતી. આવા સુધારા પછી પણ ગેરકાયદેસર નાણા ધીરતા "વ્યાજખોરો" નિરંકુશ રહેતા ગુજરાત સરકારે મનીલેન્ડર્સ એક્ટને વધુ કડક બનાવવાની દિશામાં કવાયત હાથ ધરી છે.

આર્થિક રીતે ભીસાયેલાને શિકાર બનાવે છે
વ્યાજખોરો આર્થિક રીતે ભીંસાયેલા લોકોને શોધી પોતાની ચંગુલમાં ફસાવે છે. ઊંચા વ્યાજદરે પૈસા આપી વ્યાજના પૈસા ભરવામાં મોડું થાય તો પ્રતિદિન 500 થી 1,500 સુધી પેનલ્ટી વસુલવામાં આવે છે. આમ, આર્થિક ભીંસમાં આવેલા વ્યક્તિ પાસેથી વધુને વધુ પૈસા પડાવી વ્યાજખોરો વધુને વધુ મજબુત થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...