સોમનાથ સાંનિઘ્યે પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટની નદીમાં અસ્થિ અને પિંડદાન વિસર્જન સહિતની સામગ્રી પઘરાવવા પર પ્રતિબંધ ફરમવાતા અમલમાં આવેલ જાહેરનામાનો વિવાદ વધુ વકર્યો છે. જાહેરનામાની કડક અમલવારીના વિરોઘ અને માંગણી ન સંતોષાતા આજે સવારથી તીર્થ પુરોહિતો પરિવાર સાથે ત્રિવેણી સંગમ ઘાટ પર ઉપવાસ આંદોલન પર બેસી ગયા છે.
આજે તીર્થ પુરોહિતોની ઉપવાસ છાવણીની હિન્દુ સમાજના અનેક આગેવાનોએ મુલાકાત લીઘી હતી. આ મામલે વહીવટી તંત્ર હરકતમાં આવ્યુ હોય તેમ તીર્થ પુરોહિતોની આસ્થા જળવાઇ રહે અને પવિત્ર ત્રિવેણી નદી પ્રદૂષિત પણ ન થાય તેવો રસ્તો કાઢી વિવાદનો સકારાત્મક ઉકેલ લાવવા કવાયત હાથ ઘરી હોવાનું કલેકટરએ જણાવેલ છે. હવે આ વિવાદ કયારે શાંત થશે તે જોવું રહેશે.
પ્રભાસ તીર્થમાં મોક્ષની ભૂમિ તરીકે પ્રખ્યાત એવા હિરણ, કપીલા અને સરસ્વતી એમ ત્રણ નદીઓના સંગમ સ્થળ એવા પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટની નદીમાં આદિ અનાદિ કાળથી અસ્થિ વિસર્જન અને પિંડદાન કે પુષ્પો પધરાવવામાં આવી રહેલ છે. દરમ્યાન તાજેતરમાં એકાએક વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિઘ્ઘ કરી પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટની નદીમાં ફુલ, પુષ્પો, પૂજાપો, નાળીયેર, કપડા કે અસ્થિઓનું વિર્સજન કરવા પર પ્રતિબંઘ મુકી લોકોની આસ્થા જળવાઇ રહે તે માટે ઘાટ પર કુંડ મુકવામાં આવેલ છે. જેમાં લોકો અસ્થિ સહિતની પૂજા સામગ્રીનું વિર્સજન કરે તેવી તંત્રએ અપીલ છે. આવી સુચના દર્શાવતા સાઇન બોર્ડ ઘાટ પર અનેક જગ્યાએ લગાડવામાં આવેલ છે. આ જાહેરનામાની ગઇકાલથી તંત્રએ અમલવારી કરાવતા સ્થાનિક તીર્થ પુરોહિત એવા સોમપુરા બ્રહ્મ સમાજમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો હતો.
ગઈકાલે આ મુદે સોમનાથ ટ્રસ્ટની સિક્યુરિટી અને તીર્થ પુરોહિતો વચ્ચે ચકમક પણ થઈ હતી. બાદમાં તીર્થ પુરોહિતો દ્વારા જિલ્લા કલેકટરને રોષ ભેર આવેદનપત્ર પાઠવી પ્રતિબંધાત્મક જાહેરનામું પરત ખેંચવા રજુઆત કરી હતી, પરંતુ કોઈ યોગ્ય ઉકેલ ન આવતા આજે સવારથી તીર્થ પુરોહિતો સહપરિવારજનો સાથે ત્રિવેણી સંગમ ઘાટ પર છાવણી ઉભી કરી ઉપવાસ પર બેસી ગયા છે. જેના પગલે તંત્રમાં દોડધામ મચી છે.ત્રિવેણી ઘાટ પર શરૂ થયેલ તીર્થ પુરોહિતોના ઉપવાસ આંદોલન છાવણીની સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર, પાલીકા પ્રમુખ પીયુષ ફોંફડી, સહિત હિન્દુ સમાજના અનેક આગેવાનોએ મુલાકાત લઇ વિવાદનો ઝડપી ઉકેલ લાવવા તંત્રને અપીલ કરી હતી.
આજે ઉકેલ નહીં આવે તો રાજયભરમાં આંદોલન થશે : સોમપુરા બ્રહ્મ સમાજ
આ મામલે સોમપુરા બ્રહમ સમાજના પ્રમુખ દુષ્યંત ભટ્ટએ જણાવેલ કે, જાહેરનામાના પ્રતિબંઘથી ત્રિવેણી ઘાટ પર હજારો વર્ષથી ચાલતી પરંપરા અટકાવવાથી તીર્થ પુરોહિતોની આજીવિકાનો પ્રશ્ન ઉભો થયો છે. ત્યારે અમારા માટે અસ્તિત્વનો સવાલ હોવાથી ઉગ્ર આંદોલન પર તીર્થ પુરોહિતનો પરીવારજનો સાથે બેસવુ પડયુ છે. જો અમારી માંગણી મુજબ આજના દિવસમાં આ વિવાદનો તંત્ર ઉકેલ નહીં લાવે તો આંદોલનને વઘુ ઉગ્ર બનાવવાની ફરજ પડશે. રાજયના તમામ તીર્થક્ષેત્રોના બ્રહમ સમાજના લોકો આવા જલદ આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે.
આસ્થા જળવાઈ અને નદી પ્રદૂષિત ના થાય તેવો ઉકેલ લાવવા તંત્ર સક્રિય- કલેકટર
જિલ્લા કલેકટર આર.જી.ગોહિલએ જણાવેલ કે, પવિત્ર ત્રિવેણી સંગમ નદીનું પાણી ખૂબ પ્રદૂષિત થઇ ગયુ છે. જેના કારણે નદી વઘુ પ્રદૂષિત ન થાય તે માટે આવશ્યકતા જણાઇ હોવાથી જાહેરનામુ પ્રસિઘ્ઘ કરવું પડયુ છે. જેમાં ત્રિવેણી ઘાટની નદીમાં અસ્થિ વિર્સજન, પીંડદાન સહિતની સામગ્રી પઘરાવવા પર પ્રતિબંઘ ફરમાવવામાં આવ્યો છે. જયારે ઘાટ પર પૂજાપાઢ કે વિઘિ કરવા બાબતે કોઇ પ્રતિબંઘ નથી તેવી સ્પષ્ટતા કરી હતી. પર્યાવરણ બચાવવાની અને કુદરતી સ્ત્રોતો બગડી નષ્ટ ન થાય તેનું ઘ્યાન રાખવી લોકોની જવાબદારી નિભાવવી પડે છે. ભુદેવો દ્રારા અમુક છુટછાટ માંગવામાં આવી છે. આ ઘાર્મિક આસ્થાનો વિષય હોવાથી લોકોની આસ્થાને અસર ન થાય અને પૂજારીઓની આજીવિકાને અસર ન થાય તે રીતે વિક્ષેપ વગર આસ્થાભેર ઘાર્મિક પૂજાવિઘિમાં કોઇ અસંતોષ ન રહે તે પ્રકારે ઉકેલ લાવવાની દિશામાં તંત્ર ચર્ચા-વિચારણ કરી રહયુ છે. લોકો અને ભુદેવોની ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા આ વિવાદનો સુખદ અંત લાવવા તંત્ર કટિબઘ્ઘ હોવાનું અંતમાં જણાવેલ હતુ.
અત્રે નોંઘનીય છે કે, સોમનાથ ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા મુજબ પવિત્ર ત્રિવેણી સંગમની નદીમાં પ્રદૂષણનું પ્રમાણ ખૂબ વધી ગયેલ હોવાથી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા ત્રિવેણી નદીને સ્વચ્છ રાખવા અને પ્રદૂષણને અટકાવવા તાકીદ કરી હોવાથી ત્રિવેણી નદીમાં અસ્થિ અને પિંડદાન વિસર્જન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે હાલ આ વિવાદનો કયારે અને કેવો અંત આવશે તે તરફ સહુની મીટ મંડાયેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.