સોમનાથ મંદિરે મધરાતે સર્જાશે અલૌકિક ઘટના:આજે રાત્રે 12 વાગ્યે ભગવાન શિવ મસ્તક પર ચંદ્રને ધારણ કરશે, મંદિરની ધ્વજા પાસે ચંદ્ર દેવ બિરાજ્યા હોય તેવું દૃશ્ય જોવા મળશે

વેરાવળ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાર્તિકી પૂર્ણિમાની ફાઇલ તસ્વીર - Divya Bhaskar
કાર્તિકી પૂર્ણિમાની ફાઇલ તસ્વીર
  • આ અલોકિક ઘટનાના દર્શન કરવા દુર દુરથી ભાવિકો સોમનાથ મંદિરે આવે છે
  • કાર્તીકી પૂર્ણિમાના દિવસે મંદિરમાં નિત્‍યક્રમ મુજબ વિશેષ પૂજા-અર્ચના અને મહાઆરતી થશે

આજે કાર્તીકી પૂર્ણિમાના દિવસે સોમનાથ મંદિરમાં નિત્‍યક્રમ મુજબ મધ્યરાત્રીએ વિશેષ પૂજા-અર્ચના અને મહાઆરતી થશે. આ મહાપુજાના સમયે મધ્યરાત્રીએ 12 વાગ્યે સોમનાથ મંદિરના શિખર પર સાક્ષાત ચંદ્ર દેવ બિરાજમાન થશે તેવી ખગોળીય દ્રષ્ટીએ અલોકિક ઘટના સર્જાશે. જેના દર્શન કરવા દુર દુરથી ભાવિકો સોમનાથ મંદિરએ પહોંચે છે.

આજે સોમનાથ મંદિરએ થતી વિશેષ પૂજા અર્ચના અને મહાત્મ્ય વિષે સોમનાથ ટ્રસ્ટના અધિકારી વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, પ્રભાસક્ષેત્રમાં કાર્તિકી પૂર્ણિમાનુ વિશેષ માહાત્મ્ય રહેલું છે. કારણ કે, કાર્તીકી પૂર્ણિમાની મધ્યરાત્રીએ ભગવાન શિવ ચંદ્રને મસ્તક પર ધારણ કરે છે. શિવ, ચંદ્રશેખર અને સોમેશ્વર નામથી પૂજાય એ દિવસ પણ કાર્તિકી પૂર્ણિમાનો હોવાથી ધાર્મિક દ્રષ્ટીએ તેનું મહાત્મય છે.

દર વર્ષે કાર્તીકી પૂર્ણિમાની મધ્યરાત્રીના 12 વાગ્યે સોમનાથ મંદિરના શિખર પર ચંદ્ર પોતે સ્થાન લે છે, તેનો અલોકીક નજારો નિહાળવા મોટીસંખ્યામાં ભાવિકો સોમનાથ મંદિરએ આવે છે. આ દિવસે મધ્યરાત્રીએ સોમનાથ મહાદેવને મહાઆરતી પણ કરવામાં આવે છે. જેનો લ્હાવો લેવા દર વર્ષે અનેક ભક્તો આવે છે. જે મુજબ આજે રાત્રીના 10:45 વાગ્યે મહાપુજન અને 12 વાગ્યે મહાઆરતી કરવામાં આવશે. સોમનાથ મંદિર રાત્રીના 1 વાગ્યા સુધી ભાવિકો દર્શન કરી શકે તે માટે ખુલ્લુ રહેશે.

નોંધનીય છે કે, સોમનાથ સાંનિધ્યે કાર્તીકી પૂર્ણ‍િમાનું અનેરૂ મહાત્‍મય છે. છેલ્‍લા સાત દાયકાથી દર વર્ષે દેવદિવાળીના પર્વે બાદ કાર્તીકી પૂર્ણીમાના દિવસ સુઘી સોમનાથ સાંનિધ્યે પાંચ દિવસીય લોકમેળાનું મંદિર ટ્રસ્‍ટ દ્રારા આયોજન કરાય છે.

ગત વર્ષે કોરોના મહામારીને કારણે મેળાનું આયોજન રદ્દ કરાયુ હતુ. બાદમાં હાલ દેવદિવાળી પર્વ નજીક આવી રહ્યુ હોવાથી ચાલુ વર્ષે પ્રખ્‍યાત કાર્તીકી પૂર્ણ‍િમાના મેળાનું આયોજન થશે કે કેમ તે અંગે લોકો અને વેપારીઓ ઉત્‍સસુકતાથી જાણવા માંગતા હતા. દરમિયાન આજે સોમનાથ ટ્રસ્‍ટે ચાલુ વર્ષે સરકારની મેળા યોજવાની કોઇ ગાઇડલાઇન ન હોવાથી અને સોમનાથના મેળામાં લાખોની સંખ્‍યામાં લોકો ઉમટતા હોવાથી લોકોની સુખાકારીને ધ્યાને રાખી ચાલુ વર્ષે કાર્તીકી પૂર્ણીમાના મેળાનું આયોજન ન કરવાનો નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...