વન અને પર્યાવરણ વિભાગની સંસદીય સ્થાયી સમિતિની ગીરની મુલાકાત દરમિયાન ચોક્કસ તારણ સામે આવ્યા છે જેમાં ગીરમાં સિંહને રહેઠાણ ઓછું પડી રહ્યું છે અને માલધારીઓએ જમીનની માંગણી કરી બહાર વસવાટ કરવા કમિટી સમક્ષ રજૂઆત કરી છે.
વન અને પર્યાવરણ વિભાગની સંસદીય સ્થાયી સમિતિ આજે જયરામ રમેશની અધ્યક્ષતામાં ગીર પંથકની મુલાકાતે આવી પહોંચી હતી. વહેલી સવારથી ગીર જંગલમાં મુલાકાત લઈ વિવિધ મુદ્દે અભ્યાસ કર્યો હતો. જેમાં સિંહો માટે રહેઠાણ ટૂંકુ પડી રહ્યું છે અને વધુ સેન્ચ્યુરીની તાતી જરૂરિયાત હોવાનું કમિટી સરકારના કારણમાં સામે આવ્યું છે અને આ અંગે સંસદીય સમિતિ સરકાર તાત્કાલિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધન અને સલામતી માટે વધુ સેન્ચ્યુરી તુરંત બનાવે તે જરૂરી હોવાનો સમિતિએ અભિપ્રાય આપ્યો છે.
ગીરની મુલાકાત દરમિયાન વન અને પર્યાવરણ વિભાગની સંસદીય સ્થાયી સમિતિના 20થી વધુ સભ્યોએ વહેલી સવારથી ગીરના જંગલ વિસ્તારની મુલાકાત લીધી હતી. ગીરમાં વસવાટ કરતા નેસડાઓના માલધારીઓની રૂબરૂ મુલાકાત લીધી હતી અને આ રૂબરૂ મુલાકાત દરમિયાન માલધારીઓએ સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ માંગણી કરી કે, અમોને સરકાર માત્ર નાણાં આપી ગીરની બહાર ખસેડવા પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ માત્ર નાણાં જ નહીં માલઢોર અને પોતાના પરિવારના નિભાવ અર્થે જમીન પણ આપવાની માંગ કરી હતી.
આ સમગ્ર મામલે સંસદીય સ્થાયી સમિતિના ચેરમેન જયરામ રમેશે જણાવ્યું હતું કે અગાઉ ૩૦૦ જેટલા માલધારી પરિવારને ગીરની બહાર જમીન આપી વસવાટ કરાવ્યો છે અને હજુ 4૦૦ જેટલા પરિવાર ગીરમાં વસવાટ કરી રહ્યા છે. તેઓ માટે 1500 એકર જેટલી જમીન સરકારે આપવી અને તેઓને નાણાં પણ આપવા જોઇએ અને આ અંગે આ કમિટી કેન્દ્ર અને રાજ્ય સરકારને રજૂઆત પણ કરશે.
સંસદીય સમિતિના ચેરમેન જયરામ રમેશે સતત વધતા તાપમાન અંગે ચિંતા વ્યક્ત કરી જણાવ્યું હતું કે, પહેલા 122 દિવસ સુધી વરસાદ વરસતો હતો હવે તેમાં ખૂબ જ ઘટાડો થયો છે. હવે માત્ર 35 થી 45 દિવસ સુધી જ વરસાદ વરસે છે. આ વરસાદ ઘટવાના કારણે તાપમાન વધ્યું છે. વિકાસ અને પર્યાવરણ બંને સાથે ચલાવવા જોઈએ પરંતુ તેમાં વિજ્ઞાન અને પર્યાવરણનું સંતુલન જાળવવું જરૂરી છે.
આ સમગ્ર મામલે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે આ કમિટી દ્વારા સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે અનેક ચર્ચા વિચારણા કરવામાં આવી છે જેમાં સિંહો બહાર ગયા છે તે ચિંતાજનક છે અને તેને કેમ પરત લાવી શકાય તે વિષય પર પણ ચર્ચા થઇ હતી. આ ઉપરાંત માલધારીઓના પ્રશ્ન અને સિંહને વધુ રહેઠાણ મળે તે વિષય પર ચર્ચા કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.