ખાણીપીણીના ખર્ચ:પ્રચાર ડીજીટલ થતાં ખર્ચ 70 % ઘટ્યો, તો સામે ભોજનનો વધ્યો

જૂનાગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેમ્ફલેટ, બેનર, સ્ટીકર, મેનીફેસ્ટોનું છાપકામ કુલ ખર્ચના 70 ટકા રોકી લેતા એ હવે બંધ

ચૂંટણી પંચ દરેક ઉમેદવાર દ્વારા કરાતા ખર્ચની એક મર્યાદા બાંધી દે છે. અને તેના પર સતત વોચ રાખવામાં આવે છે. જોકે, ઉમેદવારોને હવે પ્રચાર કાર્ય ડીજીટલ થઇ જતાં પેમ્પલેટ, મેનીફેસ્ટો, બેનર, સ્ટીકર, મતદાનની સ્લીપ છપાવવાનો ખર્ચ ઘટી ગયો છે. તેઓની મર્યાદાના 70 ટકાનો ખર્ચ આ રીતે ઓછો થઇ ગયો છે. જોકે, સામે પક્ષે ભોજનનો ખર્ચ વધી ગયો છે. એટલે પાછું બધું સરભર થઇ ગયું છે. ટૂંકમાં ચૂંટણી પ્રચાર માટેના ખર્ચનો પ્રકાર હવે બદલાઇ ગયો છે.

2017 ની ચૂંટણીમાં એક ઉમેદવારે નવતર પ્રયોગ કર્યો હતો. રાજકોટમાં રહેતા મૂળ જૂનાગઢના યુવાન પાસે એક એપ બનાવડાવી હતી. જેમાં મતદારનું નામ અને ભાગ નંબર સહિતની વીગતો નાખતાં સીધીજ ઇ-સ્લીપ બની જાય. અને તે લેપટોપમાંથી સોશ્યલ મીડિયાના મોબાઇલ નંબર પર શેર થઇ જતી હતી. આનાથી ફાયદો એ થતો કે, મતદાનની સ્લીપ છપાવવાનો ખર્ચ અને તેને મતદારના ઘર સુધી પહોંચાડવાનો ખર્ચ બચી ગયો. વળી જે મતદારને આ રીતે સ્લીપ મળી હોય એમાંથી ઘણાખરા મત આપ્યા બાદ એ નંબર પર અંગૂઠાની ઇમોજી મોકલી આપે.

એટલે તેનો મત નંખાઇ ગયો એનું વેરીફીકેશન અને પોતાને કેટલા મત મળ્યા એનો ખ્યાલ આવી જતો. ઉમેદવારને સામાન્ય રીતે ચૂંટણી ઢંઢેરો, પેમ્પલેટ, સ્લીપ, પોસ્ટરો, બેનર, સ્ટીકરો છપાવવા પડતા. કુલ ચૂંટણી ખર્ચમાંથી 70 ટકા રકમ તેની પાછળ ખર્ચાઇ જતી. પણ હવે ઉમેદવારો સોફ્ટવેરમાંજ પોતાનું પ્રચાર સાહિત્ય તૈયાર કરાવી તેને સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી દે છે. તેનો ખર્ચ સાવ મામુલી હોય છે. આ સિવાય હોર્ડીંગ, બેનર, લાઉડ સ્પીકર સાથેના વાહનો જુદા જુદા રૂટ પર ફેરવવા પડે એ તો જુદા. આ બધું હવે બંધ થઇ ગયું છે.

જોકે, આની સામે ખાણીપીણીનો ખર્ચ વધી ગયો છે. મતદારોમાં એક આખો વર્ગ એવો છે જે બધા ઉમેદવારોના કાર્યાલય કે મીટીંગોમાં નાસ્તા-ભોજનની અચૂકપણે અપેક્ષા રાખે છે. 2017 ની ચૂંટણીમાં એક પૂર્વ ધારાસભ્યને તો એવો અનુભવ થયો કે, એક ગામમાં તેઓ પ્રચાર માટે ગયા તો એવો જવાબ મળ્યો કે, ભજીયા ખવડાવો તો જ મત આપીશું. ઉમેદવારે એ ગામમાં પુલ અને રસ્તાના કામો યાદ અપાવ્યા અને કહ્યું, હું ભજીયા ખવડાવીને નહીં કામના આધારે મત માંગવા આવ્યો છું. તો એવો જવાબ મળ્યો, કે એ બધું તો ઠીક છે પણ ભજીયા નહીં ખવડાવો તો મત નહીં મળે. આમ પ્રચાર સાહિત્યનો ખર્ચ ભલે ઘટી ગયો. પણ ખાણીપીણીના ખર્ચ એ બધું સરભર કરી દીધું છે.

કેવી રીતે ગણાય છે સોશ્યલ મીડિયાનો ખર્ચ
જો ઉમેદવારે જો રેલી, સરઘસ કે કાર્યક્રમનો વીડિયો અપલોડ કર્યો હોય તો તેનો કોઇજ ખર્ચ ચૂંટણી ખર્ચમાં ઉધારવાનો રહેતો નથી. પણ જો કોઇ સ્પેશિયલ વીડિયો બનાવ્યો હોય તો તેનો ખર્ચ ગણાય છે.

સ્ટાર પ્રચારક વખતની તકેદારી
જો ઉમેદવારના પક્ષના કોઇ સ્ટાર પ્રચારક આવે એનો ખર્ચ પાર્ટી કરે. પણ જો તેની જાહેરસભામાં ઉમેદવાર સ્ટેજ પર રહે, તેનું પોસ્ટર, નામ કે ફોટો કે ભાષણમાં પણ તેના નામનો ઉલ્લેખ કરાય તો બધો ખર્ચ ઉમેદવારના નામે ઉધારાઇ જાય. બાકી બધો ખર્ચ પાર્ટીનો ગણાય. અને તેના ખર્ચની કોઇ મર્યાદા નથી.

800 થી 1000 ને બદલે માંડ 150 બેનરો છપાય છે
હવે ઉમેદવારો મતદાર સ્લીપ છપાવે છે. એમાં તો મોટાભાગે ઝેરોક્ષ કરવાની હોય. બાકી પેમ્ફલેટ લગભગ બંધ થઇ ગયા. પહેલાં 1-1 લાખ પેમ્ફલેટો છાપતા. એ રીતે ઉમેદવારો દિવાલો પરનાં સ્ટીકર પણ નથી છપાવતા. અમારી પાસે ઉમેદવારો 800 થી 1000 બેનરો છપાવતા. એને બદલે હવે માંડ 150 બેનરો છપાવે છે. વિધાનસભાની ચૂંટણીનો ધંધો 60 ટકા ઘટી ગયો છે. અગાઉ તો ચૂંટણી વખતે રાત્રે 11-12 વાગ્યે ઘેર આવતો. એને બદલે હવે 9:30 વાગ્યે દુકાન વધાવી લઇએ એટલું બધું કામ ઘટી ગયું છે. > પરસોત્તમભાઇ ઢોલરિયા, પ્રિન્ટીંગ વ્યવસાયી

એક વ્યક્તિના લઘુત્તમ વેતન મુજબ ખર્ચ ગણાય
સોશ્યલ મીડિયા પર પ્રચાર ખર્ચ ટ્રેક કરવાની કોઇ સીસ્ટમ કે માપદંડ નથી. પણ જ્યારે ઉમેદવારે હિસાબ દેખાડવાનો હોય ત્યારે ચૂંટણીના જાહેરનામાના દિવસથી લઇને પૂરી થાય ત્યાં સુધીનો એક વ્યક્તિનો લઘુત્તમ વેતન મુજબનો ખર્ચ અથવા વધુ હોય તો સ્વેચ્છાએ જાહેર કરવાનો રહે છે. અને ઇન્ટરનેટનાં 100 કે 200 જીબીના વપરાશનો જે ખર્ચ થાય એ તેણે દર્શાવવાનો રહે. બાકી એ તેના ફોલોઅર્સ ફોરવર્ડ કરે તો તે ખર્ચમાં નથી ગણાતું.

અન્ય સમાચારો પણ છે...