કોંગ્રેસમાં રાજીનામાનો દોર યથાવત:માણાવદરમાં અરવિંદ લાડાણીને ટિકિટ આપતાં વિવાદ, પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો સહિત 28એ સામૂહિક રાજીનામું ધર્યું

જૂનાગઢ24 દિવસ પહેલા

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતા જ તમામ પક્ષોએ ઉમેદવારોના નામની પ્રક્રિયાને તેજ બનાવી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની એક યાદી જાહેર કરવામાં આવી છે. જોકે, ઉમેદવારોના નામ જાહેર થતા જ અનેક જગ્યાએ આંતરિક વિવાદ સામે આવી રહ્યો છે. ડીસાની બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત થતા જ પાલિકાના 2 પૂર્વ પ્રમુખ સહિત 15 આગેવાનોએ રાજીનામું ધરી દીધું હતું. આ ઉપરાંત ઝાલોદમાં ઉમેદવારના નામની જાહેરાત કરતાંની સાથે જ હોદ્દેદારોએ સામુહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે ત્યારે હવે માણાવદર બેઠક પર અરવિંદ લાડાણીને ટિકિટ આપતાં કોંગ્રેસના 28 કાર્યકરોએ સામૂહિક રાજીનામું ધરી દીધું છે.
માણાવદરના રાજકારણમાં ગરમાવો આવ્યો
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતા જ તમામ પક્ષોએ ઉમેદવારોના નામની પ્રક્રિયાને તેજ બનાવી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા 85-માણાવદર વિધાનસભા બેઠક પર અરવિંદ લાડાણીને ઉમેદવાર જાહેર કરતાં પાર્ટીના અન્ય કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેમાં વંથલી શહેર, તાલુકા, લઘુમતી મોરચો, એસસી, એસટી મોરચો, નગરપાલિકાના સદસ્યોએ વિરોધ નોંધાવી તમામે રાજીનામું ધરી દીધું છે. કોંગ્રેસના 28 જેટલા કાર્યકરોએ એક સાથે રાજીનામું ધરી દીધું હતું જેને લઈ માણાવદરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

રાજીનામાં આપતા શું જણાવ્યું?
તમામ અનુ.જાતિ તેમજ તાલુકા, શહેર, લઘુમતી મોરચાના સભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામા આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના વફાદાર અને સનીષ્ઠ કાર્યકરો અલગ-અલગ હોદ્દાઓ પર ફરજ બજાવી પક્ષની રીતી-નીતીનો વ્યાપ વધે તે માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા. વર્ષ 2019માં સ્થાનિક ધારાસભ્યએ સમગ્ર સંગઠનને સાથે લઈ ભાજપમાં જતા રહ્યા અને પેટા ચૂંટણીના સમયે સામદામ-દંડભેદનો ભરપૂર ઉપયોગ કર્યો હોવા છતાં, શૂન્યમાંથી સર્જન કરી, રાત-દિવસ જોયા વગર પક્ષના દરેક કાર્યકરોએ ખભેખભો મિલાવી પાઠની વિયારધારાને જીવંત રાખી પક્ષને મજબુત બનાવવા અથાગ પ્રયત્નો કર્યા છે. પક્ષ દ્વારા થયેલા આદેશનું ચુસ્તપણે પાલન કરી પક્ષના દરેક કાર્યક્રમો, કેમ્પોને સફળ બનાવી વર્ષ 2022માં કોંગ્રેસની સરકાર જોવાના સ્વપ્નો જોયા છે, પરંતુ તાજેતરમાં જાહેર થયેલી પ્રથમ યાદીમાં 85-માણાવદર વિધાનસભા મત વિસ્તારના ઉમેદવાર તરીકે અરવિંદ લાડાણીને જાહેર કરાતાં સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાયો છે.

કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી ફેલાઈ
​​​​​​​
રાજીનામામાં વધુમાં જણાવ્યું કે, 85-માણાવદર વિધાનસભા મત વિસ્તારમાં પેટા ચૂંટણીમાં અરવિંદ લાડાણી દ્વારા સતત નિષ્ક્રીયતા રાખી આ જીતી શકાય તેવી બેઠક પર ઈરાદાપૂર્વક પોતાની મહેચ્છાઓ પુરી પાડવા પક્ષને ન પુરી શકાય તેવી ખોટ આપી ક્ષતિપૂર્ણ ચૂંટણી લડ્યા હતા, પરિણામે કોંગ્રેસ થોડા મતે આ બેઠક હારી હતી. વર્તમાન સમયમાં ફરીથી આ ઉમેદવાર દ્વારા દાવેદારી કરવામાં આવી હતી, ત્યારે જિલ્લા અને પ્રદેશ નેતાગીરીને તેમજ સૌરાષ્ટ્રના પ્રભારી રામકિશાન ઓઝાને અનેક વખત રૂબરૂ મળી સમગ્ર ઘટનાથી વાકેફ કરાયા હતા. તેમ છતાં આ ચૂંટણીમાં આ બેઠક ઉપર ભાજપના કદાવર નેતા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડાને જીતાડવાની ગણતરી હોય તે રીતે સંગઠનના પદાધિકારીઓની એકપણ વાત ધ્યાને લીધા વગર આ ઉમેદવાર જાહેર કરી દેવાતાં કોંગ્રેસના વફાદાર કાર્યકરોમાં નારાજગી ફેલાઇ છે.

વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી
​​​​​​​
વધુમાં પક્ષ દ્વારા લેવામાં આવેલી સેન્સ પ્રક્રિયા વખતે વંથલી, મેંદરડા અને માણાવદરના મોટાભાગના સંગઠનના હોદ્દેદારોએ સુચવેલા નામની અવગણના કરી, પક્ષ દ્વારા કરાયેલી ખાનગી સર્વેની અવગણના કરી, પક્ષના હોદ્દેદારોની લાગણીઓની અવગણના કરી જે નિર્ણય લેવમાં આવ્યા છે, તેને વખોળી હોદ્દેદારોએ કોંગ્રેસના સભ્યપદેથી જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સામુહીક રાજીનામાં આપ્યા હતા અને જણાવ્યું હતું કે, આવતીકાલે વંથલી વિસ્તારમાં પરીવર્તન સંકલ્પ યાત્રા આવી રહી છે. તે સમયે કાળા વાવટાઓ ફરકાવી ઉક્ત અગ્રણીનું પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

ડીસામાં ઉમેદવારનું નામ જાહેર થતા જ કોંગ્રેસમાં ભડકો
કોંગ્રેસે હજુ બનાસકાંઠાની એકમાત્ર ડીસાની બેઠક જાહેર કરતાં જ કોંગ્રેસમાં ભડકો થયો છે. કોંગ્રેસે ડીસાની બેઠક, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇના પુત્ર સંજય રબારીને ટિકિટ આપતા અનેક સિનિયર આગેવાનો નારાજ થયા છે અને બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, ડીસા નગરપાલિકાના 2 પૂર્વ પ્રમુખ સહિત 15 જેટલા આગેવાનોએ પાલનપુર ખાતે કોંગ્રેસ કાર્યાલયમાં પોતાના રાજીનામાં ધરી દીધા છે. ડીસા બેઠક માટે કોંગ્રેસના પ્રબળ દાવેદાર અને ઠાકોર સમાજના અગ્રણી તેમજ જિલ્લા પંચાયતના 2 વખત સદસ્ય રહી ચૂકેલા પોપટજી દેલવાડીયા એ પોતાના સમર્થકો મારફતે આ વખતે કોંગ્રેસ મોવડી મંડળને દેસાઈ સમાજ સિવાય અન્ય સમાજને ટિકિટ આપવા તાકીદ કરી હતી. જોકે, કોંગ્રેસે ફરી પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈના પુત્રને જ ટિકિટ આપતા અનેક સિનિયર આગેવાનોએ રાજીનામાં આપ્યા છે. જેમાં પોપટજી દેલવાડીયા કોંગ્રેસ પક્ષ છોડતા રડી પડ્યા હતા. જ્યારે તેઓએ પોતાનો કોંગ્રેસનો ખેસ પણ પાર્ટીને અર્પણ કરી દીધો હતો.

કોંગ્રેસ પક્ષ છોડતા આગેવાન રડી પડ્યા હતા
કોંગ્રેસ પક્ષ છોડતા આગેવાન રડી પડ્યા હતા

​​​​​​​ઉમેદવારોની જાહેરાત બાદ ઝાલોદમાં સામુહિક રાજીનામાંની ચીમકી
દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ ઝાલોદ વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારના નામની જાહેરાત કરતાંની સાથે જ ઝાલોદ તાલુકા કોંગ્રેસમાં ભડકો થયો છે. આ નામ રદ કરવામાં આવે નહીં તો સમગ્ર ઝાલોદ તાલુકાના કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ સામુહિક રાજીનામા આપશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...